બોલિવુડના કિંગ શાહરુખ ખાન છેલ્લે ઝીરો ફિલ્મમાં રૂપેરી પડદા પર જોવા મળ્યો હતો. હવે આગામી મહિનાથી શાહરુખ તેની આગામી ફિલ્મ પઠાણનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મની ચર્ચા એટલી બધી થઈ રહી છે કે ઘણા લોકોનું માનવું છે કે આ ફિલ્મ તેના રીલિઝ થવા પહેલા જ સુપરહીટ છે. હજુ સુધી ફિલ્મના મેકર્સ દ્વારા પણ કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ફિલ્મની રોજ નવી નવી વાતો સામે આવતા શાહરુખના ફેનનો ઉત્સાહ વધી રહ્યો છે.
પઠાણમાં શોહરુખની સાથે દીપિકા પાદુકોણની પસંદગી કરવામાં આવી છે. આ પહેલા દીપિકા પાદુકોણે તેના કરિયરની શરૂઆત ઓમ શાંતિ ઓમથી કરી હતી, જેમાં હીરો તરીકે શાહરુખ ખાન જ હતો અને તેના પછી તેમણે ચેન્નાઈ એક્સપ્રેસ અને હેપ્પી ન્યુ યર જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. ઓન સ્ક્રીન દીપિકા-શાહરુખની જોડીને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી છે. એવી ખબર જાણવામાં આવી રહી છે કે પઠાણ ફિલ્મ માટે દીપિકા પાદુકોણે ઘણી મોટી રકમની ફીની માગણી કરી છે. સૂત્રોના કહેવા પ્રમાણે તે આ ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા લેશે. દીપિકા પાદુકોણ બોલિવુડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેવામાં તેની આટલી મોટી રકમની ફીની માગણી કોઈ નવી વાત લાગી રહી નથી.
