લાલ, ગુલાબી, જાંબલી, પીળો, લીલો, પોપટી, કથાઈ, સફેદ, કાળો અમે આટલા ભાઈઓ મળીને અલગ અલગ માણસોના ઘરે દિવાળીના તહેવારમાં રંગોળી કરવા માટે જઈએ છીએ. અમારા માટે આ દિવસો વેકેશન સમાન છે, જેમ માણસો તહેવારમાં નીકળી પડે છે ફરવા માટે એમ અમે દિવાળીના ૧૫ દિવસ અગાઉ નીકળી પડીએ છીએ. જાત જાત ને ભાત ભાતના માણસોને જાણવા મળે છે, હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અમે રંગો એકબીજામાં ભળીને એટલા અલગ રંગ નથી બદલતા જેટલા માણસો રંગ બદલે છે. અમે જેટલા રંગ ભાઈઓ છીએ એ કરતાં પણ વિશેષ તો માણસોના સ્વભાવના રંગ છે.
સૌથી શુભ મારો રંગ છે, લાલ રંગ. દરેક શુભ કામમાં મારો ઉપયોગ થાય છે. ધનતેરસમાં લક્ષ્મીપૂજનથી શરૂ કરીને લાભ પાંચમે ધંધાનું મૂરત કરવા સુધી હું માણસની સાથેને સાથે જોવા મળું છું. મારો ઉપયોગ તો દરેક કરે છે, સ્ત્રીઓ સેથી પૂરે છે, પુરુષો લલાટે ચાંદલો કરે છે. ચોખા સાથે મારો અલગ જ નાતો છે, જેમ રાધા કૃષ્ણ એક છે તેમ અમે બન્ને પણ કંકુ ચોખા સાથે જ છીએ, ચોખા વગર મારુ દરેક શુભ કામ અધૂરું છે. દરેક શુભ કામમાં છું અને ખાસ તો માણસની અંદર પણ હું જ છું, તેના રક્તનો રંગ હું છું. પેલી રમત છે ને કલર કલર તારો કેવો રે કલર તો બધાને સમજી જ જવું કે દરેક માણસનો રંગ લાલ જ છે. હું એટલો શુભ હોવા છતાં પણ આજે માણસની અંદરના અવગુણને કારણે મારા લાલ લોહીના તરસ્યા થઈ ગયા છે. દરેક દિવાળીમાં હું કોઈ ને કોઈ જગ્યાએ અણબનાવના કારણે માણસનું રક્ત રસ્તા પર ફરતા જોવ છું. શુભ તહેવારમાં આવું અશુભ જોવ છું અને એજ ક્ષણે હું શુભ લાલ રંગ અશુભ બની જાવ છું.
મારી તો હું શું વાત કરું, દરેક સ્ત્રીનો હું મનપસંદ રંગ છું. મારા વગર તેમનો શણગાર પણ અધૂરો રહે છે. ગુલાબી રંગ, ગુલાબ પરથી ઉતરી આવ્યો છે. મારા પણ અલગ અલગ રંગો છે, રાણી રંગ, આછો ગુલાબી, ઘાટો ગુલાબી વગેરે વગેરે. મને જોતાં એક અનંત આનંદની અનુભૂતિ થાય છે, એટલે જ હું ખાસ સૌંદર્ય વિશેષ છું. રંગોળીમાં મને ઉમેરતા રંગોળીની આખી ઝલક બદલાય જાય છે.
