લોકડાઉનમાં અનેક પરપ્રાંતિય શ્રમિક-પરિવારના સારથી બનેલા સોનૂ સુદે લોકોને ઘરે પહોંચાડવા સિવાય પણ અનેક જરૂરીયાત વાળા વ્યક્તિઓને મદદ કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ આ પ્રવૃતિમાં પોતાની ટીમ સાથે એક્ટિવ છે. લોકડાઉનના સમયમાં વતન પહોંચાડનારો સોનૂં હવે કેટલાક આર્થિક રીતે નબળા પરિવારોને અંગત રીતે મદદ કરી રહ્યો છે.
તાજેતરમાં જ એક વ્યક્તિએ સોનૂ પાસે મદદ માગી હતી. સંતોષ ચૌહાણ નામના એક વ્યક્તિએ સોનૂને ટ્વીટ કરીને કહ્યું કે, ઉત્તર પ્રદેશના મીર્ઝાપુર અને સોનભદ્ર જિલ્લામાં એવી હજારો વિદ્યાર્થિનીઓ છે જે ધો.5 પછી અભ્યાસ છોડી દે છે. આ એમની મજબૂરી છે. સંતોષે લખ્યું કે, સોનૂ સુદજી, ગામમાં કુલ 35 વિદ્યાર્થિનીઓ છે જેને શાળાએ અભ્યાસ કરવા જવા માટે 8થી 15 કિમીનો રસ્તો જંગલમાંથી પસાર કરવો પડે છે. આ વિદ્યાર્થિનીઓમાંથી કેટલીક છોકરીઓ પાસે પોતાની સાયકલ છે. ભયના કારણે એના પરિવારજનો દીકરીને આગળ ભણાવી શકતા નથી. તમે આ વિદ્યાર્થિનીઓને સાયકલ આપી શકો તો એનું ભવિષ્ય સુધરી જશે. સંતોષની આ માગ પર સોનૂનું ધ્યાન ગયું. સોનૂએ ખાતરી આપી કે, તે દરેક દીકરીઓને સાયકલ આપશે.
સોનૂએ સામે ટ્વીટ કરીને લખ્યું કે, ગામની દરેક છોકરી પાસે એક સાયકલ હશે. દરેક છોકરી અભ્યાસ કરશે. શાળાએ જશે. પરિવારજનોને કહી દેજો કે, સાયકલ પહોંચી રહી છે. બસ એક ચા તૈયાર રાખે. આ રીતે સોનૂ સામાન્ય પરિવારજનોની મદદ કરી રહ્યો છે. હજારોની સંખ્યામાં દરરોજ મેસેજ આવી રહ્યા છે. જેના પર એની ટીમ કામ કરી રહી છે.
