અધિકમાસની ઉપાસનાનું વૈજ્ઞાનિક મહત્વ કેટલું?

આ વર્ષે 18 સપ્ટેમ્બરથી શરૂ થયેલ અધિકમાસ બે રીતે વિશિષ્ટ છે. એક તો લીપયરમાં આસો અધિક માસ આવ્યો છે એટલે કે લીપયર અને આસો અધિકમાસ સાથે આવ્યા છે. જે અગાઉ ૨૦૦૧માં આવેલા પરંતુ તે વખતે લીપયર સાથે નહોતું. આ વર્ષ જેવો વિશિષ્ટ સંયોગ ૧૬૦ વર્ષ પહેલાં 1860માં આવેલો એ દૃષ્ટિએ આ વખતનો અધિકમાસ વિશિષ્ટ છે.

અધિકમાસના બે મુખ્ય નામ છે. ૧) મળમાસ અને ૨) પુરુષોત્તમમાસ. અધિકમાસનું વિજ્ઞાન સમજતા પહેલા એ સમજી લઈએ કે અધિકમાસને આવા બે ભિન્ન અને એકબીજાથી સંપૂર્ણ વિરોધી નામે કેમ ઓળખવામાં આવે છે. કેમ કે “મળ” અશુદ્ધિનો સૂચક છે જ્યારે “પુરુષોત્તમ” શ્રેષ્ઠ, પવિત્ર અને શુદ્ધિનો સૂચક છે. તો આવો નામવિરોધાભાસ કેમ? સામાન્ય રીતે વર્ષ, માસ, દિવસ, ઘડી, મળ એ બધા કાળના વિભાગ છે. વળી આ બધા વિભાગોના જુદા જુદા અધિષ્ઠાતા દેવો હોય છે. પરંતુ અધિકમાસ સંજોગોવશાત વધારાનો ઉત્પન્ન થયેલ મહિનો છે જેને કોઈ અધિષ્ઠાતા દેવ નથી જેથી તેને અશુદ્ધ કે અપવિત્રતાના સૂચક તરીકે “મળમાસ” તરીકે ઓળખવામાં આવે છે. આ જાણ્યા પછી સ્વાભાવિક પ્રશ્ન થાય કે કોઈ માસ ઓચિંતો કે સંજોગોવશાત કેવી રીતે ઉદભવી શકે? તો આવો સમજીએ પ્રથમ તેનું વિજ્ઞાન. આપણે જાણીએ છીએ કે સૂર્યમંડળમાં કુલ ૨૭ નક્ષત્રો છે. નક્ષત્ર એટલે તારાઓનો સમૂહ. આવા સવા બે નક્ષત્ર ભેગા મળી એક રાશિ બને. સૂર્યમાળામાં કુલ 12 રાશિઓ છે. સૂર્યની આસપાસ પૃથ્વી ફરે ત્યારે વારાફરથી સૂર્યની પાછળવાળી રાશિ ઢંકાઈ જાય. આ રીતે પૃથ્વી એક વર્ષે સૂર્યનું એક ચક્ર પૂરું કરે, જે કરતા પૃથ્વીને 365 દિવસ લાગે. આ 365 દિવસને બાર મહિના એટલે કે બાર વડે ભાગતા 30.5 આવે. એ જ રીતે ચંદ્ર પૃથ્વીની ફરતે એક ચક્કર ૩૫૪ દિવસમાં પૂરું કરે. આમ સૂર્યવર્ષ ૩૬૫ દિવસનું અને ચંદ્રવર્ષ 354 દિવસોનું છે. ચંદ્રવર્ષના ૩૫૪ દિવસ ભાગ્યા બાર મહિના કરતા જવાબ આવે 29.5. સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષના આવા દિવસોના તફાવતને લઈને દર વર્ષે ૧૧ દિવસનો તફાવત પડે. હવે આ જે 11 દિવસનો ફરક પડે તે અઢીથી પોણા-ત્રણ વર્ષે 29.5 દિવસો જેટલો થાય. જ્યારે ચંદ્રએ તો એકમથી અમાસ સુધીની યાત્રા પુરી કરી લીધી હોય, પરંતુ સૂર્યે પોતાનું ઘર એટલે કે રાશિ બદલી ન હોય. આવા મહિનાને હિંદુધર્મ અધિકમાસ તરીકે ઓળખે છે.

