ધન તેરસ

ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. કારતક માસની વદ તેરસ એટલે કે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે.

ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.