ગુજરાતની 8000 શાળાઓ આ બાળકોને ફ્રીમાં શિક્ષણ આપશે

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે હજુ સુધી રાજ્યમાં શાળા-કોલેજો શરૂ થઇ નથી. નવેમ્બર મહિનામાં શાળા અને કોલેજો શરૂ કરવા બાબતે રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો પરંતુ દિવાળી પછી કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા શાળા કોલેજો ખોલવાના નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો હતો. તો બીજી તરફ ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને ફીની ચિંતા સતાવી રહી છે. ત્યારે રાજ્યની 8 હજાર જેટલી ખાનગી શાળાઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોરોનાની મહામારીના કારણે જે બાળકોના વાલીઓનું મૃત્યુ થયું હોય તેવા વિદ્યાર્થીઓને શાળા દ્વારા ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતનો આ નિર્ણય ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા લેવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર ખાનગી શાળા સંચાલક મંડળના આ નિર્ણયના કારણે જે બાળકોના વાલીઓના અવશાન કોરોનાની મહામારી વચ્ચે થયા છે તેવા બાળકોને ખૂબ મોટી રાહત મળશે. ફી માફીનો લાભ લેવા માટે શાળામાં વાલી મૃત્યુ પામ્યા હોવાનું પ્રમાણપત્ર વિદ્યાર્થીનાં સંબંધીએ શાળા સમક્ષ પૂરાવા તરીકે આપવું પડશે. કોરોનાની મહામારી વચ્ચે કોરોનાની લડાઈમાં મૃત્યુ પામેલા કોરોના વોરીયર્સના સંતાનો પણ ભણીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સ્વનિર્ણય શાળા સંચાલક મહામંડળના નિર્ણયને અન્ય વાલીઓએ પણ આવકાર્યો છે. બીજી મહત્ત્વની વાત છે કે, કોરોનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ રાજકોટના શાળા સંચાલક મંડળે ઓનલાઈન શિક્ષણની ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું શિક્ષણ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ ત્યારબાદ આ વાતનો વિરોધ થતા આ નિર્ણયને પરત ખેંચવામાં આવ્યો હતો.