ચીનના વુહાન શહેરથી નીકળેલા જીવલેણ કોરોના વાયરસે આખી દુનિયાની દિશા અને દશા બદલી નાખી છે. કોરોનાના કારણે લોકો છેલ્લા ઘણા મહિનાઓથી ઘરમાં કેદ છે. કોરોના વાયરસની શરૂઆતમાં ઘણા બધા દેશોએ સંક્રમણને રોકવા માટે લોકડાઉન કર્યું હતું અને તેના કારણે દેશોની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે. હજુ પણ કેટલાક દેશ કોરોનાના વધતા જોખમને લઈને બીજીવારનું લોકડાઉન કરવા મજબૂર બન્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ અધનોમે કહ્યું છે કે, એક વેક્સીન પોતે કોરોના વાયરસ મહામારીને નહીં રોકી શકે. નોંધનીય છે કે આ જીવલેણ વાયરસ સામે આવ્યા બાદથી કોરોના મહામારી સતત વધતી જઈ રહી છે અને અત્યાર સુધી 5 કરોડ 40 લાખથી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, લગભગ 13 લાખ લોકોને આ વાયરસના કારણે જીવ ગુમાવવો પડ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધનોમે કહ્યું કે, એક વેક્સીન આપણી પાસે ઉપસ્થિત અન્ય ટુલ્સના પુરકની જેમ કામ કરશે. તે તેને રિપ્લેસ નહીં કરી શકે. વિશ્વ આરોગ્ય સંસ્થાના શનિવારના આંકડાઓ મુજબ, UN હેલ્થ એજન્સીને 6,60,905 કેસ રિપોર્ટ થયા છે જે પોતાની જાતમાં એક રેકોર્ડ છે. આ પહેલા શુક્રવારે 6,45,410 કેસ નોંધાયા હતા. તેણે 7 નવેમ્બરે નોંધાયેલા 6,14,013 આંકડાઓને પાછળ છોડ્યા હતા.