પ્રધાનમંત્રીએ વાર્તા કથનના મહત્વને ફરી યાદ અપાવ્યું

મન કી બાતના તાજેતરના સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાર્તા કથનના ચર્ચા કરી અને તેના મહત્વ વિશે ફરી યાદ અપાવી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વાર્તાનો ઇતિહાસ માનવ સંસ્કૃતિ જેટલો જ જૂનો છે અને તેમણે જણાવ્યું હતું કે, ‘જ્યાં આત્મા છે ત્યાં કથા છે’. તેમણે પરિવારના વડીલ સભ્યો દ્વારા વાર્તા કહેવાની પરંપરાના મહત્વ વિષે પણ વાત કરી હતી. તેમણે ચર્ચા કરી હતી કે, તેમના પ્રવાસો દરમિયાન બાળકો સાથે તેમણે કરેલી વાતચીતમાં તેમને અનુભવાયું છે કે બાળકોના જીવનમાં રમૂજી ટૂચકાઓ વ્યાપક પ્રમાણમાં સ્થાન મેળવ્યું છે અને તેઓને વાર્તાઓ વિષે કોઈ અંદાજો નથી.

દેશમાં વાર્તા કથન અથવા કિસ્સાઓની સમૃદ્ધ પરંપરા વિષે ચર્ચા કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતે હિતોપદેશ અને પંચતંત્રની પરંપરાને વિકસિત કરી છે કે, જે પશુઓ, પક્ષીઓ અને પરીઓની કાલ્પનિક દુનિયાના માધ્યમથી સમજણ આપે છે. તેમણે ધાર્મિક વાર્તાઓના એક પૌરાણિક સ્વરૂપ ‘કથા’નો ઉલ્લેખ કર્યો હતો અને તમિલનાડુ તેમજ કેરળમાં ‘વિલ્લુ પત’નું ઉદાહરણ ટાંક્યું હતું કે જે વાર્તા અને સંગીતનો સંગમ છે અને તેમણે કઠપૂતળીની ગતિશીલ પરંપરા વિષે પણ વાત કરી હતી. તેમણે વિજ્ઞાન અને સાયન્સ ફિક્શન પર આધારિત વાર્તા કથનની વધી રહેલી ખ્યાતિને પણ નોંધી હતી.

પ્રધાનમંત્રીએ કિસ્સાગોઈના કળા સ્વરૂપને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલ અનેક પહેલોની પણ પ્રશંસા કરી હતી જેમાં આઇઆઇએમ એલ્યુમ્નસ શ્રી અમર વ્યાસ દ્વારા ચલાવવામાં આવતી વેબસાઇટ ‘Gathastory.in’, મરાઠીમાં વૈશાલી વ્યવહારે દેશપાંડે દ્વારા કરવામાં આવેલ પહેલ, ચેન્નાઈના સુશ્રી શ્રીવિદ્યા વીર રાઘવન દ્વારા લેવામાં આવેલ પહેલ કે જે આપણી સંસ્કૃતિને લગતી વાર્તાઓને પ્રખ્યાત કરવામાં અને તેનો પ્રસાર કરવામાં લાગેલા છે, સુશ્રી ગીતા રામાનુજન દ્વારા કરવામાં આવેલ પહેલ ‘kathalaya.org’, ઇંડિયન સ્ટોરી ટેલિંગ નેટવર્ક અને બેંગલુરુમાં શ્રી વિક્રમ શ્રીધર દ્વારા કરવામાં આવી રહેલ કાર્ય કે જેઓ મહાત્મા ગાંધીની વાર્તાઓ વિષે ઘણા ઉત્સાહી છે, તેમનો સમાવેશ થાય છે. આ જૂથે સંવાદ દરમિયાન રાજા કૃષ્ણદેવ રાય અને તેમના મંત્રી તેનાલી રામા  વિષેની એક વાર્તા પણ વર્ણવી હતી.

પ્રધાનમંત્રીએ વાર્તાકારોને વાર્તાના માધ્યમથી મહાન પુરુષો અને સ્ત્રીઓના જીવનને દેશની નવી પેઢી સાથે જોડવા માટે નવા નવા માર્ગો શોધવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે વાર્તા કહેવાની કળા દરેક ઘરમાં પ્રસરવી જોઈએ અને બાળકોને સારી વાર્તાઓ કહેવી એ આપણાં જાહેર જીવનનો એક ભાગ હોવો જોઈએ. તેમણે એક વિચાર રેલાવ્યો હતો કે દર અઠવાડિયે પરિવારના સભ્યોએ કરુણા, સંવેદનશીલતા, બહાદુરી, ત્યાગ, શૌર્ય વગેરે જેવા કોઈ એક વિષયને પસંદ કરવો જોઈએ અને પ્રત્યેક સભ્યએ આ વિષય ઉપર એક વાર્તા કહેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે દેશ ટૂંક સમયમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યો છે અને આ પ્રસંગે તેમણે વાર્તાકારોને તેમની વાર્તાના માધ્યમથી આઝાદીની લડતના પ્રેરણાદાયક બનાવોનો પ્રચાર કરવા માટે વિનંતી કરી હતી. તેમણે આ વાર્તાઓના માધ્યમથી 1857થી લઈને 1947 સુધીના તમામ નાના મોટા બનાવોને નવી પેઢી સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું.