કોરોનાના લક્ષણો શું છે? શું સાવચેતી રાખવી જોઈએ? નવજાત શિશુ માટે પોષણનું શું મહત્વ છે? તાજેતરમાં પસાર થયેલા 3 કૃષિ વિધેયકથી શું ફાયદો થશે ? આવા કેટલાક સામાન્ય જનતાના પ્રશ્નોના સચોટ અને સરળ પ્રત્યુત્તર આપવા કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને યુનિસેફ દ્વારા 44 દિવસનું કોવિડ જાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે હેઠળ રાજ્યમાં લોક જાગૃતિ, કલ્યાણ, ઉત્થાન, ઉન્નતી અને ઉત્કર્ષના પાંચ ઉત્તમ સત્વને પાંચ કોવિડ વિજય રથ ચરિતાર્થ કરી રહ્યા છે. ‘સાવચેતીને સંગ, જીતીશું જંગ’ આ ઉત્કૃષ્ટ નારા સાથે ભ્રમણ કરી રહેલા રથમાં મર્યાદિત સંખ્યામાં માત્ર 4 કલાકારો પોતાની વિવિધ કળા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક વગેરે દ્વારા સ્થાનિકો સુધી માહિતી પહોંચાડી રહ્યા છે.
આજે અઢારમા દિવસે રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના સરધાર ગામ ગૌશાળા સંચાલક શ્રી બાબુભાઈએ કોવિડ વિજય રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથે 49 કિલોમીટર ભ્રમણ કર્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન સરધાર ગામ, ખરાચીયા ગામ, હલેન્ડા ગામ વગેરે ગામોમાં ભ્રમણ કરીને રથ પર સવાર કલાકારોએ સ્થાનિક લોકોમાં પોષણ એટલે શું? પોષણનું મહત્વ તેમજ કોરોના જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.
મહેસાણા જિલ્લાના કડી નગરપાલિકા પરિસર ખાતેથી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કોકિલાબેન સોલંકી તથા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી શારદા બેન પટેલના વરદ હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સામાજિક અંતરના પાલન સાથે અધિકારીઓ, કર્મચારીઓ તથા અગ્રણી શહેરી જન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમા ઉપસ્થિત નાગરિકોએ રથ પ્રસ્થાનના પ્રસંગે કોવિડ વિજય રથ દ્વારા જનજન સુધી જાગૃતતા સંદેશ ફેલાવવાના ભારત સરકારના આ અભિયાનની પ્રસંશા કરી હતી. કડી નગરપાલિકા ખાતેથી શરૂ થયેલ આ રથે કડી શહેરના વિસ્તારો જેવાકે વિશ્રામગૃહ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, રાજેશ્વરી સોસયટી, નાની કડી, કુંડલ ગામ તેમજ કડીના બજારોની સાથે નંદાસણ તેમજ નવાપુરા અને આંબલીયાસણ જેવા ગ્રામીણ વિસ્તારોમાં ભ્રમણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ પોષણના મહત્વની અને કોરોના જાગૃતિ સંદેશની સ્ટેન્ડી મૂકી લોકોને એના વિશે માહિતગાર કર્યા હતા.
કચ્છ જિલ્લાના લાકડીયા ગામથી કોવિડ વિજય રથને CHC ના ડૉ. અજીતકુમારે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રથ પર સવાર કલાકારોએ પોતાની કળા દ્વારા યોગ્ય પોષણ વિશે અને કોરોનાના લક્ષણો અંગે શું સાવચેતી રાખવી તે વિશે સ્થાનિકોને જાણકારી આપી હતી. તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું તેમજ માસ્કનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.
દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના હાફવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. સ્વાતીબહેને રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથ હાફ્વા ગામ, હડમત ગામ, ઘાણીખુંટ ગામ, લાખનપુર ગામ વગેરે ગામોના લોકોમાં કોરોના જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો. આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. સાંજે 4 વગે રથ લાખનપુર ગામે રોકાયો હતો અને હવે આવતીકાલ સવારે 10 વાગે ત્યાંથી જ આગળની યાત્રાનો પ્રારંભ કરશે.
આજે તાપી જિલ્લામાં વ્યારા તાલુકામાં રથે જેસિંગપુર ગામ, કાનજણ ગામ, કપુરા ગામ, ચંપાવાડી ગામ વગેરે ગામોમાં ભ્રમણ કરી માસ્ક તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ લોકોને સરકારી વિવિધ પહેલ જેવી કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, આત્મનિર્ભર ભારત યોજના, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પીએમ એગ્રિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની રચના, માનવસંપર્ક રહિત આવકવેરાની આકારણી, ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધા) બિલ, 2020, કિંમતની ખાતરી અંગે ખેડૂતો (ઉત્થાન અને તેમના હિતોનું રક્ષણ)ની સમજૂતી અને કૃષિ સેવા બિલ, 2020 વિશે લોકોને માહિતગાર કર્યા હતા. કલાકારોએ કોરોના વિનર શ્રી દિલીપભાઈનું સન્માન પણ કર્યું હતું.
આ 5 રથે સાંજે 4 વાગે જે સ્થાને રોકાણ કર્યું હતું, ત્યાંથી આવતીકાલ સવારે પ્રસ્થાન કરશે અને દૈનિક 60 કિલોમીટરની યાત્રા કરી અવિરત કોરોના જાગૃતિ સંદેશ જેમ કે માસ્ક કેમ પહેરવું જરૂરી છે, વારંવાર હાથ ધોવા, સામાજિક અંતર જાળવવું વગેરે સાથે જ સરકારની વિવિધ પહેલ તેમજ મહિલાઓ અને બાળકોમાં યોગ્ય પોષણના મહત્વ વિશે નાગરિકોને માહિતગાર કરશે. કોવિડ વિજય રથ અદમ્ય ઉત્સાહ સાથે અગ્રેસર છે. આવતીકાલ ઓગણીસમા દિવસે પણ તમામ નિયમોના પાલન સાથે આગળ કૂચ ચાલુ રાખશે.