“જ્યારથી કોલેજ પૂરી થઈ છે ને ત્યારથી વિચાર આવે છે કે હવે આગળ શું? આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો હવે આગળ કઈ લાઇન લેવી? ખૂબ વિચાર્યું અને અંતે કાઇ ના સમજાયું એટલે યૂટ્યૂબ પર જઈને મોટીવેશનલ વિડિયો સર્ચ કર્યા. અહીં તો ભાઈ બંદરબાટ લાગ્યો છે, જેને જોવો એણે મોટીવેશનલ વિડિયો અપલોડ કરેલા છે. આમાં તો વધુ કન્ફ્યુશન થયું કે હવે આમાં આગળ કરવું શું? ૨.૫ gbનો ડેટા પેક હતો જ તો એક પછી એક વિડિયો શરૂ કર્યા અને મોટિવેટ થવાનું મે શરૂ કર્યું.” અભય મારો વિધાર્થી તેની સાથે જે અનુભવ થયો એ મને શેર કરી રહ્યો હતો.
મને એની આ વાત સાંભળી સાચે જ હસવું આવ્યું, હકીકતમાં આ મોટિવેશન, ઇન્સ્પીરેશન આવા ખૂબ જ અઘરા શબ્દો નો એક ખૂબ જ સારો વ્યવસાય ખીલી ઉઠ્યો છે. આજે દરેક વ્યક્તિને આવા વિડિયો જોઈને સફળ બની જવું છે, પણ સાચું કહું તો આ વિડિયો એ સોડા બૉટલ ના ગેસ સમાન છે. જયા સુધી વિડિયો શરૂ છે ત્યાં સુધી એમ જ થાય કે આપણાંમાં અદભૂત જોશ આવી ગયો છે અને આવતીકાલ સુધીમાં આપણે સફળ થઈ જવાના, વિધાર્થીઓ પરીક્ષામાં ૯૦% લઈ આવાના, હિંમત હારી ગયેલો વ્યક્તિ નવો ધંધો શરૂ કરી દેવાનો.
મારુ કહેવું એવું નથી કે વિડિયો જે બનાવે છે અને તેમની સ્પીચમાં જે વાતો કહે છે તે ખોટી છે, મૂળ વાત જ એ છે કે જે વ્યક્તિ મોટિવેટ થવા આવ્યો છે તે કોઈક બીજા વ્યક્તિનું ઉદાહરણ સાંભળીને, પોતાની જાતને એ સમજવા લાગે છે, એક પ્રકારનુ તેનું જે સાચું વ્યક્તિત્વ છે તે ભૂલી જાય છે અને એક અલગ જ વ્યક્તિત્ત્વ તરફ આંધળી દોટ લગાવે છે. સ્પીચ આપવા વાળા વ્યક્તિથી પ્રભાવિત થઈને તેને ઘણા વ્યક્તિ ભગવાન માની લે છે. સાચી સમજ ત્યારે આવે છે જ્યારે જે ખોટી દિશા તરફ એ વળ્યો હતો તેમાં તે ઊંધે માથે પછડાય છે. ઉત્તેજિક શબ્દોનો ઉપયોગ, આકર્ષક વ્યક્તિત્વ અને બોલવાની એક અલગ જ શૈલીને કારણે આજના યુવાનો ખાસ કરીને વિધાર્થીઓ આ પ્રકારના જે સ્પીકર છે તેની તરફ આકર્ષાઈને ગેરમાર્ગે દોડી જાય છે.
મોટિવેશન જે મળી રહ્યું છે આજકાલ એ ક્ષણિક છે, તેનાથી સફ્ળતા નજીક આવાની જગ્યા એ વધુ દૂર થતી જાય છે. દરેક ક્ષેત્રમાં કોઈ ને કોઈ આવું મોટિવેશન વેચી રહ્યું છે અને લોકો અંધ ભક્ત બનીને તે સ્વીકારી રહ્યા છે. અધૂરામાં પહેલા યૂટ્યૂબ એક હતું હવે તો અલગ અલગ નાના મોટા કેટ કેટલા આવા પ્લેટફોર્મ આવી ગયા છે જે મોટિવેશનના નામે ધતિંગ ચલાવે છે. જેમ અમુક પાખંડી ધર્મગુરઓ સારું સારું ભાષણ આપી ભોળવે છે બસ એજ ક્ષેત્ર અહીં છે.
