વાઇસ કેપ્ટન કેમ ઓસ્ટ્રેલિયા ન આવ્યો કેપ્ટનને ખબર નથી, કોહલીએ કહ્યુ- કન્ફ્યૂઝન છે

ભારતીય ટીમ પોતાના સ્ટાર ખેલાડી અને ઉપ કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં 27 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી વનડે મેચ રમવા માટે ઉતરશે. IPL મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા રોહિત શર્મા પોતાની ઇજાને લઈને ચર્ચામાં છે. કોચ રવિ શાસ્ત્રીથી લઈને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ તેની ફિટનેસ પર વાત કરી ચૂક્યા છે. જોકે કેપ્ટન વિરાટ કોહલીની એક વાતથી વિવાદ શરૂ થઈ શકે છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મેચના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે કહ્યું હતું કે રોહિત શર્માની ઇજાને લઈને ભ્રમની સ્થિતિ છે અને તેની (વિરાટ કોહલી) પાસે ઇજાની સ્થિતિને લઈને પૂરી જાણકારી નથી. તેણે એ સાથે જ કહ્યું હતું કે, તેને ખબર નથી કે ટીમ સાથે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા કેમ ન આવ્યો.શુક્રવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાવા જઈ રહેલી પહેલી એક દિવસીય મેચ પહેલા મીડિયાના સવાલોના જવાબ આપતા વિરાટ કોહલીએ કહ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં થયેલી પસંદગી સમિતિની બેઠક પહેલા રોહિતને અનુપલબ્ધ જણાવવામાં આવ્યો હતો. ‘પસંદગી સમિતિની બેઠક પહેલા ઇ-મેલ મળ્યું હતું કે તે ઉપલબ્ધ નથી. તેમાં કહેવામાં આવ્યું હતું કે IPL દરમિયાન ઇજા થઈ છે. તેને ઇજા સંબંધિત જાણકારીઓ આપી દેવામાં આવી છે અને તે સમજી ગયો છે અને અનુપલબ્ધ રહેશે.’

વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ‘એ પછી તે IPLમા રમ્યો અને અમે બધાએ વિચાર્યું કે તે ઓસ્ટ્રેલિયા જનારી ફ્લાઇટમાં હશે અને અમને કોઈ સુચના નહોતી મળી કે તે અમારી સાથે મુસાફરી કેમ નથી કરી રહ્યો. કોઈ સૂચના નહોતી મળી, સ્પષ્ટતાનો અભાવ હતો. અમે રાહ જોઈ રહ્યા છીએ.