પ્રધાનમંત્રીએ બિહારમાં અંદાજે રૂપિયા 14000 કરોડની કિંમતની રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં અંદાજે રૂપિયા 14000 કરોડની કિંમતની નવ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને સમગ્ર રાજ્યના ગામડાંઓમાં ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ઓપ્ટિકલ ફાઇબર પરિયોજનાનો પ્રારંભ કર્યો હતો.

આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ધોરીમાર્ગ પરિયોજનાઓથી બિહારમાં કનેક્ટિવિટીમાં સુધારો આવશે. ધોરીમાર્ગ પરિયોજનાઓમાં 3 મોટા પુલનું બાંધકામ, ધોરીમાર્ગોને અપગ્રેડ કરીને 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરણ પણ સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે, બિહારમાં તમામ નદીઓ પર 21મી સદીને અનુરૂપ પુલોનું નિર્માણ થશે અને તમામ મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોને પહોળા તેમજ મજબૂત કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ આ દિવસને માત્ર બિહાર માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો કારણ કે, સરકાર દેશના ગામડાંઓને આત્મનિર્ભર ભારતના મુખ્ય આધાર પર લાવવા માટે મોટા પગલાં લઇ રહી છે અને તેની શરૂઆત આજે બિહારથી થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે, આ પરિયોજના હેઠળ આગામી 1000 દિવસમાં દેશના છ લાખ ગામડાંમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલની મદદથી ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવામાં આવશે. આમાં બિહારના 45,945 ગામડાં પણ સામેલ છે. તેમણે કહ્યું હતું કે, થોડા વર્ષ પહેલાં એ માનવું પણ શક્ય નહોતું કે શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા વધારે હશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડિજિટલ વ્યવહારોના સંદર્ભમાં દુનિયાના અગ્રણી દેશોમાંથી એક ભારત પણ છે. માત્ર ઑગસ્ટ 2020માં જ UPIના માધ્યમથી અંદાજે રૂ. 3 લાખ કરોડના ડિજિટલ વ્યવહારો થયા હતા. ઇન્ટરનેટના વપરાશમાં વૃદ્ધિ સાથે, હવે એ પણ જરૂરી છે કે દેશના ગામડાંઓમાં સારી ગુણવત્તાની, હાઇ સ્પીડ ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ થાય.

તેમણે કહ્યું હતું કે, સરકારના પ્રયાસોના પરિણામે ઓપ્ટિકલ ફાઇબર અંદાજે 1.5 લાખ ગ્રામ પંચાયતો અને 3 લાખથી વધુ સામાન્ય સેવા કેન્દ્રો સુધી પહોંચી ગયા છે.

વધુ ઝડપવાળી કનેક્ટિવિટીના કારણે મળતા લાભોનું વર્ણન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આનાથી વિદ્યાર્થીઓને વાંચન માટે શ્રેષ્ઠ સામગ્રી મળશે, ટેલિ-મેડિસિન સેવા ઉપલબ્ધ થશે અને ખેડૂતોને બિયારણ, દેશભરના બજારોમાં ઉપયોગમાં લેવાતી નવી ટેકનિકો વિશે માહિતી મળશે તેમજ હવામાનની સ્થિતિ અંગે વાસ્તવિક સમયના ડેટા પણ પ્રાપ્ત થઇ શકશે. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો સરળતાથી સમગ્ર દેશમાં અને દુનિયામાં તેમની ઉપજોનું પરિવહન કરી શકે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં શહેરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, અગાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આયોજનનો અભાવ હતો અને જ્યારે શ્રી અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતા ત્યારે જ વિકાસને યોગ્ય વેગ મળ્યો હતો. તેમણે રાજનીતિ કરતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ પ્રાથમિકતા આપી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવે મલ્ટી મોડલ પરિવહન નેટવર્ક વિકસાવવાનો અભિગમ છે જ્યાં પરિવહનનું દરેક માધ્યમ અન્ય સાથે સંકળાયેલું હોય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ પર હાલમાં જે મોટાપાયા પર કામ થઇ રહ્યું છે, જે ઝડપથી કામ આગળ વધી રહ્યું છે તે ખરેખરમાં અભૂતપૂર્વ છે. આજે, 2014ની તુલનાએ બમણા વેગથી ધોરીમાર્ગોનું નિર્માણ થઇ રહ્યું છે. 2014 પહેલાંના સમયગાળાની સરખામણીએ ધોરીમાર્ગના નિર્માણ ખર્ચમાં પાંચ ગણો વધારો થયો છે.