આજનું વિજ્ઞાન જણાવે છે કે સૂર્યની સંક્રાંતિની જીવસૃષ્ટિ પર ખૂબ ગહેરી અસર થતી હોય છે અને ખૂબ ઉત્તમ અસર પણ થતી હોય છે. જે અધિકમાસમાં શક્ય બનતી નથી જેથી તેને અપવિત્ર માસ કહે છે. કેમ કે સૂર્ય દ્વારા થતી સફાઈ કે શુદ્ધિ આ માસમાં શક્ય બનતી નથી. વાતાવરણમાં અશુદ્ધિ વધે છે. સૂર્ય વાસ્તવમાં ભાગ્ય, શક્તિ, પ્રકાશ અને શ્રેષ્ઠતાનો કારક હોવાથી સૂર્યની સ્થિરતા શરીર, મન અને આત્મા પર ગહેરી અસર કરે છે. આમ પણ આપણે જાણીએ છીએ કે સૂર્યશક્તિથી જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે. અધિકમાસની સૂર્ય સ્થિરતાની સ્વચ્છતા અને શુધ્ધતા પર અશુભ અસર ટાળવા વધુ સારા કાર્યો આવશ્યક છે. જેથી પૂજા-પાઠ, દાન-ધર્મ વધારીને અશુદ્ધિની અસરને ટાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ભાવિકો આ માસને મલિન, અશુદ્ધ કે અપવિત્ર સમજી સારા કાર્યો કરવાનું પસંદ કરતા નથી. આમ અપવિત્રતા કે અશુદ્ધિનો કારક અધિકમાસ મળમાસ તરીકે જાણીતો છે. શાસ્ત્રો અનુસાર આ રીતે તિરસ્કાર અને અપમાનથી દુઃખી અધિકમાસ ભગવાન વિષ્ણુની શરણમાં જાય છે અને પ્રભુ તેને આશીર્વાદ આપી કહે છે કે હું તને મારા ગુણો, કીર્તિ, પ્રભાવ અને પરાક્રમો આપું છું અને સૌથી મહત્વનું મારુ શ્રેષ્ઠ નામ “પુરુષોત્તમ” (એટલે કે પુરુષોમાં ઉત્તમ) તને સમર્પિત કરું છું. જેથી આ માસને “પુરુષોત્તમમાસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. એ દૃષ્ટિએ અધિકમાસ ભક્તિનો મહિનો છે.

હિન્દુધર્મગ્રંથો જેવા કે “ધર્મસિંધુ” અને “નિર્ણયસિંધુ” મા અધિકમાસ અંગેના ઘણા નિયમો દર્શાવ્યા છે. જે અતિ વૈજ્ઞાનિક છે. જેમ કે ધ્યાન, યોગ, ભક્તિ, જપ, તપ,દાન, સ્નાન, પૂજા-પાઠ, નામસ્મરણ, ભાગવતકથાશ્રવણ-મનન, અનુષ્ઠાન વગેરે વગેરે. ટૂંકમાં અધિકમાસ એટલે સ્નાન, દાન અને ધ્યાનનો મહિનો. સ્નાન એ શુદ્ધતા અને પવિત્રતાનું સૂચક છે. દાન એ ઉદારતાનું સૂચક છે એટલે કે ત્યાગ અને વહેંચીને ખાવાની ભાવનાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જયારે ધ્યાન એટલે આત્મનિરીક્ષણ એટલે કે પોતાની ક્રિયા અને કર્મો તરફ ધ્યાન આપી યોગ્ય અને અયોગ્યને સમજવું. સંયમ અને નિયમિતતાના સિધ્ધાંત દ્વારા તન, મન અને આત્માની પુષ્ટિ કરવી. આમ અધિકમાસ એટલે સ્નાન, દાન અને ધ્યાન દ્વારા દેહશુદ્ધિ, મનશુદ્ધિ અને ચિત્તશુદ્ધિની વ્યવસ્થા.

