તૂટેલું ઘર – ભાગ ૧

મધરાતે શહેરમાં સન્નાટો હતો. આખું નગર સળગીને રાખનાં ધુમાડા કાઢતું હતું. તોફાન જ થયું હતું. બાકી કુદરત એટલી પણ ક્રૂર નથી હોતી જેટલો આજનો માણસ હોય છે. ઘર, બગીચા, રસ્તાઓ, બધે  ઠેર ઠેર કાળા ડામ દેખાતા હતા. કોઈ જનાવર પણ ચાલતા ચાલતા હતું હોય તો ડર લાગતો કે ક્યાંક આ પણ હુમલો ના કરી બેસે. આટલી હિંસા પછી પણ અમુક હિન્દુ મુસ્લિમની ટોળકીઓ જમાવટ કરીને કાલે શું કાવતરા કરીશું એની વાર્તાઓ ઘડતા હતા. 

“માણસ તો શું સમજે છે, પાપ કરી ગંગામાં ધોશે,

કુદરત જો જાણશે કાવતરા એના, વીણી વીણી ઘર સળગાવશે.”

એવામાં એક તૂટેલી બારીમાંથી હજી કોઈના ધ્રૂજવાનો અવાજ આવતો હતો. એક ધૂની ફકીર એ રસ્તે ચાલતો ચાલતો બોલે, “અલ્લાહ આજ ખફા હુઆ હૈ,” 

એનો અવાજ પડઘાં પાડતો હતો. પણ એને કોઈના ધ્રૂજવાનો અવાજ સંભળાયો. તરત બારીમાંથી ડોકિયું કાઢીને જોવે છે તો, એક બે વર્ષની છોકરી કથળેલ હાલતમાં રડતી હતી. 

ફકીર જરા અલગારી હતો, “તું યહાં ક્યાં કર રહી હૈ ? તૂફાન તો થમ ગયા, અબ લૌટ જા.’ મુશ્કેલ એ હતી કે છોકરીને કઈ સમજ પડી નહિ. 

ફકીર બીજી વાર બોલ્યો, “બચ્ચાં તેરા નામ બતા.” છોકરી હજી બોલી નહિ. ફકીરે એની સામે જોયા કર્યું. આવા ફક્કડ માણસને ઘરની અંદર જવાની પણ હિંમત ના થઈ. પણ ગમે તેમ એ એના અલ્લાહનો માણસ હતો એટલે અંદર ઘૂસ્યો. આજુબાજુ નજર કરી, કોઈ દેખાયું નહિ, ઘર એટલું પણ રાખ નહોતું થયું જેટલું બહારથી દેખાતું હતું, પણ સાવ ઘરની ગર્ભમાં ઘુસતા જણાયું કે, બે લાશ સળગીને ધૂળ થઈ ગઈ હતી. ફકીરે આવી તબાહી જોઈ છે આજે, પણ સળગતી લાશ નહિ ! એણે આમતેમ હજી ફાફા માર્યા, અંતે મહેનત ફળી અને છોકરીનું પ્લે સ્કૂલ નું દફતર દેખાયું. એના પર નામ વાચ્યું તો લખ્યું હતું, સીતા પંડ્યા. 

અરે! આ તો હિન્દુની ફસલ. એવો વિચાર તરત ફકીર ના મન માં આવ્યો. “અબ મે તુમ્હે કહા લેકે જા સકતા હૂં… તુજે મેરે મસ્જિદ મે આને નહિ દેંગે ઓર મે તેરે મંદિર જા નહિ સકતા.” 

– વેદિકા શાહ

(ક્રમશ:)