મારી સાથે બીજા રંગો પણ છે પણ એ મારી અને લાલની જેમ આટલા નિખાલસ નથી. દરેક રંગની એક વિશેષતા હોય ને! જાંબલી રંગ ખૂબ ઘાટો છે પણ જેટલો ઘાટો એટલો જ આકર્ષક છે. પોપટી રંગ પોપટની જેમ જ અમારે ખૂબ મીઠુંડો છે. પીળો રંગ સુર્ય સમાન તેજસ્વી છે. લીલો રંગ લાલની સાથે સતત સ્પર્ધા કરે છે કારણ કે જેટલો લાલ શુભ અને પવિત્ર છે એટલો જ લીલો રંગ એટલે બન્ને વચ્ચે થોડો ઇગો પ્રોબ્લેમ છે. કથાઈ અમારે સૌથી અંતરમુખી છે, ખૂબ જ ઓછો બધા સાથે હળે મળે છે. અમારા બધા વચ્ચે જ્યારે પણ જઘડો થાય ત્યારે અમને શાંત રાખે સફેદ રંગ, તેના ગુણ જેવા છે શાંત તેવા જ તેના કામ પણ છે.
અમારામાં કાળો રંગ અશુભ નથી માનવામાં આવતો પરંતુ માણસોએ કાળા રંગને એટલો ખરાબ સાબિત કરી દીધો છે કે તેને દરેક ખરાબ કામમાં પ્રથમ યાદ કરવામાં આવે છે. કાળો રંગ તો મહાકાળીનો છે, શક્તિનો છે. દરેક ઉજાળા ને જોવા માટે કાળી રાત્રીમાંથી પસાર થવું પડે છે. સફેદ ચંદ્રને જોવા માટે કાળી રાત્રીનો જ ઉપયોગ થાય છે. કાળો રંગ અશુભ નથી માણસોના વિચાર કાળા અશુભ છે. અમારો કાનુડો પણ કાળો જ હતો , તો પછી એની પૂજા કેમ કરો છો? કાળા રંગને એટલો અલગ કેમ રાખ્યો? સૌથી આકર્ષક રંગ કાળો છે, કારણ કે તેમાં કોઈ મિલાવટ નથી.
આટલું બધુ અમે, અમારી વિશે કહ્યું છતાં પણ માણસના રંગો સામે અમે જરાક ઝાંખા પડી ગયા છીએ. જેટલા રંગો અમે હળી મળીને રહેતા શિખવાડીએ છીએ એટલું જ માણસ ઊલટું શીખે છે. એક રંગ જેમ બીજામાં ભળીને નવો રંગ બનાવે છે તેમ માણસ કરે છે પણ ઊલટું. એકની ખુશીનો રંગ છે, તેમાં પોતાની ખુશી ભેળવે તો છે પરંતુ એમાંથી તે અશુભ ઈર્ષાનાં રંગને જન્મ આપે છે. એક વ્યક્તિની સફળતાના જશના રંગમાં પોતાનો ઉત્સાહનો રંગ તો ભેળવે છે પરંતુ તેમાંથી તે ઘમંડના રંગને જન્મ આપે છે. એક સુદંર સ્ત્રીના સૌંદર્યના વખાણના રંગમાં પોતાનો મોહનો રંગ તો ઉમેરે છે પરંતુ જન્મ આપે છે વાસનાના રંગ ને. આવા કેટ કેટલા વિકારી રંગો અમે જોયા અને અમને થયું કે, અમે તો આ દુનિયાને અમારા સુંદર રંગો થકી રંગવા નીકળ્યા, દિવાળી ઉજવવા નીકળ્યા પણ આ કળયુગમાં જ્યાં જ્યાં નજર કરી ત્યાં બસ એવું જ લાગ્યું કે અમારી હવે જરૂર ફક્ત ને ફક્ત રંગોળીના સુંશોભન પૂરતી છે, માણસ પાસે પોતાના જ અગણિત રંગો છે અને જેમાં સારા રંગો હોવા છતાં નજરમાં ફક્ત ખરાબ રંગો જ આવે છે.
માણસોની આ રંગીન દુનિયામાં સારા રંગો અઢળક છે, ફક્ત એ અંતરમુખી થઈ બેસી ગયા છે, તે રંગો ને બહાર લાવીએ અને માણસના જીવનની સુંદર રંગોળી બનાવીએ.