પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નવી દિલ્હી ખાતે આવેલા JNU પરિસરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
આ પ્રસંગે JNUના વિદ્યાર્થીઓ અને દેશના યુવાનોને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય હિતો કરતા વ્યક્તિગત વિચારધારાને વધુ પ્રાથમિકતા આપવાથી થતી હાનિ અંગે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ એક એવી બાબત છે જેણે આપણા દેશના લોકશાહી તંત્રને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “મારી વિચારધારા આવું કહે છે, તેથી રાષ્ટ્ર હિતની બાબતોમાં હું આવી રીતે જ વિચાર કરીશ, હું આવા પરિમાણો સાથે જ કામ કરીશ, તે ખોટી બાબત છે.” તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, “કોઇપણ વ્યક્તિની વિચારધારા પર ગૌરવ હોય તે સ્વાભાવિક બાબત છે, તેમ છતાં રાષ્ટ્રીય હિતોના વિષયો પર, આપણી વિચારધારા દેશની વિરુદ્ધમાં નહીં પરંતુતેના સમર્થનમાં હોવી જોઇએ.”
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં, જ્યારે પણ દેશ સમક્ષ મુશ્કેલીનો સમય ઉભો થયો છે ત્યારે, દરેક પ્રકારની વિચારધારા ધરાવતા લોકો દેશના હિતમાં એકજૂથ થયા છે. સ્વતંત્રતાના સંઘર્ષ વખતે દરેક પ્રકારની વિચારધારા ધરાવતા લોકો મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં એકજૂથ થયા હતા. તેમણે સાથે મળીને દેશ માટે લડત આપી હતી. કટોકટીના સમય વખતે પણ દેશ આવી જ એકતાનો સાક્ષી બન્યો હતો. કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાઓ અને કાર્યકરોએ પણ કટોકટી વિરોધી ચળવળમાં ઉપસ્થિત રહ્યાં હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો અને જનસંઘના લોકો હતા. સમાજવાદીઓ અને સામ્યવાદીઓ પણ એકજૂથ થયા હતા.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ એકતામાં કોઇપણ વ્યક્તિએ તેમની વિચારધારા સાથે બાંધછોડ કરવાની જરૂર નહોતી પડી. ત્યારે બસ એકમાત્ર રાષ્ટ્ર હિતનો જ ઉદ્દેશ હતો. આથી, જ્યારે પણ, દેશની એકતા, અખંડિતા અને રાષ્ટ્ર હિતનો સવાલ ઉભો થાય ત્યારે, કોઇપણ વિચારધારાના બોજ હેઠળ રહીને લેવામાં આવતા નિર્ણયો રાષ્ટ્રને નુકસાન પહોંચાડવાનું જ કામ કરશે.
પ્રધાનમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, વિચારોનું આદાનપ્રદાન અને નવતર વિચારોનો પ્રવાહ વિનાઅવરોધે ચાલતા રહેવા જોઇએ. આપણો દેશ એવી ભૂમિ છે જ્યાં વિવિધ પ્રકારના બૌદ્ધિક વિચારો સ્ફૂરણ થયું છે અને આગળ વધ્યા છે. યુવાનો આ પરંપરાને વધુ મજબૂત બનાવે તે જરૂરી છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આ પરંપરાના કારણે, ભારત સમગ્ર દુનિયામાં સૌથી ધબકતો જનસમુદાય ધરાવતો દેશ છે.
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ સમક્ષ તેમની સરકારના સુધારાના એજન્ડાનું માખળું રજૂ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણનો વિચાર 130 કરોડથી વધુ ભારતીયોની સહિયારી જનજાગૃતિ બની ગયો છે અને તે આપણી મહત્વાકાંક્ષાઓનો હિસ્સો બની ગયો છે. ભારતમાં સુધારાઓ અંગે આગળ વાત કરતા પ્રધાનમંત્રીએ JNU વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે, સારા સુધારાની કલ્પનાએ કેવી રીતે ખરાબ રાજનીતિને સારી રાજનીતિના સારા સુધારામાં પરિવર્તિત કરી દીધી તેના પર સૌ વિચાર કરે. તેમણે જણાવ્યું હતું કે, સુધારા પાછળ, દરેક પ્રકારે ભારતને વધુ સારો બનાવવાનો સંકલ્પ છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે જે પણ સુધારા થઇ રહ્યાં છે તે અંતર્ગત ઇચ્છાશક્તિ અને સંકલ્પ નિષ્ઠાપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, વર્તમાનમાં ચાલી રહેલા સુધારાઓ પૂર્વે, સલામતી જાળનું સર્જન કરવામાં આવે છે અને ભરોસો આ સલામતીનો મૂળભૂત પાયો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબોને માત્ર સૂત્રોમાં જ સિમિત રાખવામાં આવ્યા હતા અને ગરીબોને દેશની પ્રણાલી સાથે જોડવાના કોઇ જ પ્રયાસો કરવામાં આવ્યા નહોતા. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉના સમયમાં ગરીબોની સૌથી વધુ અવગણના કરવામાં આવી હતી, સૌથી વધુ અળગા રાખવામાં આવ્યા હતા અને આર્થિક રીતે સૌથી વધુ બાકાત રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું, હવે ગરીબોને તેમના પાકા મકાન, શૌચાલય, વીજળી, ગેસના જોડાણ, પીવાનું સ્વચ્છ પાણી, ડિજિટલ બેંકિંગ, પરવડે તેવી મોબાઇલ કનેક્ટિવિટી અને ઝડપી ઇન્ટરનેટ જોડાણો જેવી સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે. આ સલામતીની જાળ ગરીબોની આસપાસ ગૂંથવામાં આવી છે જે તેમની મહત્વાકાંક્ષાઓને ઉડાન આપવા માટે આવશ્યક છે. તેવી જ રીતે, સિંચાઇના બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મંડીઓના આધુનિકીકરણ, ઇ-નામ, સોઇલ હેલ્થ કાર્ડ, યુરિયાની ઉપલબ્ધતા, બહેતર લઘુતમ ટેકાના ભાવ જેવું સલામતીનું નેટવર્ક ખેડૂતોની ફરતે તૈયાર કરવામાં આવ્યું છે. સરકારે સૌથી પહેલાં તેમની જરૂરિયાતો પર કામ કર્યું છે અને હવે તેમની મહત્વાકાંક્ષાઓ પર કામ કરી રહી છે.
પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, JNUમાં સ્વામીજીની પ્રતિમાથી દરેક વ્યક્તિને પ્રેરણા મળશે, હિંમત મળશે. સ્વામી વિવેકાનંદ પણ દેશની દરેક વ્યક્તિમાં આવું જ ઇચ્છતા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રતિમા કરુણાભાવ શીખવશે જે સ્વામીજીના તત્વચિંતનનો મૂળ આધાર હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ પ્રતિમા આપણને રાષ્ટ્ર પ્રત્યે અપાર સમર્પણની ભાવના શીખવશે, આપણા દેશ પ્રત્યે ગાઢ પ્રેમની ભાવના શીખવશે જે સ્વામીજીના જીવનનો સર્વોપરી સંદેશ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ પ્રતિમા સ્વામીજીની અપેક્ષા અનુસાર યુવાનોના નેતૃત્ત્વ હેઠળ વિકાસની દૂરંદેશી સાથે રાષ્ટ્રને પ્રગતિ કરવા માટે એકતાની દૂરંદેશી માટે પ્રેરણા અપાશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ પ્રતિમા સ્વામીજીના મજબૂત અને સમૃદ્ધ ભારતના નિર્માણના સપનાંને સાકાર કરવા માટે સતત પ્રેરણા આપશે.