વ્યર્થ પ્રયાસો

‘હે ભગવાન !  આ નેટ ને અત્યારે જ સ્લો થવું હતું? ‘ મેં થાકેલાં અવાજે માઉસ પછાડ્યું.

છેલ્લા દોઢ કલાકથી હું લેપટોપ સામે ઘ્યાન ધરીને બેઠી હતી. બસ દસ જ મિનીટ પછી મારી મહિનાઓની મહેનતનું પરિણામ મારા હાથ માં હશે. પણ નેટ છેલ્લી ઘડી એ જ દગો આપી ને મારો શ્વાસ ગળે અટકાવી રાખશે એનો અણસાર ન હતો. પણ, કહે છે ને કે ફેંસલો જ્યારે સપનાઓનો હોય ત્યારે ભલભલાના પગ ધ્રૂજે છે. આ વિતેલા સમયમાં મારા એક સપના માટે કેટલાય સપનાઓના ભોગ આપી દીધા હતા. મારી ક્લાસમેટ બધી ટીક- ટોક પર સ્લોમોશન અને ગીતોમાં વિડિયો અપલોડ કરે છે ત્યારે હું મેડિકલની ચોપડીઓ વચ્ચે બિમારીઓના જવાબો શોધું છું. આ ઉપરાંત જો ગણતરી માંડું તો સૌથી મોટો ભોગ તો સંબંધોનો જ આપ્યો છે. હું છેલ્લા કેટલાય મહિનાઓ થી એ માણસથી દૂર રહી છું જેની સાથે મારે જીવનની હર એક પળ જીવવી હતી.

‘તારું રિઝલ્ટ આવ્યું કે નહિ?’ મમ્મી એ રસોડામાંથી બુમ પડી અને જાણે મારા મગજમાં ચાલતી પિકચર અટકી.

‘ ના હજી નહીં !’ મેં આંખો લૂછતા- લૂછતાં જવાબ આપ્યો.

આજે ધૈર્યની ખૂબ યાદ આવી રહી છે. જો એ સાથે હોત તો સમય જ કઇક અલગ હોત, મજા કઈક નિરાળી હોત. હજી હું મોબાઈલમાં અમારા કોલેજના ફોટાઓ જોવા જઇ રહી હતી ત્યાં લોડ થતું સાઈટ પર મારા નસીબનો ફેંસલો કાળા અક્ષરોમાં ડાઉનલોડ થઇ ગયો.

‘ સોરી! યુ હેવ મિસ વિથ ટુ માર્ક્સ. બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર.’

 આ એ શબ્દો ન હતા જે જોવા માટે મારી આંખો તરસી રહી હતી. મને એક સેકંડ માટે તો ચક્કર આવી ગયા.

ન’ તો આંસુ સર્યા કે ન નીકળ્યો ગળામાંથી અવાજ.

‘ આ લોડ થઇ ગયું લાગે છે. શું આવ્યું? ક્યારે જવાનું થશે?’ મમ્મીએ આવીને સવાલો કર્યા અને મારી પાસે કોઈ જવાબ ન હતો. ફરી એકવાર પોતાની જાતને બેસ્ટ સાબિત ન કરી શકી. તે વિચારોથી મારું મગજ ઘેરાઈ ગયું.

‘ બોલ ને?’ મમ્મી એ મને ઢંઢોળીને પૂછ્યું.

‘ નથી ઉડવાનું મા….સપનાઓની પાંખો કપાઈ ગઈ !’

જાણે હું આખીયે દુનિયા હારી ગઈ હોઉ તેમ મમ્મીની સામે જોયા વગર જ બોલી ગઈ.

————————–

‘ખાલી બે જ માર્ક્સ?’ મીરા આંખો પહોળી કરી બોલી ઉઠી.

‘પછી યાદ છે તને, આપણી ઉછળતી કૂદતી સિધ્ધિ જીવતી પૂતળી બની ગઈ હતી?’ વિધિ જાણે સમયના પેજ ફેરવતી હોય તેમ બોલી.

‘ ડિપ્રેશન ! ‘ મેં થોડી સ્માઇલ સાથે ગણગણ્યું.

‘જેવી રીતે કેટલાય એન્જિનિયરોએ ડિગ્રી મેળવ્યા પછી જોબ નથી મળતી અને મગજ જે નિરાશાથી ઘેરાય છે એ વાળી ફિલિંગ!’ વિધિ બોલી.

‘ પછી બધું રિકવર કઈ રીતે થયું?’ મીરા અ એ પૂછ્યું.

‘ તો હવે આ જ ટોપિક થી આગળ વધીએ. ‘ મેં નિયમ તોડી ને તેના પછી નું પ્રકરણ આગળ વધાર્યું.

– યશા પંડિત

(ક્રમશ:)