પ્રધાનમંત્રી 5 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગે ‘સામાજિક સશક્તિકરણ માટે જવાબદારીપૂર્ણ AI 2020’ સંમેલનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર એક મેગા વર્ચ્યુઅલ સંમેલન RAISE 2020 – ‘સામાજિક સશક્તિકરણ માટે જવાબદારીપૂર્ણ AI 2020’ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

ઇલેક્ટ્રોનિકસ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) અને નીતી આયોગના સંયુક્ત ઉપક્રમે 5-9 ઓક્ટોબર 2020 દરમિયાન AI પર મેગા વર્ચ્યુઅલ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વૈશ્વિક બૌદ્ધિકો દ્વારા નવતર વિચારોના આદાનપ્રદાન અને આરોગ્ય સંભાળ, કૃષિ, શિક્ષણ તેમજ સ્માર્ટ મોબાલિટી સહિત અન્ય ક્ષેત્રોમાં સામાજિક પરિવર્તન, સમાવેશિતા અને સશક્તિકરણ માટે AIનો ઉપયોગ કરવા સંબંધિત ભાવિ આયોજનનું આલેખન કરવા માટે RAISE 2020 સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

RAISE 2020માં સમગ્ર દુનિયામાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે સંશોધન, નીતિ અને નવાચારના પ્રતિનિધિમંડળો અને નિષ્ણાતો જોડાશે. આ સંમેલનમાં એકબીજા ક્ષેત્રોના વિષયો પર ચર્ચા કરવામાં આવશે જેમાં ‘મહામારી સામે પૂર્વ તૈયારીઓ માટે AIનો ઉપયોગ’, ‘ડિજિટાઇઝેશન પર નવાચાર દ્વારા લાવવામાં આવતો વેગ’, ‘સર્વ સમાવેશી AI’, ‘સફળ નવાચાર માટે ભાગીદારી’ વગેરે વિષયોને આવરી લેવામાં આવશે.

RAISE 2020 સંમેલનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત ક્ષેત્રોમાં કામ કરી રહેલા કેટલાક સૌથી ઉત્સાહપૂર્ણ સ્ટાર્ટઅપ પણ રજૂ કરવામાં આવશે. AI સોલ્યૂશન ચેલેન્જ દ્વારા પસંદ કરવામાં આવેલા સ્ટાર્ટઅપ 6 ઓક્ટોબર 2020ના રોજ યોજનારા AI સ્ટાર્ટઅપ પીચ ફેસ્ટમાં તેમના અલગ-અલગ ઉકેલો રજૂ કરશે. ટેકનોલોજી ક્ષેત્રના ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપને મંચ, સ્વીકૃતિ અને માર્ગદર્શન પૂરા પાડીને તેમને સતત સહકાર આપવાના ભારત સરકારના અવિરત પ્રયાસોના ભાગરૂપે આનું આયોજન કરવામાં આવશે.

વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, IIT જેવી ઉચ્ચતમ વિજ્ઞાન અને ટેકનોલોજી સંસ્થાઓ, મજબૂત અને સર્વવ્યાપક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દર વર્ષે તૈયાર થતા નવા લાખો STEM સ્નાતકોનું ઘર ગણાતું ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસમાં વૈશ્વિક અગ્રણી બનવા માટે ખૂબ જ સારી સ્થિતિમાં છે. ઔદ્યોગિક વિશ્લેષણોમાં એવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે કે AIના કારણે 2035 સુધીમાં ભારતના અર્થતંત્રમાં $957 અબજ સુધીની વધારાની રકમ ઉમેરાય તેવી સંભાવના છે.

સૌનો સાથ, સૌનો વિકાસની ભાવના સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશની ‘સૌના માટે AI’ વ્યૂહનીતિ રજૂ કરીને સહિયારા વિકાસ માટે AIનો લાભ ઉઠાવવાની યોજના ધરાવે છે. પ્રધાનમંત્રીની દૂરંદેશી દ્વારા માર્ગદર્શન મેળવીને, ભારત ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય સમુદાયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં અગ્રેસર રહેવાની સાથે સાથે સામાજિક સશક્તિકરણ માટે કેવી રીતે જવાબદારીપૂર્વક AIને નિર્દેશિત કરી શકાય તેના એક મોડેલ તરીકે પણ ઉભરી આવશે.

RAISE 2020 (http://raise2020.indiaai.gov.in/) દ્વારા AIના નૈતિકતાપૂર્ણ વિકાસ અને આચરણની જરૂરિયાત વિશે વિશાળ જનસમુદાયમાં જાગૃતિ ફેલાવવા માટે વિચારોનું આદાનપ્રદાન કરવાની સુવિધા મળી રહેશે.