26/11ના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને પાકિસ્તાની કોર્ટે આપી આટલા વર્ષની સજા

સમાચાર એજન્સી પીટીઆઇના એક અહેવાલમાં કહેવાયું છે કે 26/11ના મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને પાકિસ્તાની અદાલતે બે આતંકી હુમલાના કેસમાં 10 વર્ષની સજા સંભળાવી છે. આતંકી સંગઠન લશ્કર – એ – તૈયબા અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઇદને કોર્ટે સજા સંભળાવી હોય તેવું પહેલીવાર બન્યું નથી, પણ હાફિઝ અને તેના સહયોગીઓને ટેરર ફડીંગ માટે 11 વર્ષની સજાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો.પાકિસ્તાને પોતે પાળેલા સાપ આજે તેને જ ડંખ મારી રહ્યા છે. આતંકવાદને પોષવા બદલ પાકિસ્તાનની દુનિયાભરમાં છબી ખરડાઇ છે.

હાફિઝ સઇદે 2008માં મુંબઇ હુમલાની યોજના બનાવી હતી.જેમાં 10 આતંકવાદીઓએ 166 લોકોની હત્યા કરી હતી અને અસંખ્ય લોકો ઘાયલ થયા હતા.હાફિઝ સઇદને સંયુકત રાષ્ટ્ર અને અમેરિકા દ્રારા વૈશ્વિક આતંકવાદી તરીકે ઓળખવામાં આવે છે.જેના માટે 10 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કરવામાં આવેલું છે.હાફિઝને ગયા વર્ષે જુલાઇમાં આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ આતંકવાદ માટે ફંડ પુરુ પાડવા બદલ પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી.પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબી સુધારવા ધરપકડનું નાટક કર્યા કરે છે.

હાફિઝ સઇદને લાહૌરની ઉચ્ચ સુરક્ષાવાળી લખપત જેલમાં રાખવામાં આવી રહ્યો છે.વૈશ્વિક આતંકી ફડીંગ મામલા પર નજર રાખતી ફાયનાન્સીઅલ એકશન ટાસ્ક ફોર્સ ( એફએટીએફ)ના દબાણમાં પાકિસ્તાને પોતાના દેશના આતંકવાદીઓ વિરુદ્ધ પગલું ઉઠાવ્યું છે.પાકિસ્તાનના આતંકવાદ નિરોધક વિભાગે જમાત-ઉદ-દાવાના નેતાઓ વિરુદ્ધ 41 મામલા દર્જ કર્યા છે. અને હાફિઝ સઇદ સામે 4 કેસ દર્જ થયા છે.