જીવનના સાચા શિલ્પકાર

(સત્ય કથા… નામ બદલેલ છે.)

આજ સાવ ફૂરસતની પળોમાં વર્ષા પોતાનાં અતીતના અંધારાને ઉલેચતી પલંગમાં પડી હતી. ઘરમાં કોઇ ન હતું.. ક્યારેક એકાંત ચાહું પણ ત્યારે ન મળે. આજે એકાંતનાં ઓરડાઓ ડરાવી રહ્યાં છે. પતિ દેવ સોસાયટીના નીચે બાંકડે બેસવા સમભાવી દોસ્તોને મળવા ગયાં આમ તો… એ પણ જતી પણ આજ ક્યાંયે જવાનું મન ન થતાં…. દિકરો વહુ પૌત્ર પિક્ચર જોવા ગયાં છે છ થી નવ.. આવશે ત્યારે પાર્સલ લાવશે… એ ખાવાનું છે…. કામ હવે થતું નથી.. અરે કરી કરી થાકી ગયાં… ને ચોપન વરસનાં વહાણામા મન વિંટાણું…

પરણીને નવી આવેલી પંદર વરસની… કંઈ જ આવડે નહીં… દસમામાં ભણતાં જ લગ્ન લેવાયા.. શિક્ષક નામના શિલ્પકારે ભણવામાં ઘડી હતી એટલે હોંશિયાર હતી… કાયમ અવ્વલ આવતી પણ લગ્ન જીવનમાં એની કંઇ વેલ્યુ ન હતી… માના ઘરનું માન અહીં ન હતું અહીં તો કામ વાળી જોઈએ…. ને હું રડતી… મનોમન ડરતી.. કંઈ જ કામ કર્યું ન હતું અહીં તો.. આખા ઘરની જવાબદારી… બાપ રે કરતી… માને ફરિયાદ કરતી. મા પણ ખરી શિલ્પકાર મને પ્રેમ નું સાંત્વન આપી… દોરવતી સમજાવતી…
થોડો સમય નવું નવ દહાડા… તાણ્યું તેર દાડા… ચાલ્યું પછી તો રીતસર ડરતી… પણ સાસુ સમજી ગયા મારું મનોમંથન… ને ખરા શિલ્પકાર બની કપડાં વાસણ રસોઈ કામ શીખવતાં… ઝડપ કરતાં… શીખવ્યું હું તો ડરથી શીખી રહી પણ મનોમન… તો આવા સાસરીયાને ભાંડતી રહી…. એક બાળકની મા બનીને પછી.. તો સમય બદલાયો… હું બદલાઈ… ને સાસુમા જેવા શિલ્પકાર થી ખરે ખર હું ઘડાઈ…. ખરેખર શિલ્પકાર… એક અણઘડ પથ્થરમાંથી કેવી રીતે સુંદર ભાવમય મૂર્તિ બનાવે છે એ વાત સમજી.. છીણી વડે તે નકામા કકડા દૂર કરી ધીરે ધીરે એ પથ્થરને મૂર્તિરૂપ ભાવ પૂરે છે, ફક્ત જીવ નથી પૂરતો…. મારી સાસુએ પણ મને એવી જ કલ્પનાથી કંડારી જે આજે હું ગર્વ અનુભવું છું… આટલા વરસે પણ સાસુમાની યાદે આંખ ભરાઈ આવી અને હળવેક ઊઠી… સાસુમાની છબીને પગે લાગી… અને બોલી મારા સંસારનાં સાચા શિલ્પકાર તો તમે છો હું તો અણઘડ પથ્થર હતી… તમે નિરાકારને આકાર આપ્યો અને મારા જીવન રંગ સજાવી સાકાર કરી મારી જીંદગી અને અશ્ચુ ધાર વહી રહી જે લૂછવાનું પણ ભૂલાઈ ગયું.
.
– કોકિલા રાજગોર