ફ્રાન્સમાં પસાર કરાશે એક વિશેષ કાયદો, મુસ્લિમ દેશો સાથે સંઘર્ષ વધવાના એંધાણ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોને 2 ઓક્ટોબરે આપવામાં આવેલા પોતાના ભાષણમાં ઇસ્લામિક અલગતાવાદ પર સખત પગલા લેવાની જાહેરાત કરી હતી. મેક્રોને પોતાની યોજના હેઠળ મસ્જિદોની ફંડિંગ અને અન્ય ધાર્મિક સંગઠનો પર સખત નિરીક્ષણ કરવા જેવા પગલા ઉઠાવવાની વાત કહી હતી. મેક્રોનની આ યોજનાને આગળ વધારતા હવે ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડેરમેનને રવિવારે એક નવા બિલની જાણકારી આપી હતી. આ સાથે જ તેમણે ઇસ્લામ સામે યુદ્ધ શરૂ કર્યુ છે.

ફ્રેન્ચ ગૃહ પ્રધાને એક અખબાર લા વોઈક્સ નોર્ડનને આપેલા ઇન્ટરવ્યુમાં ‘અલગતાવાદ’ બંધ કરવા માટે એક નવા બિલનો ઉલ્લેખ કર્યો છે. ડેરમેનને જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ વિજાતીય વ્યક્તિના ડોક્ટર પાસેથી સારવાર લેવાનો ઇનકાર કરે છે, તો તેને પાંચ વર્ષની જેલની સજા થઇ શકે છે અને 75,000 યુરો દંડ ભરવાની જોગવાઇ કરવામાં આવશે. ડેરમેનને કહ્યું હતું કે, આ નિયમો જે કોઈ પણ સરકારી અધિકારીઓને દબાણ કરે છે તેના પર લાગુ થશે. તેવી જ રીતે, જો કોઈ સ્ત્રી શિક્ષક પાસેથી શિક્ષણ લેવાનું નકારશે, તો તેને પણ શિક્ષા કરવામાં આવશે.

જોકે, હજી સુધી આ બિલ અંગેની ચોક્કસ માહિતી બહાર આવી નથી, પરંતુ તેનો વિરોધ સોશિયલ મીડિયા પર પહેલેથી જ શરૂ થયો છે. યુનિવર્સિટી કોલેજ લંડનમાં ફ્રેન્ચ અને યુરોપિયન પોલિટિક્સના પ્રોફેસર ફિલિપ માર્લીઅરે જણાવ્યું હતું કે મેક્રોનનું ફ્રાન્સ ઝડપથી તાનાશાહી શાસનમાં ફેરવાઈ રહ્યું છે. પત્રકાર શિહમે અસબેગે વિજાતીય જાતિના તબીબ પાસેથી સારવાર માટે ભારે દંડ અને જેલની સજા માટે કડક કાર્યવાહી પર નિશાન તાક્યું છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું છે કે આવનારા સમયમાં લોકો ફક્ત એટલા માટે જેલમાં રહેશે કારણ કે તેઓએ કોઈ સ્ત્રી કે પુરુષ ડોક્ટર પાસે સારવાર લેવાની ના પાડી હશે.