તેમણે જણાવ્યું હતું કે, સરકારે આગામી 4-5 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ રૂપિયા 110 લાખ કરોડથી વધુ ખર્ચ કરવાની જાહેરાત કરી છે. આમાંથી, રૂપિયા 19 લાખ કરોડ કરતાં વધારે કિંમતની પરિયોજનાઓ માત્ર ધોરીમાર્ગોના વિકાસ માટે જ ફાળવવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બિહારને પણ માર્ગ અને કનેક્ટિવિટી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિસ્તરણ કરવા માટે આ પ્રયાસોમાંથી ફાયદો થઇ રહ્યો છે. પ્રધાનમંત્રીએ 2015માં જાહેર કરેલા પેકેજ અંતર્ગત, 3000 કિમીથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વધુમાં, ભારતમાલા પરિયોજના અંતર્ગત, સાડા છ કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે. આજે બિહારમાં, રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગ્રીડનું કામ ખૂબ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમ બિહારને જોડવા માટે ફોર લેન સાથેની પાંચ પરિયોજનાઓ અત્યારે ચાલી રહી છે અને છ પરિયોજનાઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડવા માટે ચાલી રહી છે.

તેમણે કહ્યું હતું કે, બિહારમાં મોટી નદીઓના કારણે કનેક્ટિવિટીમાં સૌથી મોટા અવરોધો આવતા હતા. આ કારણે જ જ્યારે પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરવામાં આવી ત્યારે પુલોના બાંધકામ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી પેકેજ અંતર્ગત ગંગા નદી પર 17 પુલોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાંથી મોટાભાગના પુલો તૈયાર થઇ ગયા છે. તેવી જ રીતે, ગંડક અને કોસી નદી પર પણ પુલોનું નિર્માણ થઇ રહ્યું છે. 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પટણા રિંગ રોડ અને પટણા તેમજ ભાગલપુરમાં મહાત્મા ગાંધી સેતુ તેમજ વિક્રમશિલા સેતુને સમાંતર પુલનું કામ ચાલી રહ્યું છે જેનાથી કનેક્ટિવિટીમાં ઝડપ આવશે.

ગઇકાલે સંસદમાં પસાર કરવામાં આવેલા કૃષિ વિધેયકનો સંદર્ભ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને વિવિધ બંધનોમાંથી મુક્તિ અપાવવા માટે આ સુધારા જરૂરી હતા. તેમણે કહ્યું કે, ઐતિહાસિક કાયદાઓથી ખેડૂતોને નવા અધિકારો પ્રાપ્ત થયા છે અને ખેડૂતોને હવે તેમણે નક્કી કરેલા ભાવો અને શરતોએ ગમે તે વ્યક્તિને તેમજ ગમે તે જગ્યાએ પોતાની ઉપજ વેચવામાં કોઈપણ પ્રકારના પ્રતિબંધોનો સામનો કરવો પડશે નહીં.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉના વ્યવસ્થાતંત્રમાં કેટલાક લોકોના અંગત હિતો સમાયેલા હતા જેથી નિઃસહાય ખેડૂતોનો ગેરલાભ ઉઠાવવામાં આવતો હતો.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, નવા સુધારા હેઠળ, ખેડૂતો પાસે કૃષિ બજારો (કૃષિ મંડી) સિવાયના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. ખેડૂત હવે ગમે ત્યાં પોતાની ઉપજ વેચી શકે છે અને વધુ નફો કમાઇ શકે છે.

રાજ્યમાં બટાકાના ખેડૂતો અને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં તેલીબિયાંના ખેડૂતોનો દૃષ્ટાંતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સુધારેલા વ્યવસ્થાતંત્રના કારણે ખેડૂતોને 15થી 30 ટકા વધારે નફો થયો છે. તેમણે કહ્યું કે, તેલ મિલના માલિકોએ આ રાજ્યોમાંથી સીધા જ ખેડૂતો પાસેથી તેલીબિયાંની ખરીદી કરી. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કઠોળની સિલક રહેતી હોવાથી, ખેડૂતોને ગત વર્ષની સરખામણીએ સીધો જ 15 થી 25 ટકા જેટલો ભાવમાં વધારો મળ્યો છે. કઠોળની મિલો સીધી જ ખેડૂતો પાસેથી ખરીદી કરે છે.

પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, કૃષિ મંડીઓ બંધ નહીં થાય અને તેમનું કામ પહેલાંની જેમ ચાલુ જ રહેશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં મંડીઓના આધુનિકીકરણ અને કોમ્પ્યૂટરાઇઝેશન માટે NDA સરકાર કામ કરી રહી છે.

