આગ જેવી ઘટનાનો સામનો કરવા સિવિલમાં ફાયર વિભાગે 70થી વધુ કર્મચારીઓને તાલીમબદ્ધ

સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી સંભવિત દુર્ઘટનાનો સામનો કરવાં ‘બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિગ’ યોજાઈ હતી. નવી સિવિલ આરોગ્ય તંત્રની પ્રેરણાથી નવી સિવિલના ચીફ સિક્યુરિટી ઓફિસર હરેન ગાંધી દ્વારા સુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસર સહિત સિવિલના 70થી વધુ કર્મચારીઓને અગ્નિશામકોના ઉપયોગ અને ઈમરજન્સીમાં સાવચેતી અગે નિદર્શન કરી તાલીમબદ્ધ કરાયા હતાં. આગ કે અન્ય આકસ્મિક ઘટના બને ત્યારે જાનમાલનું નુકસાન નિવારવા અંગેની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી. આકસ્મિક આગની ઘટના સમયે અગમચેતીના પગલાંરૂપે સુરક્ષાકર્મીઓને અગ્નિશામક જેવા બચાવના સાધનોનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેથી આગની ઘટના બને તો વ્યવહારિક અમલ થઈ શકે.

હરેન ગાંધીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ ખાતે કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી, સુરતમાં આ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે તકેદારીના ભાગરૂપે સિવિલ તંત્રવાહકોને બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિંગ યોજીને તાલીમ આપવામાં આવી છે. કોવિડ-19 હોસ્પિટલની આસપાસ માત્ર એમ્બ્યુલન્સને જ પાર્કિંગ પરવાનગી આપવામાં આવી છે. જયારે આસપાસનો વિસ્તાર ‘પાર્કિંગ ફ્રી’ એરિયા રહેશે. જેથી આગ જેવી આકસ્મિક ઘટનામાં બચાવના વાહનોની અવરજવર અબાધિત રીતે થઈ શકે અને બચાવકાર્યમાં કોઈ અડચણ પેદા ન થાય.