થર્ટી ફર્સ્ટ પહેલા રાજકોટમાં દારૂની રેલમછેલ, રૂ. 7 લાખના દારૂ સાથે એકની ધરપકડ

રાજ્યમાં દારૂબંધીનો કાયદો જાણે કાગળ પર હોય એવી ઘટનાઓ સમયાંતરે સામે આવી રહી છે. ખાસ કરીને જ્યારે 31મી ડિસેમ્બર નજીક આવી રહી હોય ત્યારે. 31મી ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમને મળેલી એક ચોક્કસ બાતમીના આધારે એક ટ્રક પકડાયો છે. જેમાં વિદેશી દારૂ લઈ જવામાં આવતો હતો.

દારૂની હેરાફેરી કરનારા ભેજાબાજે આ વખતે નવો આઈડિયા અપનાવ્યો હતો. રૂ. સાત લાખનો વિદેશી દારૂ તથા બીયરની બોટલ સાથે જામનગરના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. વિરલ ગઢવીએ જણાવ્યું કે, ન્યુયર પાર્ટી નજીક આવતી હોવાથી પોલીસ કમિશનર તરફથી ખાસ આદેશ આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત એસ.વી.સાખરાની ટીમને એક બાતમી હતી કે, પ્લાસ્ટિકની આડમાં વિદેશી દારૂ આવી રહ્યો છે. જેને લઈને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે કુવાડવા રોડ પર આવેલા નવાગામ નજીક બાતમી મળેલા ટ્રક પર સતત વૉચ રાખી હતી. જ્યારે આ ટ્રક ત્યાંથી પસાર થયો ત્યારે તેને રોકવામાં આવ્યો હતો. તપાસ કરતા ટ્રકમાંથી બ્રાંડેડ વ્હીસકીની 1056 બોટલ, અન્ય વ્હીસકીની 180 બોટલ, રમની 432 બોટલ તથા અન્ય જુદી જુદી બ્રાંડની બિયરની 168 બોટલ જપ્ત કરવામાં આવી છે.

આ તમામ દારૂની કિંમત આશરે રૂ.7 લાખ ઉપજે છે. કુલ મળીને 17.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે આરોપી ધર્મેન્દ્ર ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, ટ્રકમાં પ્લાસ્ટિકના બારદાન વચ્ચે આ બોટલ છુપાવવામાં આવી હતી. આ બારદાન એટલી વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા કે, પહેલી નજરમાં તો ખ્યાલ ન આવે કે, અંદર શું હશે. આ જથ્થો ક્યાંથી આવ્યો છે અને રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં બીજે ક્યાં કોને બીયર તથા દારૂનો જથ્થો આપવાનો હતો એ અંગે પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. કેટલી વખત આ રીતે દારૂની ડિલેવરી કરી ચૂક્યો છે એ અંગે પણ જાણકારી મેળવવા માટે પગલાં લેવામાં આવ્યા છે. જેમ જેમ વર્ષનો અંતિમ દિવસ નજીક આવી રહ્યો છે એમ પોલીસે પણ સુરક્ષા બંદોબસ્ત તથા ચેકિંગ વધારી દીધું છે. ખાસ કરીને હાઈવે પર સતત પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.