વડનગરમાં તાનારીરી મહોત્સવ-2020નો CM રૂપાણીએ પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાનારીરી મહોત્સવ-2020નો ઇ-પ્રારંભ કરાવતા જણાવ્યુ કે, ગુજરાતે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કે એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ નહિ પરંતુ તેની સાથોસાથ કલા, સાહિત્ય, સંગીત, રમત-ગમત જેવા ક્ષેત્રોમાં પણ અગ્રેસર રહેવાની પરંપરા ઉભી કરી છે.

મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી ઇશ્વર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાઇને વડનગર ખાતે યોજાઇ રહેલા તાનારીરી મહોત્સવનું ઉદઘાટન કર્યુ હતુ. તેમણે તાનારીરી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સનો પણ શુભારંભ આ અવસરે કરાવ્યો હતો.મુખ્યમંત્રીએ કહ્યું કે, તાનારીરી મહોત્સવ એ તજજ્ઞ સંગીતજ્ઞો અને સંગીતરસીકો માટે એક અભૂતપૂર્વ આકર્ષણ બન્યો છે. માત્ર ભારતમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં તેની ખ્યાતિ વિસ્તરી છે અને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ આ મહોત્સવ સ્થાન પામ્યો છે, તે ખાસ કરીને ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે.

વિજય રૂપાણીએ કહ્યુ કે ગુજરાતમાં કલા-સાહિત્ય અને સંગીત ક્ષેત્રની પાંગરતી પ્રતિભાઓને વિશાળમંચ આપવા કલા મહાકુંભનું આયોજન કરીને 11 લાખ 38 હજાર જેટલા લોકોને કલા કૌશલ્યની તક આપી છે. તેમણે કહ્યુ કે, ગુજરાતમાં વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2003ના વર્ષથી આ તાનારીરી મહોત્સવ શરૂ કરાવીને આધ્યકવિ નરસિંહ મહેતાની દોહિત્રીઓ તાના અને રીરીના સંગીત અને ગાયન ક્ષેત્રના ઇતિહાસને હાલની પેઢી સમક્ષ ઉજાગર કરી અમરત્વ બક્ષ્યું છે.