‘હું ઇચ્છું છું કે, લોકો મને એક એન્ટરટેઇનર તરીકે યાદ કરે’: હિંદી ફિલ્મ ઉદ્યોગમાં એક દાયકો પૂરો કરનાર સુપરસ્ટાર રણવીર સિંહની મહેચ્છા

અસાધારણ વ્યક્તિત્વ ધરાવતો રણવીર સિંહ ખરા અર્થમાં હિંદી ફિલ્મ ઉદ્યોગનો યુવાન સુપરસ્ટાર છે. 300 કરોડની બ્લોકબસ્ટર પદ્માવત પોતાના નામે નોંધાવનાર પ્રથમ યુવાન સ્ટાર રણવીર ભરપૂર આત્મવિશ્વાસ, આગવાપણું, એકાગ્રતાથી છલકાય છે અને તેણે પોતાની અત્યંત સફળ, સેલ્ફ-મેડ રોલ મોડેલ તરીકેની ઇમેજ વિકસાવી છે. ફિલ્મ ઉદ્યોગમાંથી ન આવતો હોવા છતાં તેણે ભારતીય સિનેમામાં પોતાનું નામ અંકિત કર્યું છે. 10મી ડિસેમ્બરના રોજ રણવીરે ફિલ્મ ઉદ્યોગમાં તેનાં દસ વર્ષ પૂર્ણ કર્યાં છે. દસ વર્ષ અગાઉ બેન્ડ બાજા બારાત સાથે તેણે મનોરંજનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. રણવીરની કારકિર્દીનાં 10 પર નજર કરતાં સૌ કોઈ માનશે કે, તેની પ્રતિભા અને દરેક ભૂમિકામાં ઢળી જવાના કૌશલ્યએ ભારતીય સિનેમાના વર્તમાન ફલકને આકાર આપવામાં યોગદાન આપ્યું છે.

એક નિપુણ પરફોર્મર એવા રણવીરે વિવિધ પ્રકારની ફિલ્મો અને પાત્રોમાં એક અભિનેતા તરીકેની તેની કાબેલિયત દર્શાવી છે. બેન્ડ બાજા બારાતનો ગમી જાય તેવો બિટ્ટુ શર્મા હોય, કે લૂટેરાનો દિલદાર વિચારશીલ ચોર, કે ગોલિયોં કી રાસલીલા રામ-લીલાના વિશ્વમાં લઈ જતો ઉગ્ર રોમિયો, બાજીરાવ મસ્તાનીનો નિડર અને બાહોશ પેશવા બાજીરાવ હોય, કે દિલ ધડકને દોનો કૂલ પણ જટિલ કબીર મહેતા હોય કે, પદ્માવતનો દુષ્ટ રાજા અલાઉદ્દીન ખીલજી હોય, સિમ્બાનો ભ્રષ્ટ પોલીસકર્મી હોય કે ગલી બોયનો જરૂરિયાતમંદ અને છતાં ભારતની શેરીઓનો શક્તિશાળી અવાજ હોય, પોતાના બેજોડ પર્ફોર્મન્સ થકી રણવીરે નોખો ચીલો ચાતર્યો છે. સુપર સ્ટારડમની સફરના 10મા વર્ષે, શો બિઝનેસના અદ્ભુત શોમેન એવો રણવીર તેનાં યાદગાર સીમાચિહ્નો, તેનાં સપનાં અને તેની મહત્વાકાંક્ષાઓ, ફિલ્મોમાં ધમાકેદાર પ્રવેશ કરતાં પહેલાં વર્ષો સુધી સહન કરવા પડેલા રિજેક્શન અને તે જે વારસો પાછળ છોડવા માંગે છે, તેના વિશે તેણે કરેલી વાતચીતના અંશો અહીં પ્રસ્તુત છેઃ

પ્રશ્ન: 10 ડિસેમ્બરે રણવીર સિંહ સિનેમા ઉદ્યોગમાં 10 વર્ષ પૂરાં કરશે. પાછળ જોતાં, આ 10 વર્ષોમાં કઈ ક્ષણોને તમે તમારી કારકિર્દીનું સીમાચિહ્ન ગણો છો અને શા માટે?