અધિકમાસમાં જો આ ત્રણ શુદ્ધિ થાય તો મનુષ્યનું કલ્યાણ થવું સ્વાભાવિક છે. એટલા માટે અધિકમાસમાં આહાર વિહારના ચોક્કસ નિયમો દર્શાવવામા આવ્યા છે. જેમ કે

૧) આહાર-વિહારમાં સંયમ

૨) ચારિત્ર્યનું ઘડતર

3) ત્યાગ, બલિદાન, ઉપવાસ દ્વારા સંપૂર્ણ શુદ્ધિ

૪) નામસ્મરણ, જપમાળા, નિરંતર ઈશ્વરસાનિધ્ય

૫) ધર્મગ્રંથો, પુરાણોનું વાંચન શ્રવણ-મનન (આત્માની ઉન્નતિના કર્યો)

6) ખાસ કરીને અધિક્માસમાં દાનનું વિશેષ મહત્વ છે જેમાં ઘી, અન્ન, વસ્ત્ર, દીપ, ચણાની દાળ, ખારેક, અષ્ટગંધ, કેસર, મોતી, શંખ વગેરેનો મહિમા છે,

7) શું ખાવું અને શું ન ખાવું એ અંગેના નિયમો આરોગ્યની દ્રષ્ટિએ સમજવા જેવા છે. આરોગ્યશાસ્ત્રો અનુસાર અધિકમાસ દરમિયાન ઘઉં-ચોખા, તલ, કેળા, કાકડી, સૂંઠ, સિંધાલુણ, આમળા, વટાણાનુ ભોજન ઉત્તમ માનવામાં આવ્યું છે જ્યારે લસણ, ડુંગળી, મૂળા, ગાજર, મસૂરની દાળ, કોબીજ, ફ્લાવર જેવા પદાર્થોનો ત્યાગ કરવા જણાવ્યું છે. જે સામાન્ય રીતે તમોગુણની વૃદ્ધિ કરે છે.

8) અધિકમાસમાં ચોક્કસ પ્રકારના નિયમો જેમ કે ખોટું ન બોલવું, દેવપૂજન કરવું, આળસ ન કરવી, ચોરી કે અણહકનું ન લેવું વગેરે જેવા નિયમોનુ વ્રત લઈ શકાય, જે ઉત્તમ ફળદાયી છે. ટૂંકમાં બને તેટલો સત્સંગ (તમામ રીતે શુભ કે સારાનો સંગ)કરવો સલાહ ભરેલો છે.
શાસ્ત્રો અનુસાર અધિકમાસમાં ત્રણ પ્રકારના કર્મો જેવા કે નિત્ય કર્મો એટલે રોજિંદા કર્મો, નૈમિત્તિક કર્મો એટલે કોઈ વિશેષ પ્રયોજન વાળા કર્મો તેમજ કામ્ય કર્મો એટલે કે આવશ્યક કર્મો કરી શકાય. અધિકમાસના અધિષ્ઠાતા દેવ વિષ્ણુ હોવાથી આ માસમાં વિષ્ણુમંત્ર કે વિષ્ણુસહસ્ત્ર નામસ્મરણ તેમજ દ્વાદશમંત્ર “ઓમ નમો ભગવતે વાસુદેવાય” ઉત્તમ ફળ આપે છે. આમ પણ ભગવાન વિષ્ણુના દસ અવતાર મનુષ્યસૃષ્ટિને સંદેશ આપે છે કે જીવનમાં સંઘર્ષ ક્યારેય પૂર્ણ નહીં થાય, સમસ્યા તો રહેશે જ, વળી દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે, માત્ર તે શોધવાની આવડત અને કુશળતા જોઈએ. પરંતુ તે માટે પોતાની જાત પર કે ઇશ્વરના નામ પર વિશ્વાસ ભરોસો કે શ્રદ્ધા રાખવી પડે. કેમ કે શ્રદ્ધા જ જીવનને ગતિ અને શક્તિ આપે છે.

