પ્રેમના લિસોટા

રહીમને આશીમાંને જોતાં જ એની સાથે પ્રેમ થઈ ગયો હતો, રહીમ જે ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતો હતો અને આશીમાં ત્યાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. રહીમે ઘણી વાર આશીમાં ને પોતાના મનની વાત કરવાની કોશિશ કરી પણ આશીમાં તેને ગણકારતી નહીં. એવું ન હતું કે આશીમાં ને રહીમ પસંદ નથી પણ તેને એક 6 વર્ષ નો દીકરો છે ફેજલ અને તે તેના માટે આ પૂરી કાયનાત છે. ફેજલ જ્યારે 3 વર્ષનો હતો ત્યારે તેના પિતા એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.

રહીમ આ વાતથી અજાણ હતો, એને જ્યારે ખબર પડી ત્યારે એને આશીમાંને બોલાવી અને પોતાના પ્રેમનો એકરાર કર્યો. આશીમાં ખોટો ગુસ્સો દેખાડી કહે છે, “સર, પ્લીઝ હવે તમે મને આ રીતે ના બોલાવશો, સમાજમાં મારી થોડી ઘણી જે ઇજ્જત છે એ પણ નહીં રહે, ઓફિસ સ્ટાફ પણ મારા વિશે જાત જાતની વાતો કરે છે. રહીમે તેને ખુરસી પર બેસાડી અને કહ્યું, “જો આશીમાં મને ખબર છે તને શું પ્રોબ્લેમ છે, તને સમાજ નહીં, તને ફક્ત ફેજલની ચિંતા છે કે જો તું મને અપનાવીશ તો ફેજલનું કોણ? આજે હું તને વાયદો આપું છું કે ફેજલને હું તેના પિતા કરતાં પણ વધુ પ્રેમ આપીશ અને લાડ લડાવીશ. આજથી મારા માટે ફેજલ અને તું જ મારી દુનિયા છો. બોલ હવે તું મને સ્વીકારીશ?” આશીમાંને તો જાણે ખુદા મળી ગયા. તેની આંખોમાંથી ખુશીના આંસુ દડદડ વહેવા લાગ્યા અને તેણે રહીમને જીવનસાથી તરીકે કબૂલ કર્યો.

આશીમાંના જીવનમાં આવતા જ રહીમની તરક્કી થઈ તેને મેનેજરમાંથી કંપનીના સી. ઈ. ઑ. ની પોસ્ટ માટે પસંદ કરવામાં આવ્યો. રહીમ આ ખુશી તેના બધા ઓફિસ મિત્રો અને પરિવારના સભ્યઓને એકસાથે આપવાનું નક્કી કરે છે અને સાથે સાથે આશીમાં સાથે તે નિકાહ પઢશે તે ખુશ ખબર પણ આપવાનું નક્કી કરે છે.

રહીમ અને આશીમાં બન્ને રહીમના સુંદર બંગલોમાં બધી સજાવટ માં વ્યસ્ત છે અને ફેજલ જેને એકલાં રમવાની આદત છે તે બહાર બગીચા પાસે એકલો એકલો રમે છે. આશીમાં બહાર શણગારમાં અને ભોજનની તૈયારીઓમાં વ્યસ્ત થઈ અને રહીમ બાર આવીને જોવે છે કે ફેજલ તેની 50 લાખની બી. એમ.ડબલ્યુ કાર પર કઈક લીસોટા કરી રહ્યો છે. રહીમ અચાનક તેની નજીક આવી કશું જાણ્યા વગર એક તમતમતો તમાચો કુમળા છ વર્ષના ફેજલના ગાલ પર જડી દે છે. ફેજલ આ રાક્ષસ જેવા હાથ સહન ના કરી શક્યો અને તેના કાનમાંથી લોહીની ધાર વહેવા લાગી અને તે ત્યાં જ પડી ગયો.

     આટલા જોરદાર અવાજથી આશીમાં દોડીને બહાર આવે છે અને તેના વ્હાલસોયા દીકરા ને જોઈ તેને ખોળામાં લઈ રડતાં રડતાં રહીમને ગુસ્સામાં કહે છે, “તમે રાક્ષસ છો કે શું, બિચારા છોકરા ને મારી નાખશો, આમ જોવો એની હાલત.” રહીમ નિર્દય થઈ કહે છે, “તારો આ છોકરો મારી 50 લાખની ગાડી પર લીસોટા કરે છે તો શું કરવા દવ હું?” “અરે તમારી આ ગાડી તો ગેરેજ માં રીપેર થઈ જાત, નવી પણ આવી જાત પણ મારો છોકરો બેહરો થઈ ગયો આટલી નાની ઉમરમાં તો હું શું કરીશ? તમે માણસ નહીં જાનવર છો, મે તમને નિકાહ માટે હા પડી એ મારી સૌથી મોટી ભૂલ છે, જેને મારા દીકરા કરતાં 50 લાખની ગાડી વ્હાલી છે એવા વ્યક્તિની સાથે હું એક ક્ષણ પણ ના વિતાવું.” આશીમાં રણચંડી બની રહીમને ખખડાવે છે.

        રહીમ પણ ગુસ્સાનો પારો ગુમાવી કહી દે છે, “જા અહી થી, નીકળ મારે પણ કાઇ સેકંડ હેન્ડ પત્નીની જરૂર નથી. તારા કરતાં સો ગણી સારી છોકરીઓ છે મારી પાસે.” આશીમાં આ શબ્દો સાંભળી હતપ્રત થઈ ગઈ અને તેના આત્મસન્માનને ખૂબ ઠેસ પહોંચી. તે રડતાં રડતાં રહીમને કહે છે, “શ્રીમાન સી. ઈ.ઑ તૈયાર રહો મારા વકીલ અને પોલીસ ને જવાબ આપવા.” અને ત્યાંથી ફેજલને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક દવાખાને દાખલ કરે છે.

આશીમાંને જતાં જોઈ, રહીમને અનુભવ થાય છે કે ગુસ્સામાં તે ના બોલવાનું બોલી ગયો અને તે તેના બગીચાની બેન્ચ પર માથું પકડી ફૂટી ફૂટીને રડતાં રડતાં વિચાર કરે છે, “શું થઈ ગયું આ? હમણા એક કલાકમાં મેહમાનો આવશે એને હું શું જવાબ આપીશ?” એટલામાં પોલીસની સાઇરેન તેને સંભળાઈ છે અને તે છુપાવાનો પ્રયાસ કરતાં કરતાં તેની નજર કાર પર પડે છે અને તે જોતાં તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. કારમાં ફેજલએ મીણિયાં કલરથી તેના આ પિતા માટે લખ્યું હતું, “કોંગ્રેચ્યુલેશન અબ્બુ, હું તમારા માટે અને અમ્મી માટે ખૂબ ખુશ છું અને બાજુમાં મીણબત્તી સાથે કેક દોર્યું હતું.” આ હતા ફેજલના 50 લાખની કાર પર લીસોટા. રહીમ તો જાણે ભાન ખોઈ બેઠો અને તેની આ અક્ષમ્ય ભૂલ જોઈ ચોધાર આંસુએ રડવા લાગ્યો.

     પોલીસ આવી રહીમને પકડીને લઈ ગઈ. રહીમ જેલની દીવાલો પર આશીમાં અને ફેજલ લખી લખીને ગાંડો થઈ ગયો છે.    

 સુનિલ ગોહિલ