જૂહિત રાહ જુએ છે, તેનું જીવન બચાવે એવા બ્લડ સ્ટેમ સેલ દાતાની…

ગુજરાતનાં એક પાંચ વર્ષનાં બાળકનું જીવન બચાવવા માટે ડીએમકે-બીએમએસટી દ્વારા બ્લડ સ્ટેમ સેલ દાતાનાં રજિસ્ટ્રેશન માટે ઝુંબેશ શરૂ કરાઇ છે

વડોદરામાં રહેતો 5 વર્ષનો જૂહિત, ફક્ત 9 મહિનાનો હતો ત્યારે જ તેને પ્યૉર રેડ સેલ એપ્લેશિઆ નામનો રોગ હોવાનું નિદાન થયું હતું. પ્યૉર રેડ સેલ એપ્લેશિઆ એક એવો રોગ છે જેમાં બોન મેરો, લોહીમાં રક્તકણો બનાવવામાં નિષ્ફળ જાય છે. આ રોગની સામે લડવા માટે જૂહિતને દર મહિને લોહી બદલાવવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આમ છતાં, જો તેને કોઇ અનુરૂપ (મૅચિંગ) બ્લડ સ્ટેમ સેલ દાતા મળી જાય તો તેની આ પરિસ્થિતિનો ઉપચાર થઇ શકે તેમ છે. 

ડીકેએમએસ બીએમએસટી ફાઉન્ડેશન ઇન્ડિયા, નહીં નફાનાં ધોરણે કામ કરતી એક સંસ્થા (નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન) છે. બ્લડ કૅન્સર અને તેની સાથે સંબંધિત વિકારોને લડત આપવી એ તેનું કાર્યક્ષેત્ર છે. આ સંસ્થાએ જૂહિત માટે, તેને અનુરૂપ ( મૅચિંગ) કોઇ દાતા મળે તેની શોધ આદરી છે. સમગ્ર ભારતનાં લોકો સુધી આ વાત પહોંચાડવા માટે ડીએમકે-બીએમએસટી દ્વારા એક ડિજિટલ ઝુંબેશ શરૂ કરાઇ છે, જેમાં સંભવિત જીવનરક્ષક દાતા પોતાનું નામ નોંધાવી શકે અને જૂહિત જેવાં જીવનોને ફરીથી લીલાંછમ કરી શકે. નામ નોંધાવવાની લિંક છેઃ www.dkms-bmst.org/Juhit

બોન મેરો સ્પેશ્યાલિસ્ટ અને અંધેરી-મુંબઇ સ્થિત કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં હીમેટો ઑન્કોલૉજિસ્ટ તરીકે કાર્યરત ડૉ.સાન્તનુ સેન કહે છેઃ “ભારતમાં દર 5 મિનિટે એક વ્યક્તિને એક પ્રકારનાં બ્લડ કેન્સર અથવા લોહી સંબંધિત અન્ય કોઇ વિકાર હોવાનું નિદાન થાય છે. થેલેસેમિયા, સિકલ સેલ અને એપ્લાસ્ટિક એનિમિઆ જેવી અનેક પ્રકારની રક્ત વિકૃતિઓનો એકમાત્ર ઉપચાર વિકલ્પ, સ્ટેમ સેલનું પ્રત્યારોપણ કરવાનો છે. જેમનો કેન્સર રોગ આગળ વધી ગયો હોય તેવા અનેક દરદીઓનું જીવન બચાવવાની પણ આ એકમાત્ર આશા છે. ભારતીય મૂળના દરદીઓ અને દાતાઓમાં એક વિશેષ પ્રકારની લાક્ષણિકતા- એચએલએ (હ્યુમન લ્યૂકોસાઇટ એન્ટિજેન) જોવા મળે છે, જે સમગ્ર દુનિયાના ડેટાબેસમાં ખૂબ જ ઓછાં પ્રમાણમાં છે. આથી જ, મળતો આવતો દાતા શોધવાનું કામ વધારે મુશ્કેલીભર્યું બને છે. પરિણામે જરૂરી બની જાય છે કે વધુ ને વધુ સંખ્યામાં ભારતીયો આગળ આવે અને પોતાની નોંધણી, એક સંભવિત બ્લડ સ્ટેમ સેલ દાતા તરીકે કરાવે તેમ જ જીવન બચાવવામાં મદદરૂપ બને.”