ઈશ્વર પરની શ્રદ્ધા એ કોઈ અભણ માણસોનો અંધવિશ્વાસ કે અયોગ્ય બાબત નથી પરંતુ ખૂબ ઊંડી વૈજ્ઞાનિક સમજણ અને જ્ઞાનની સાબિતી છે. કેમ કે ઈશ્વરશ્રદ્ધા એટલે બીજું કઈ નહિ અખૂટ આત્મવિશ્વાસ જેના વગર કોઈ પ્રકારની સફળતા શક્ય જ નથી. પરંતુ તેના માટે નિયમિત પ્રયત્ન એટલે કે તપ અને ભક્તિ અનિવાર્ય છે. સમજણપૂર્વકના અને સાચી દિશાના નિયમિત પ્રયત્નો વગર તો જીવનમાં પૈસો, તંદુરસ્તી, સંબંધો, પદ, પ્રતિષ્ઠા કે જ્ઞાન કશું જ મળવું શક્ય નથી. વળી વર્તમાન જીવન એટલે કલિકાલ (કલિયુગ) કે કોરોનાકાળે એવી વિષમ પરિસ્થિતિ સર્જી છે કે મનુષ્ય સતત અભાવ, અજ્ઞાન અને અશક્તિથી પીડાતો થઈ ગયો છે. માત્ર કોરોનાનું જ ઉદાહરણ લઈએ તો કોરોના વાયરસ અંગેનું અજ્ઞાન, આપણી તેની સામે લડવાની અશક્તિ અને સતત કંઈ ખૂટતું હોવાની લાગણી એટલે કે અભાવ, જેના કારણે જીવનમાં તનાવ, દબાણ, સ્વભાવનું ચીડિયાપણું, સંબંધોમાં કડવાશ વગેરે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને એ તમામમાંથી બહાર નીકળવા માટે શ્રદ્ધા (ભક્તિ) યથાર્થ પ્રયત્નો (જપ-તપ સત્કર્મો) અને દ્રઢ નિશ્ચય અનિવાર્ય છે. જો આપણે ઉત્સાહથી ભરેલા (જે ભક્તિ અને શ્રદ્ધા દ્વારા શક્ય છે) આનંદિત (જે સત્કર્મોથી જ મળી શકે) અને આત્મવિશ્વાસ (જે સાચી સમજણ કે જ્ઞાન દ્વારા શક્ય બને) ધરાવતા નહીં હોઈએ તો કોરોનાકાળમાં મૃત્યુ નક્કી છે અને એ જ રીતે આ ત્રણેય બાબતોનો અભાવ કળિયુગમાં પણ મૃત્યુનો ઘંટ અવશ્ય વગાડશે. જેથી પોતે જ પોતાના ડોક્ટર બનવું પડશે. કેમ કે તમને જો કોઈ બચાવી શકે, તંદુરસ્ત બનાવી શકે, ઉત્સાહસભર જીવન અર્પી શકે તો તે તમે પોતે જ છો.

ભાગવત પુરાણના છઠ્ઠા સ્કંધમાં જણાવ્યું છે કે “જાતે જ પોતાના ડોક્ટર બનો” ભક્તિને ઉપચાર બનાવવાના બધા જ અવસર એટલે આ અધિકમાસ. “પુરુષોત્તમમાસ” નામ પ્રમાણે જ પુરુષને ઉત્તમ બનાવવાની સંભાવનાઓનો મહિનો છે. તમામ સત્કર્મોનું શ્રેષ્ઠ ફળ મેળવવાનો સોનેરી અવસર આ મહિનામાં પ્રવર્તમાન છે. ભક્તિ શા માટે કરવી, તેનો વૈજ્ઞાનિક લાભ કેવી રીતે લેવો, તેની સમજણ પ્રાપ્ત કરવા માટે જ અધિકમાસની વ્યવસ્થા છે. જેમ શિયાળું વસાણું બારેમાસ આરોગ્ય પ્રદાન કરે છે તેમ અધિકમાસની ભક્તિ અને સત્કર્મનું ભાથું જન્મો-જન્મ આરોગ્ય પ્રદાન કરે છે અને કલ્યાણકારી નીવડે છે. કોરોના દ્વારા આપણને એટલું તો સમજાઈ જ ગયું છે કે રોગ કે તકલીફથી વધુ ગભરાવાની જરૂર નથી તેમ વધુ બેદરકાર રહેવું પણ સલાહભરેલું નથી નહીં તો પીડા ભોગવવામાંથી કોઈ આપણને બચાવી શકે તેમ નથી. એ જ રીતે શાસ્ત્રોની આજ્ઞાઓ અંગે વધુ બેદરકાર કે અજ્ઞાનસભર રહેવામાં પણ કલ્યાણ નથી છતાં અતિ ક્રિયાકાંડમાં દટાઈ જવાની પણ જરૂર નથી. ઊંડી વૈજ્ઞાનિક સમજણ સાથે યોગ્ય ઉપચાર (ભક્તિ અને સત્કર્મ) જીવનને અવશ્ય ઉત્તમ બનાવે જ છે એ ભરોસા સાથે અધિકમાસને ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને દૃષ્ટિએ સમજી મહત્તમ લાભ મેળવીએ એ જ અભ્યર્થના. કારણ કે નામ પ્રમાણે આ માસમાં કરેલ આરાધનાનું અધિક ફળ મળે છે એવા શાસ્ત્રના વિધાન પર શંકાને કોઈ સ્થાન નથી.

– શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