અલબત્ત, આ દસ વર્ષોમાં સૌથી મોટું સિમાચિહ્ન છે, જ્યારે મને મારી પ્રથમ ફિલ્મ માટે પસંદ કરવામાં આવ્યો, તે ક્ષણ ભૂલી ન શકાય તેવી છે. આજે પણ જ્યારે તે વિશે વિચારું, ત્યારે મારા રૂંવાડા ઊભા થઈ જાય છે. મારા જેવું બેકગ્રાઉન્ડ ધરાવનારી વ્યક્તિ માટે આટલો મોટો બ્રેક મેળવવો મારી કલ્પના બહાર હતું. ત્યાર બાદ નસીબ પલટાયું અને તે શીખવાની, વિકાસ પામવાની, એક સર્જનશીલ વ્યક્તિ, પરફોર્મર અને પબ્લિક ફિગર તરીકે ઊભરવાની સફર બની રહી. પ્રત્યેક વર્ષ વીતવા સાથે અને દરેક ફિલ્મ સાથે મેં કળા વિશે, મારા વિશે કશુંક વધુ શીખ મેળવી છે અને હું સ્વયંને બહેતર બનાવવાનો, મારાં કૌશલ્યો સુધારવાનો પ્રયત્ન કરૂં છું. દરેક ફિલ્મ સાથે અને પ્રત્યેક પાત્ર સાથે હું મારા અસ્તિત્વને થોડું વધુ ખોળું છું. આશાસ્પદ રીતે, અન્ય વ્યક્તિનું પાત્ર ભજવવા સાથે હું સ્વયંને સ્વયંને વધુ સારી રીતે સમજવા માટે સક્ષમ થઈશ. દરેક અનુભવ અને દરેક ફિલ્મે મને થોડો વધુ સમૃદ્ધ કર્યો છે, આથી હું મને પ્રાપ્ત થયેલી દરેક તક બદલ અત્યંત કૃતજ્ઞતા અનુભવું છું.

પ્રશ્ન: તમે સેલ્ફ-મેડ સુપરસ્ટાર છો. બેન્ડ બાજા બારાત પહેલાં તમે અનુરાગ કશ્યપ, નિખિલ અડવાણી સહિતના ઘણાં ફિલ્મસર્જકો દ્વારા રિજેક્શનનો સામનો કરી ચૂક્યા છો. અનિશ્ચિતતાના એ સમય વિશે જણાવશો.

મારો સંઘર્ષનો સમયગાળો સ્હેજ પણ સરળ ન હતો. તે સમયે મંદીનો માહોલ હતો, ફિલ્મનો વ્યવસાય ખાસ નફો રળતો ન હતો, લોકો થોડી જ ફિલ્મો બનાવતા હતા. આથી, આજના એક્ટર્સ કરતાં તે સમયના એક્ટર્સ માટે તકો ઘણી ઓછી હતી. તે સમયે અમારી પાસે આ વેબ પ્લેટફોર્મ ઉપલબ્ધ નહોતા, અમારી પાસે OTT પ્લેટફોર્મ વગેરે ઉપલબ્ધ નહોતાં. 3-3.5 વર્ષ સુધી હું અંધારામાં જ ફંફોસતો હતો, વિવિધ પાસાં અજમાવતો હતો, બ્રેક મેળવવા પ્રયત્ન કરતો હતો, કામ મેળવવા માટે મારો પોર્ટફોલિયો લઈને જુદી-જુદી ઓફિસોના ચક્કર કાપતો હતો અને કામ મળશે કે કેમ, તે પણ જાણતો ન હતો. હું જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો, તે સ્થિતિમાં એક પર્ફોર્મર તરીકે હિંદી ફિલ્મોમાં લિડ એક્ટરની તક મેળવવાનું વિચારવું પણ મુશ્કેલ હતું. મારાં અદભુત માતા-પિતાના પ્રેમ, આશીર્વાદ, બલિદાન અને સહાયને કારણે મને ધૈર્ય જાળવી રાખવાવની હિંમત મળી. કેટલીક વખત હું મૂર્ખ બન્યો, તેમ છતાં મક્કમ હતો. મેં પ્રયત્ન કરવાનું શરૂ કર્યું, ત્યારે હું 21 વર્ષનો હતો, અને 24 વર્ષની વયે સપનું સાકાર થવા જઈ રહ્યું હતું. તે વાતો હંમેશાં યાદ રહેશે. પટિયાલા હાઉસમાં સાઇડ રોલ માટે હું લગભગ નક્કી હતો. અનુરાગ સીધી કે આડકતરી રીતે જોડાયેલા હોય તેવી કેટલીક નાના બજેટની ફિલ્મો હું કરવા જ માંડ્યો હતો. કામ જે રીતે શરૂ થયું હતું અને જે રીતે આગળ ધપી રહ્યું હતું, તે જોઈને અનુરાગ સર અને નિખિલ સર કદાચ મારા જેટલી જ આશ્ચર્યમાં હતા!

