સ્નેહભીના સ્મરણો

          આજે વૃધ્ધાશ્રમમાં બેઠેલાં કરસનકાકા દિવાળી આવતાં થોડા ઉદાસ થઈ ગયા, અને બધા પરિસરમાં બેઠા હતા ત્યાંથી ઊભા થયા અને રૂમમાં આવી ગયા,  પોતાની પેટી ખોલી જુની વસ્તુઓ ફંફોસવા લાગ્યા, ફોટા જોયા અને એક હાથમાં સ્ટેથોસ્કોપ, અને એક હાથમાં રમકડાંની ગન લઈ વિચારોના વૃંદાવનમાં પહોંચી ગયા, નજર સમક્ષ પંદર વર્ષ પહેલાંનું દ્રશ્ય એમ આવી ગયું જાણે કે અત્યારે જ ભજવાઈ રહ્યું હોય, શ્યામ એના ગળે વળગીને કહી રહ્યો હતો પપ્પા તમે થાકી ગયા? બસ થોડોક ટાઈમ.. હું મોટો થઈ મોટો ડૉક્ટર બનીશ, પછી તમારે બિલકુલ આરામ કરવાનો, તમને ફૂલ પૌધા ખૂબ ગમે છે ને એટલે હું મોટો બગીચો બનાવીશ અને તમે સવાર સાંજ આરામથી ફરજો, ત્યાં બાજુમાં રમતો રામ બોલ્યો અને પપ્પા હું મોટો પૉલીસ ઓફિસર બનીશ પછી મને મેડલ મળશે ત્યારે એનાઉન્સ થશે, મી. કરસનભાઈ પ્લીઝ આપ સ્ટેજ પર પધારો અને આપના વરદ હસ્તે આ મોમેન્ટો આપી પ્રોગ્રામમાં અભિવૃદ્ધિ કરશોજી.. તાલીઓના ગડગડાટ થશે  અને કરસનભાઈ તાળીઓનો અવાજ મહેસૂસ થયો પરંતુ પોતે તંદ્રામાંથી જાગ્યા તો સામે રમણભાઈ તાળી વગાડી તંદ્રા ભંગ કરી  રહ્યાં હતાં, અને પૂછ્યું ક્યાં ખોવાઈ ગયાં હતાં? કરસનભાઈ બસ એટલું જ બોલ્યા “સ્નેહભીના સ્મરણોમાં “…અને આંખનાં ખૂણાં લૂછી ભોજનાલય તરફ જવા પગ ઉપાડયાં.  

– જાગૃતિ કૈલા