પ્રધાનમંત્રીએ સંસદમાં કૃષિ વિધેયક પસાર થવા બદલ શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં કૃષિ વિધેયક પસાર થવા બદલ ખેડૂતોને શુભેચ્છા પાઠવી છે અને તેને ભારતીય કૃષિના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ ગણાવી છે.

શ્રેણીબદ્ધ ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભારતીય કૃષિના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ! સંસદમાં મહત્વના વિધેયક પસાર થવા બદલ અમારા મહેનતુ ખેડૂતોને અભિનંદન, જે કૃષિ ક્ષેત્રનું સંપૂર્ણ રૂપાંતરણ સુનિશ્ચિત કરશે તેમજ કરોડો ખેડુતોને સશક્ત કરશે.

દાયકાઓ સુધી ભારતીય ખેડૂત વિવિધ અવરોધ દ્વારા બંધાયેલો હતો અને વચેટિયાઓ દ્વારા હેરાન કરવામાં આવતો હતો. સંસદ દ્વારા પસાર કરાયેલા બિલ ખેડૂતોને આવી મુશ્કેલીઓથી મુક્ત કરશે. આ બિલ ખેડૂતોની આવક બમણી કરવા અને તેમના માટે મોટી સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાના પ્રયત્નોમાં ગતિ આપશે.

આપણા કૃષિ ક્ષેત્રને અવનવી તકનીકની ખૂબ જરૂર છે જે મહેનતુ ખેડૂતોને સહાય કરે. હવે બિલ પસાર થતાં અમારા ખેડૂતોને ભાવિ તકનીક સરળતાથી મળશે જે ઉત્પાદનને વેગ આપશે અને સારા પરિણામો આપશે. આ એક આવકારદાયક પગલું છે.

મેં એ પહેલાં કહ્યું હતું અને ફરી એક વાર કહું છું:

“એમએસપીની સિસ્ટમ રહેશે. સરકારી ખરીદી ચાલુ રહેશે. અમે અહીં અમારા ખેડૂતોની સેવા કરવા આવ્યા છીએ. અમે તેમને સમર્થન આપવા અને તેમની આવનારી પેઢીનું સારું જીવન સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલું કરીશું.”