સાચું મોટિવેશન છે શું તો? આપણાં ઘરમાં રહેતા વડીલો? આપણાં શિક્ષકો? આપણાં કોઈ રોલ મોડેલ? ના, આ બધા ફક્ત એક માર્ગદર્શક છે, જેમ આપણને ભણતી વખતે કોઈ દાખલો ના આવડે અને આપણે ડાઇજૈસ્ટ માંથી એની રીત જોઈએ બસ તેમ જ આ લોકો છે જે ફક્ત તમને તેના જીવનના પ્રસંગમાંથી કાઈક માર્ગદર્શન આપશે. લોકો અલગ અલગ વ્યક્તિઓના ઉદાહરણ આપશે, મારા વ્હાલા એને મોટિવેશન ના સમજો તમારી એજ સૌથી મોટી ભૂલ છે.
સાચું મોટિવેશન તો આપણે ખુદ જ છીએ. થોડું વિગતે સમજાવું, આખા દિવસમાં આપણે અલગ અલગ લોકો સાથે સમય વિતાવીએ, વાતો કરીએ, કોઈ ને કોઈ વાત પર હસીએ, નારઝ થઈએ, રડીએ, ઝઘડીએ વગેરે વગેરે. આટલું બધુ કર્યા પછી સૌથી જે કીમતી છે તે આપણે નથી કરતાં, ખુદ સાથે સમય વિતાવવો. આ જ તો સૌથી મોટી સમસ્યા છે, તમે ખુદ જ તમારું મોટિવેશન છો. જે પણ જગ્યા એ અટકો છો તો શું કોઈ દિવસ ખુદને સવાલ કરો છો? જવાબ આપણી અંદર જ છે. કૃષ્ણ ગીતામાં કહી કહીને થકી ગયા, દરેક સમસ્યાનું સમાધાન તમારી અંદર જ છે પરંતુ નહીં આપણે તો બીજાના ઉદાહરણ જોવા છે, ફલાણા ભાઈ કઈ રીતે સફળ થયા, ઢીકણા ભાઈને આટલો સંઘર્ષ થયો. ખૂબ જ સામાન્ય વાત છે પરંતુ આપણે એને ખૂબ જ જટિલ બનાવી દીધી છે.
તમે xyz વ્યક્તિ બનવાની જગ્યાએ એવું કેમ નથી વિચારતા કે હું ખુદ મારા કામમાં અવ્વલ બનું. ઘણા ઉદાહરણ છે મારી પાસે આ સાબિતી આપવા, જો એ આપીશ તો તમે એજ ગેરમાર્ગે મોટિવેટ થશો. દરરોજ અરીસા સામે ઊભા રહી સામે જે વ્યક્તિ છે એને થોડો સમય આપો, ખુદ ને થોડો પ્રેમ અને સમ્માન આપો. ભલે ને ગામ આપણને પાગલ કહી દે કે જો એકલો એકલો ખુદ સાથે વાતો કરે છે, કાચ સામે ઊભો ઊભો ગાંડા કાઢે છે પરંતુ એ બધા એ નથી જાણતા કે તમે દુનિયાની સૌથી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ સાથે સમય વિતાવો છો. ક્યારેક એકલાં જ ચા પીવા જાવ, એકલાં જ ફિલ્મ જોયાવો, કપડાંની ખરીદી કરી આવો, એકલાં પાર્કમાં આટો મારી આવો. સૌથી સાચી સલાહ અને પ્રેરણા તમે જ તમને ખુદ આપી શકશો. આપણે એવો સમય લાવી ચૂક્યા છે કે, આપણે આપણને ખુદને મળવા માટે એપ્પોઇંટમેંટ લેવી પડે છે.
એક શિક્ષક તરીકે દરેકને બસ એટલું જ કહેવું છે કે, દિવસમાં ફક્ત એક વખત ખુદ ને મળી લો, તમને તમારામાં જ ખુદા મળી જશે.