ખેડૂતોની માંગણી પૂરી ન થવા પર અન્ના હજારેએ આપી જન આંદોલનની ચીમકી

છેલ્લા કેટલાક દિવસોથી હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદ્દેશ સહિત ભારતભરના કેટલાક વિસ્તારના ખેડૂતો ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદ્દર્શન કરી રહ્યા છે, ખેડૂતો અને સરકારના મંત્રીઓ વચ્ચે કેટલાક ચરણની બેઠક પણ થઈ ચૂકી છે પરંતુ તેનો કોઈ નિવેડો આવ્યો નથી, ખેડૂતો પોતાની માંગણીને લઈને અડગ છે અને સતત આંદોલન કરી રહ્યા છે. હાલમાં જ ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું આહ્વાન કર્યું હતું, જેમાં ખેડૂત આંદોલનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

ખેડૂત આંદોલનને કેટલાક રાજકીય પક્ષો, એક્ટરો તેમજ જાણીતી હસ્તીઓ સમર્થન કરી રહી છે, તેમાં જ સામેલ છે 80 વર્ષીય સામાજિક કાર્યકર અન્ના હજારે. તેમણે ખેડૂત આંદોલનના સમર્થનમાં એક દિવસના ઉપવાસ બાદ સરકારને ચીમકી આપી છે કે ખેડૂતોની માંગણી પૂરી ન થાય તો લોકપાલ સમાન આંદોલન કરશે.

80 વર્ષીય સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ગુરુવારે કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં કેન્દ્ર સરકારને ચીમકી આપી છે. અન્ના હજારેએ ગુરુવારે કહ્યું હતું કે, જો ખેડૂતોની માંગણી પૂરી ન કરવામાં આવી તો ‘જન આંદોલન’ની શરૂઆત થશે. તાત્કાલિન કોંગ્રેસ સરકારને ‘લોકપાલ’ આંદોલનમાં હલાવી દીધી હતી. હું ખેડૂતોના વિરોધને એ રીતે જ જોવ છું.

અન્ના હજારેએ આગળ કહ્યું કે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા ભારત બંધની જાહેરાતના દિવસે મેં રાલેગાંવ-સિદ્ધિમાં પોતાના ગામમાં એક દિવસનો ઉપવાસ કર્યો હતો અને ખેડૂતોની માંગણીમાં મારું પૂરું સમર્થન છે.

અન્ના હજારેએ ચેતવણી આપતા કહ્યું હતું કે, જો સરકાર ખેડૂતોની માંગણી ન માને તો હું ફરી એકવાર જન આંદોલન માટે બેસીશ. જે લોકપાલ આંદોલન સમાન જ હશે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓમાં મુખ્ય રૂપે પંજાબના હજારો ખેડૂત 3 કૃષિ કાયદાઓને લઈને વિરોધ કરી રહ્યા છે. તેમને લાગે છે કે ખાનગી ક્ષેત્ર દ્વારા તેમના પાકોને ઓછી કિંમતમાં ખરીદીને તેમનું શોષણ કરવામાં આવી શકે છે. દેશમાં ખેડૂતોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા અન્ના હજારેએ કહ્યું હતું કે ‘દેશમાં ખેડૂતો વિરુદ્ધ કોઈ કાયદો સ્વીકારી નહીં શકાય. જે કૃષિ પર આધારિત હોય. જો સરકાર એમ કરે છે તો તેની વિરુદ્ધ આંદોલન ઉચિત છે.