શ્રી નરેન્દ્ર મોદીએ દેશના દરેક ખેડૂતોને એવી પણ ખાતરી આપી હતી કે, લઘુતમ ટેકાના ભાવનું વ્યવસ્થાતંત્ર પણ પહેલાંની જેમ જ ચાલું રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેટલાક લોકોના અંગત હિતોના કારણે ખેડૂતોનું શોષણ કરવામાં આવતું હતું જેના કારણે લઘુતમ ટેકાના ભાવો માટે સ્વામીનાથન સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણોને વર્ષોથી દબાવી રાખવામાં આવી હતી. તેમણે કહ્યું કે, દરેક મોસમમાં સરકાર હંમેશની જેમ લઘુતમ ટેકાના ભાવોની જાહેરાત કરશે.

બિહારને ખેડૂતોનું રાજ્ય ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણી પાસે 85 ટકા કરતાં વધારે ખેડૂતો છે જે નાના અથવા સીમાંત છે અને આના કારણે ઇનપુટ ખર્ચમાં વધારો થાય છે અને ઓછા ઉત્પાદનના કારણે નફો પણ મળતો નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જો ખેડૂતો સંગઠન બનાવી શકે તો તેમને બહેતર ઇનપુટ ખર્ચ અને બહેતર વળતરની ખાતરી થઇ શકે છે. તેઓ ખરીદદારો સાથે બહેતર કરાર પણ કરી શકે છે. આ સુધારાથી કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધશે, ખેડૂતોને અદ્યતન ટેકનોલોજી મળશે, ખેડૂતોની ઉપજ આંતરરાષ્ટ્રીય બજારો સુધી વધુ સરળતાથી પહોંચી શકશે.

બિહારમાં તાજેતરમાં પાંચ કૃષિ ઉત્પાદક સંગઠનોએ કેવી રીતે ચોખાનો વેપાર કરતી ખૂબ જ પ્રખ્યાત કંપની સાથે કરાર કર્યો તે અંગે શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો. આ કરાર અંતર્ગત FPOમાંથી ચાર હજાર ટન ડાંગરનું ઉત્પાદન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આવી જ રીતે, ડેરી અને દૂધની પેદાશોમાંથી પણ લાભ પ્રાપ્ત થઇ શકે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી આ અધિનિયમની કેટલીક જોગવાઇઓએ ખેડૂતોની આઝાદીને અવરોધી રાખી હતી. શ્રી મોદીએ કહ્યું હતું કે, કઠોળ, તેલીબિયાં, બટાકા, ડુંગળી વગેરેને આ અધિનિયમમાં પ્રતિબંધોમાંથી બાકાત કરવામાં આવ્યા છે. હવે, દેશના ખેડૂતો સરળતાથી કોલ્ડ સ્ટોરેજમાં મોટાપાયે તેમની ઉપજનો સંગ્રહ કરી શકશે. આપણા દેશમાં, જ્યારે સંગ્રહ સંબંધિત કાયદાકીય સમસ્યાઓ ઉકેલવામાં આવશે ત્યારે, કોલ્ડ સ્ટોરેજનું નેટવર્ક પણ વધુ વિકસશે અને તેમાં હજુ પણ વધારે વિસ્તરણ થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેટલાક અંગત હિતો ધરાવતા લોકો દ્વારા ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવેલા ઐતિહાસિક સુધારા અંગે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં દેશમાં સરકાર દ્વારા કઠોળ અને તેલીબિયાંની ખરીદી 2014 પહેલાંના 5 વર્ષની ખરીદીની સરખામણીએ 24 ગણી વધારે છે. આ વર્ષે કોરોનાના સમયમાં, રવિ પાકની મોસમમાં ખેડૂતો પાસેથી વિક્રમી સંખ્યામાં ઘઉંની ખરીદી કરવામાં આવી છે.

આ વર્ષે રવિ પાકની મોસમમાં, ખેડૂતોને ઘઉં, ધાન્ય, કઠોળ અને તેલીબિયાંની લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે રૂપિયા 1 લાખ 13 હજાર કરોડની ચુકવણી કરવામાં આવી છે. આ રકમ અગાઉના વર્ષની સરખામણી 30 ટકા કરતાં વધારે છે.

તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાના આ સમયમાં, સરકાર દ્વારા વિક્રમી જથ્થામાં ખરીદી કરવા ઉપરાંત, ખેડૂતોને વિક્રમી રકમની ચુકવણી પણ કરવામાં આવી છે. દેશના ખેડૂતો માટે અદ્યતન વિચારધારા સાથે નવા વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે તે 21મી સદીના ભારતની જવાબદારી છે.