કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે પંડિત દીન દયાળ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પી હતી. શ્રી અમિત શાહે કહ્યું કે, “ભારતમાતાના પરાક્રમી પુત્ર, સરળતાના પ્રતીક અને દેશના પ્રગતિશીલ રાજકારણના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય જીને તેમની જન્મજયંતિ પર મારી નમ્ર શ્રદ્ધાંજલિ.”
“છેલ્લા 6 વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પંડિત દીન દયાળ ઉપાધ્યાયની દ્રષ્ટિ પર આધારિત ‘અંત્યોદય’ની ગરીબો માટેની કલ્યાણ નીતિને આગળ ધપાવી રહ્યા છે. આ નીતિ હેઠળ, મોદી સરકાર 60 કરોડ ગરીબ પરિવારોને રાંધણ ગેસ, વીજળી, શૌચાલયો, ઘરો અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડે છે.”
શ્રી અમિત શાહે કહ્યું કે, “પંડિત દીન દયાળ ઉપાધ્યાયજીએ સ્વતંત્રતા પછી તરત જ નવી વિચારધારાને જન્મ આપ્યો, તે સમયે જ્યારે નીતિઓ ઘડવામાં આવી રહી હતી અને રાષ્ટ્રએ તેની યાત્રા શરૂ કરી હતી. પશ્ચિમનું આંધળું અનુકરણ કરવાને બદલે, તેમનો વિચાર ઉંડી ભારતીય નૈતિકતા સાથે જોડાયેલો હતો.”
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “દેશના વિકાસમાં, ખાસ કરીને ગરીબોના કલ્યાણ અને આપણા રાજકારણમાં દીન દયાળજીનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમના વિચારો, આદર્શો અને સમાજના કલ્યાણ પ્રત્યેનું સમર્પણ આવનારા સમયમાં તમામ દેશવાસીઓને રાષ્ટ્રની સેવા પ્રત્યે પ્રેરણારૂપ રહેશે.