ડીકેએમએસ-બીએમએસટીના સીઇઓ પેટ્રિક પૉલ કહે છે, “અમે જીવનોને બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને વર્તમાનમાં મહામારીની સ્થિતિને કારણે અમારા પ્રયત્નોને અમે જરા પણ ધીમા પડવા નહીં દઇએ. જૂહિત જેવા દરદીઓને મૅચિંગ દાતા મળી જાય તેની તાતી જરૂર છે. આથી જ, આ ડિજિટલ ઝુંબેશ દ્વારા અમે 18થી 50 વર્ષની વયની દરેકેદરેક વ્યક્તિને અપીલ કરીએ છીએ કે તેઓ આગળ આવે અને એક સંભવિત દાતા તરીકે પોતાનું નામ નોંધાવે.”

જૂહિત એક ગુજરાતી છે અને તેને કારણે તેનો મૅચિંગ કોઇ મળી જવાની શક્યતા ઓછી છે, કેમ કે ડોનર રજિસ્ટ્રીમાં આ સમુદાયના લોકોની સંખ્યા ઘણી પાતળી છે. આથી જ, ડીકેએમએસ-બીએમએસટીની સાથે મળીને જૂહિતનો પરિવાર પણ બધાંને અને ખાસ કરીને ગુજરાતનાં લોકોને તાત્કાલિકપણે અપીલ કરે છે કે તેઓ સંભવિત દાતા તરીકે નામ નોંધાવે. જૂહિતનાં માતા પાયલ કહે છે, “હું મીટ માંડીને બેઠી છું કે કોઇ તારણહાર આવે, 5 વર્ષના મારા દીકરાનું જીવન બચાવીને તેને ફરીથી સામાન્યપણે હસતોરમતો કરી દે. એક માતાપિતા તરીકે અમે બસ, એટલું જ ઇચ્છીએ છીએ કે અમારું બાળક પોતાનાં સપનાંઓ પૂરાં કરી શકે, પોતાનાં બાળપણને માણી શકે, પરિવારજનો અને મિત્રો સાથે આનંદમંગળ કરે. તેથી વધુ કંઇ નહીં. મને ભરોસો છે કે તમારી મદદથી અમે આ જંગ જરૂર જીતશું”. 

નોંધણી પ્રક્રિયા આ મુજબની છેઃ

રસ ધરાવતા અને યોગ્યતાના માપદંડ પર ખરા ઉતરતા હોય તેવા લોકો www.dkms-bmst.org/Juhit પર નામ નોંધાવી શકે છે. નામ નોંધાવનારની યોગ્યતાની તપાસ કર્યા પછી અને તમે ઑનલાઇન ફૉર્મ ભરો તે પછી તમને ઘરે જ એક સ્વૉબ કિટ મોકલવામાં આવશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં 2 પગલાં છેઃ અનુમતિપત્ર (કન્સેન્ટ ફૉર્મ) ભરવું અને આ પ્રકારનાં વિશ્લેષણ માટે 3 વિશેષ કૉટન સ્વૉબની મદદથી ગાલની અંદરથી ટિશ્યૂઓનું સેમ્પલ લેવું.

ત્યારબાદ ડીકેએમએસની લેબોરેટરીમાં તમારા ટિશ્યૂના પ્રકાર કેવા છે તેનું વિશ્લેષણ કરવામાં આવશે અને બ્લડ સ્ટેમ સેલ દાતાઓની વૈશ્વિક શોધમાં તમારો ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો તમે એક યોગ્ય દાતા તરીકે આગળ આવો તો ડીકેએમએસ-બીએમએસટી સીધો જ તમારો સંપર્ક કરશે. જો તમે એક મૅચ તરીકે આગળ આવો તો પેરિફેરલ બ્લડ સ્ટેમ સેલ કલેક્શન તરીકે ઓળખાતી એક પદ્ધતિનો ઉપયોગ કરીને તે દ્વારા રક્તપ્રવાહમાંથી બ્લડ સ્ટેમ સેલ મેળવવામાં આવશે. આ પદ્ધતિ, રક્તદાનને મળતી આવે છે જેમાં તમારા ફક્ત સ્ટેમ સેલ લેવામાં આવે છે. આ બહુ જ સલામત, કોઇ સર્જરીની જરૂર વિનાની આઉટપેશન્ટ પ્રક્રિયા છે.