પ્રશ્ન: આજે, તમે ટોચના તમામ દિગ્દર્શકોના ફેવરિટ છો. ભૂતકાળમાં નજર કરીએ તો, જ્યારે તમે બેન્ડ બાજા બારાત કરી, ત્યારે શું તમે વિચાર્યું હતું કે, તમે એક જ દાયકામાં આટલી સફળતા હાંસલ કરશો?

ના, બિલકુલ નહીં. જે શુક્રવારે મારી પ્રથમ ફિલ્મ રિલીઝ થઈ, તે દિવસથી મારા જીવનમાં જે ઘટનાઓ બની છે, મારી કારકિર્દીની ગતિ અને મારી સફર મારી કલ્પનાથી ઘણી દૂર છે. મારી સાથે અને મારી આસપાસ જે ઘટનાઓ બની છે, તે હું સપનામાં પણ નહોતો વિચારી શકતો. હું દાવો ન કરી શકું કે, મેં આવા ભવિષ્યનું સ્વપ્ન સેવ્યું હતું. મેં વિચાર્યું કે, કશુંક તો થશે, પણ આવું થશે, તેમ કદી નહોતું વિચાર્યું. કહેવાય છે કે, તમારે મોટું સ્વપ્ન સેવવાની હિંમત કરવી જોઈએ, પણ હું આટલું મોટું સ્વપ્ન સેવી શકતો ન હતો. આથી, જો હું વિચારવાનું બંધ કરું અને પરિસ્થિતિ જે રીતે બદલાઈ ગઈ અને આજે હું જ્યાં છું, તે વિશે વિચારું, તો બધું અવાસ્તવિક જેવું લાગે છે.

પ્રશ્ન: શું તમે તમારા વારસા વિશે ઘણું વિચારો છો? જો એમ હોય, તો ભારતીય સિનેમામાં રણવીરનો વારસો શું હોય, તેમ તમે ઇચ્છો છો?

હા, રોજ હું વારસો છોડી જવા તરફ કામ કરું છું, એક એવી ફિલ્મોગ્રાફી જેના પર હું ગર્વ કરી શું. હું કળા ક્ષેત્રે યોગદાન આપવા માંગું છું અને જે રીતે મારા સિનિયર કલાકારોએ મને પ્રેરણા પૂરી પાડી, તે રીતે અન્ય કલાકારોને પ્રેરિત કરવા માંગું છું. આપણે સૌ ઇચ્છીએ છીએ કે, ઇતિહાસમાં આપણને યાદ કરવામાં આવે. મને લાગે છે કે, સામાજિક પ્રાણી તરીકે માનવીને આવી ઇચ્છા થવી સાહજિક છે. હું ઇચ્છું છું કે, લોકો મને એક એન્ટરટેર તરીકે, એક વર્સેટાઇલ એક્ટર તરીકે યાદ કરે, એવો અભિનેતા જેના કાર્યની આપણા દેશના બેસ્ટ સિનેમામાં ગણના થાય. આ મહત્વાકાંક્ષા ઘણી ઊંચી છે, પણ હું દરોજ આ માટે એ ક્ષેત્રે કામ કરું છું અને મારી પસંદગીના ક્ષેત્ર – હિંદી સિનેમાના ક્ષેત્રમાં મારા કાર્ય થકી મારા દેશને ગૌરવ અપાવું, તેવી અપેક્ષા સેવું છું. મારી મહત્વાકાંક્ષા વિશે વધુમાં જણાવું તો, હું કહીશ કે હું માત્ર લોકોને મનોરંજન પીરસવા માંગું છું, બસ. હું લોકોને થોડી રાહત આપીને તેમની વ્યથા દૂર કરવા ઇચ્છું છું. મારે એન્ટરટેઇનર બનવું છે અને હું માનું છું કે, હું મારી નિયતિ સંતોષી રહ્યો છું, તેમાં ભગવાન મને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.