“યાર રવિ, તારી બધી જ નવલકથા ખૂબ રોમાંચક હોય છે. મને વધુ એટલે ગમે છે કે એ અપરાધની દુનિયાના અંધકારને ઉજાગર કરતી હોય છે.””
આ સાંભળીને ખૂબ આનંદ થયો મહેશ, આભાર.”
“એ તો બરાબર, પણ મને એક વાત જણાવ. ૧૫૦ નવલકથા લખ્યાં પછી, કોઈ નવો વિચાર આવે છે કે હવે શેના ઉપર લખીશ?”
રવિ દેસાઈ હસ્તાં હસ્તાં બોલ્યો, “લખવા માટે નહીં, પણ ઘણી વાર એમ વિચાર આવે કે જો મારા લખેલા પાત્રો અને એમની પરિસ્થિતિઓ વાસ્તવિક બની જાય તો?”મહેશ પોતાની હંસી રોકી ન શક્યો.”રવિ, હવે તારી ખસકી ગઈ છે.”
રવિ દેસાઈની છેલ્લી નવલકથા ખૂબ પ્રખ્યાત થઈ હતી અને રવિ પણ પોતાનાં લખાણથી ઘણો સંતુષ્ટ હતો. જ્યારે મોર્નિંગ વૉક પર નીકળ્યો તો મહેશ સાથેની વાતચીત મગજમાં ફરી રહી હતી. વિચારોમાં મગ્ન , રોજ કરતા વધુ આગળ નીકળી ગયો. અચાનક એની નઝર એક ભવ્ય બંગલા પર પડી. રવિ આ તરફ પહેલી વાર આવ્યો હતો પણ બંગલો હૂબહૂ એવો જ હતો જેવો એણે પોતાની છેલ્લી વાર્તામાં દર્શાવ્યો હતો. જિજ્ઞાસા જાગી અને એના પગલાં આગળ વધ્યાં. ધીમેથી અને અચકાતાં એણે ડોરબેલ વગાડી. જેવો દરવાજો ખુલ્યો તો સામે વ્યક્તિને જોઈને તે દંગ રહી ગયો. જાણે એની નવલકથાનો હત્યારો સામે ઊભો હોય. ઊંચાઈ, રંગરૂપ, શરીર, આંખના ડોરાનો રંગ, એકદમ એનાં પાત્ર વિક્રાંત જેવા.
અચંબામાં એના મોઢેથી નીકળી ગયું,”વિક્રાંત…..!”
ઘરના માલિકે જવાબ આપ્યો.”જી હું વિક્રાંત ભટ. તમે કોણ?”
–શમીમ મર્ચન્ટ
તમે કોણ?
