આ વર્ષે અયોધ્યામાં નવો રેકોર્ડ બનશે, યોગી સરકાર કરી રહી છે ખાસ તૈયારી

અયોધ્યામાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા વર્ષ 2017થી દીપોત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2017થી શરૂ થયેલી આ ઉજવણી બાદ દર વર્ષે દિવડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 2017 પછી દિવડાઓની સંખ્યા ચાર ગણી વધી ગઈ છે. આ વર્ષે પણ અયોધ્યામાં દિવાળીની ખાસ પ્રકારે ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે દિવાળી નિમિત્તે અયોધ્યાને શણગારવામાં આવશે અને આયોધ્યાના 24 ઘાટ દિવડાની રોશનીથી ઝગમગશે.

મહત્ત્વની વાત એ છે કે, કોવિડના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર નિમિત્તે અયોધ્યામાં યોજાનારા દિપોત્સવમાં આ વર્ષે 6 લાખ કરતાં પણ વધારે દિવડાઓ પ્રગટાવવામાં આવશે. જેના કારણે અયોધ્યાનું નામ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્ષ 2017માં અયોધ્યામાં દિપોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી અને સૌપ્રથમ 1,65,000 દિવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. 2018માં અયોધ્યામાં યોજાયેલા દીપોત્સવમાં 3,00,150 દિવડાઓ પ્રજ્વલિત થયા હતા અને ત્યારે પણ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. વર્ષ 2019માં 5,51,000 દિવડાઓ પ્રજ્વલિત થયા હતા ત્યારે પણ નવો રેકોર્ડ નોંધાયો હતો અને હવે 2020માં પણ એક નવો રેકોર્ડ નોંધાવશે.