સિનેમા હોલને 50 ટકા બેઠક ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે ફિલ્મ પ્રદર્શન માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ (એસઓપી) જાહેર કરી હતી. ફિલ્મોના પ્રદર્શન માટે નિવારણાત્મક પગલાં પર એસઓપી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે ચર્ચા કરીને તૈયાર કરવામાં આવી છે.

મંત્રીએ એસઓપી જાહેર કરતાં જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયના નિર્ણય મુજબ, સિનેમા હોલ 15 ઓક્ટોબર, 2020થી ખુલશે અને આ માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ એસઓપી તૈયાર કરી છે.

આ એસઓપીના માર્ગદર્શિક સિદ્ધાંતોમાં સામાન્ય નિયમો સામેલ છે, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આપ્યાં છે, જેમાં ફિલ્મોના પ્રદર્શન માટે તમામ વિઝિટર્સ/સ્ટાફનું થર્મલ સ્ક્રીનિંગ, પર્યાપ્ત ફિઝિકલ ડિસ્ટન્સિંગ, ફેસ કવર્સ/માસ્કનો ઉપયોગ, વારંવાર હાથ ધોવા, હેન્ડ સેનિટાઇઝર્સ વગેરેની જોગવાઈ તથા સલામતી સાથે શ્વાસોશ્વાસની વ્યવસ્થા જાળવવા માટેની રીત. મંત્રાલયે આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય પ્રણાલીનો વિચાર કરીને આ સામાન્ય એસઓપી તૈયાર કરી છે, જેમાં ફિઝિકલ ડિસ્ટન્સિંગ, ખાસ ક્યુ માર્કર્સ સાથે પ્રવેશવાનો અને બહાર નીકળવાનો માર્ગ, સ્ટાફની સલામતી, ઓછામાં ઓછો સંપર્ક સામેલ છે. બેઠ વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી જોઈએ કે, સિનેમા હોલની કુલ બેઠક ક્ષમતાની 50 ટકા ભરાય. મલ્ટિપ્લેક્સમાં બે શોની વચ્ચે થોડું અંતર રાખવામાં આવશે, જેથી બે શો વચ્ચે લોકો મોટી સંખ્યામાં એકત્ર ન થાય. તાપમાનનું સેટિંગ 24 ડિગ્રી સે.થી 30 ડિગ્રી સે. વચ્ચે રાખવામાં આવશે.

આ માર્ગદર્શક સિદ્ધાંતો અને એસઓપીનો ઉપયોગ તમામ રાજ્યો અને અન્ય હિતધારકો તથા રાજ્ય સરકારો કરી શકે છે અને ફિલ્મોનું પ્રદર્શન શરૂ કરી શકે છે.

ફિલ્મોનું પ્રદર્શન મોટી આર્થિક પ્રવૃત્તિ છે, જે આપણા દેશની જીડીપીમાં મોટું પ્રદાન કરે છે. કોવિડ-19 રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફિલ્મોના પ્રદર્શન સાથે સંકળાયેલા વિવિધ હિતધારકો રોગચાળાના પ્રસારને નિયંત્રિત કરવા અનુકૂળ પગલાં લે એ જરૂરી છે, ત્યારે સાથે-સાથે તેમની કામગીરી અને પ્રવૃત્તિઓને ફરી શરૂ થાય એ પણ મહત્ત્વપૂર્ણ છે.

ગૃહ મંત્રાલયે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ એક આદેશ બહાર પાડીને 50 ટકા બેઠક ક્ષમતા સાથે સિનેમા/થિયટરો/મલ્ટિપ્લેક્સ ફરી ખોલવાની મંજૂરી આપી હતી, જે 15 ઓક્ટોબર, 2020થી કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર લાગુ કરી શકાશે.