કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે સંસદમાં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત બે મહત્ત્વપૂર્ણ ખરડાઓ કે બિલના પસાર થવાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં શ્રી અમિત શાહે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “આ બંને મહત્ત્વપૂર્ણ બિલ પ્રધાનમંત્રી મોદીજીના આપણા ખેડૂતોના સંપૂર્ણ વિકાસ માટેની અને કૃષિ ક્ષેત્રને મજબૂત કરવાની સતત નિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે. આ ભારતના કૃષિ ક્ષેત્રમાં વિકાસના અભૂતપૂર્વ યુગની શરૂઆત છે.”
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “જે લોકોએ દાયકાઓથી મતબેંકનું રાજકારણ રમીને ખેડૂતોને અંધકારમાં અને ગરીબીમાં રાખ્યાં છે, તેઓ અત્યારે આ ઐતિહાસિક નિર્ણયનો વિરોધ કરીને તેમને ઉશ્કેરી રહ્યાં છે અને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. મોદી સરકારે આ નિર્ણયો ખેડૂતોના હિતમાં લીધા છે. હું મારા ખેડૂત ભાઈઓને ખાતરી આપવા ઇચ્છું છું કે, જો કોઈ પણ તેમના શ્રેષ્ઠ હિતનો વિચાર કરે છે, તો એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે.”
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, “મોદી સરકારના આ કૃષિ લક્ષી સુધારા આપણા ખેડૂત ભાઈઓને વચેટિયાઓની શોષણની જાળમાંથી છોડાવશે, જેમણે તેમને તેમની મહેનતના ફળથી વંચિત રાખ્યાં છે.”
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “આ કૃષિ સાથે સંબંધિત સુધારા દ્વારા ખેડૂતો કોઈ પણ જગ્યાએ તેમના ખેતપેદાશોનું વેચાણ કરીને ઉચિત કિંમત મેળવી શકશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે.”
તેમણે ઉમેર્યું હતું કે, “આ નિર્ણય લીધા પછી પણ લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની વ્યવસ્થા જળવાઈ રહેશે અને સરકારી ખરીદી પણ ચાલુ રહેશે.”
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાએ આજે ખેડૂતોના ઉત્પાદનના વેપાર અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધા) બિલ, 2020 અને કિંમતની ખાતરીની ખેડૂતો (ઉત્થાન અને તેમના હિતોનું રક્ષણ) સાથે સમજૂતી અને કૃષિ સેવા બિલ, 2020 પસાર કર્યા હતા. આ બંને બિલ અગાઉ લોકસભામાં પસાર થઈ ગયા છે.
ખેડૂતોના ઉત્પાદનના વેપાર અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધા) બિલ, 2020નો આશય એક ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે, જેમાં ખેડૂતો અને વેપારીઓ ખેડૂતોના ઉત્પાદનના વેચાણ અને ખરીદી માટે પસંદગીની સ્વતંત્રતા મેળવશે, જેથી તેમને કાર્યદક્ષ, પારદર્શક તથા રાજ્ય વચ્ચે અને રાજ્યની અંદર વેપારને પ્રોત્સાહન આપવા સ્પર્ધાત્મક વૈકલ્પિક વેપારી માધ્યમો દ્વારા લાભદાયક અને વળતરદાયક કિંમતોની સુવિધા મળશે.
કિંમતની ખાતરીની ખેડૂતો (ઉત્થાન અને તેમના હિતોનું રક્ષણ) સાથે સમજૂતી અને કૃષિ સેવા બિલ, 2020 ખેતીવાડી સાથે સંબંધિત સમજૂતીઓ પર રાષ્ટ્રીય માળખું પ્રદાન કરવાનો આશય ધરાવે છે, જે ખેડૂતોને વાજબી અને પારદર્શક રીતે વળતરદાયક કિંમતના પારસ્પરિક સંમતિ ધરાવતા માળખા પર ભવિષ્યમાં ખેતપેદાશોના વેચાણ અને કૃષિ સેવાઓ માટે એગ્રિ-બિઝનેસ કંપનીઓ, પ્રોસેસર્સ, હોલસેલર્સ, નિકાસકારો અથવા કૃષિ સેવાઓ માટે મોટા રિટેલર્સ સાથે જોડાવા સક્ષમ બનાવશે.