છોકરીઓ માટે નવું વર્ષ ક્યારે ?

મિત્રો.. વર્ષ બદલાય એટલે કેલેન્ડર બદલાય ને એની સાથે સાથે આપણા વિચારો પણ બદલાય.. ને પાછુ નવા વર્ષ પાસે થી ઘણીખરી અપેક્ષાઓ પણ હોય ને એમાંથી કેટલીક પુરી થઇ જાય એવી આશાઓ પણ હોય..

તો મિત્રો આજનો વિષય છે કે છોકરીઓ માટે નવું વર્ષ ક્યારે? ઘણા કહેશે કે આ તો વાહિયાત વિષય છે. કેમ કે નવા વર્ષને આપણે જાતિને આધારે વિભાજીત ન કરી શકીયે. પણ સાહેબ આપણે જે જીવન જીવીયે છીએ જે જિંદગી જીવીયે છીએ એ આવા અનેકો વર્ષો નું બનેલું છે ને એ પ્રત્યેક વર્ષ માં આપણે છોકરા અને છોકરીને અલગ નજરથી જોતા આવ્યા છીએ. છોકરાને બધી જ છૂટછાટ અને છોકરી પર લગામ.. છોકરો કઈ પણ કરે એ વ્યાજબી ને છોકરી કઈ પણ કરે એ ગેરવ્યાજબી..? કેમ? એ છોકરી છે એટલે?

મિત્રો આજના વિષયમાં એક પાત્ર છે જે એક છોકરી છે, જે હંમેશા એની ફેમિલીના સપોર્ટ માં ઉભી રહી છે, અરે, પરિવારની ખુશી માટે, એના ભાઈના અભ્યાસ માટે પોતાના સ્વપ્નો પણ કુરબાન કર્યા છે, પાપા ને વેપારમાં ભરપૂર મદદ પણ કરાવે છે ને એક રોજ એને હાથમાં દર્દ થતું હોવાથી એ કામ કરવા અશકત હોવાથી માતાપિતા પાસે એક દિવસની રજા માંગે છે ને કહે છે આજે હું કામ કરી શકું એવી હાલતમાં નથી. ને આ વાત પર માતાપિતાનો ઝઘડો થાય છે કારણ એ પાપાની લાડકી છે. પણ સાહેબ એક યુવા નું મગજ ક્યાં સુધી કંટ્રોલમાં રહેવાનું? બસ એનું મગજ ભ્રમણ કરવા નીકળી પડ્યું ને દરેક પરિસ્થિતિમાં એને પોતાને જવાબદાર માની.. ડ્રાઈવ કરતા કરતા એના મગજમાં વિચાર આવ્યો કે સાલું આટલુ બધું કરું છું તો પણ હુ જ કેમ જવાબદાર હું જ કેમ કારણભૂત છું દરેક પરિસ્થિતિ માટે.. આખુ વર્ષ બદલાઈ ગયું પણ મારાં માતાપિતાની માનસિકતા કેમ નઈ બદલાઈ? કેમ એ મને કેમ દિવસ નથી સમજી શકતા? આખરે મારાં માટે એવું નવું વર્ષ ક્યારે આવશે કે જે મારી જિંદગીમાં ખુશી લાવે? મને પણ મારાં ભાઈ જેટલું મહત્વ મળે.. ને બસ આટલુ વિચારતા જ એ ગુસ્સા સાથે રડી પડી..

આજના સમયમાં છોકરીઓએ છોકરાઓને ભરપૂર ટક્કર આપી છે. ઘણા ક્ષેત્રોમાં પાછળ પણ કર્યા છે તો સાહેબ એમની પર આરોપ પ્રત્યારોપ કરવાને બદલે અને એમની હદ નક્કી કરવાને બદલે એમની પડખે ઉભા રહેવાની જરૂર છે, એમને આઝાદી આપવાની જરૂર છે. એ બધુ જ કરી શકે છે જે એક છોકરો કરી શકે છે..

મા-બાપ ને મારે કહેવું છે કે આ ઉંમરમાં દરેક ટીનએજ પછી એ છોકરો હોય કે છોકરી એમને એક એવા મિત્રની જરૂર હોય છે જે એમને સાંભળી શકે સમજી શકે.. જો મા બાપ જ એમના આવા મિત્ર બની જશે તો કદાચ એ છોકરો કે છોકરી કોઈ ખોટા રસ્તે જતા અટકી જશે. એક મા બાપ તરીકે કદાચ તમે એવા મિત્ર નહી બની શકો તો એ છોકરો કે છોકરી એવા મિત્રની તલાશ માં કોઈ અજાણ્યાના સંપર્કમાં આવશે ને એની પાસે થી એ મિત્રતા એ પ્રેમ મેળવવાનો પ્રયત્ન કરશે ને બની શકે કે એ અજાણી વ્યક્તિ જે તમારા છોકરા કે છોકરી ની મિત્ર બની છે એ એમની સાથે ખરાબ વર્તન પણ કરી શકે છે આથી એક મા બાપ તરીકે આ ઉંમરમાં પોતાના સંતાનની સાથે મિત્રતા બનાવવી ખૂબ જ જરૂરી છે..

જે છોકરીઓ ને હજી પણ પોતાના હક નથી મળતા એમને બસ એટલું જ કહીશ કે પોતાના હક માટે જાતે લડો. પોતાના હક માંગો. બની શકે કે તમારે જેની સામે લડવાનું છે એ કદાચ તમારા પોતાના લોકો કે તમારી ફેમિલી જ હશે પણ તમે પોતે પણ તમારા માટે એટલા જ મહત્વપૂર્ણ છો.. તમારી ખુશીઓ પણ એટલી જ મહત્વની છે.. એક સમયે એવો વિચાર પણ આવશે કે તમે સ્વાર્થી બની રહ્યા છો પણ તમે જો સાચા છો તો પોતાની ખુશી માટે એક સ્વાર્થી પણ બની જજો.. કારણ કે તમે પોતાના હક માટે લડો છો કોઈ નું કઈ ખરાબ કરવા નહિ. થોડો સમય કાઢી દુનિયાનું છોડી ફક્ત પોતાના માટે વિચારો પોતાની ખુશી માટે વિચારો.. જો તમે પોતાની ખુશી માટે નથી વિચારી શકતા તો તમને જીવવાનો પણ અધિકાર નથી કારણ કે આપણે જિંદગીમાં કઈ પણ કરીયે એનાથી છેલ્લો આપણું પોતાનું દિલ તો ખુશ થવું જ જોઈએ. કદાચ જો તમે આવું નથી કરી શકતા તો તમે પોતાની જાત સાથે જ દગો કરી રહ્યા છો.. તમારી જિંદગીમાં જથ્થાબંધ ખુશીઓ આવે ને એ બધી જ તમને ચમકાવતી રહે એવી બહુ જ બધી શુભકામનાઓ સાથે,
હેપ્પી ન્યૂ યર…!