દીકરાનો જવાનો સમય આવ્યો,
અને કોઈ મારી આંખના આસું રોકો.
ચાર મહિના જાણે ઊડી ગયાં,
હવે પાછો કયારે મળશે આ મોકો?
લોકડાઉનએ લાંબો સમય એને ઘરથી દૂર રાખ્યો,
ન ફ્લાઇટ મળે ન ટ્રેન,
કેટલી પણ મોટી રકમ આપો.
છેવટે માંડ માંડ ઘર ભેગો થયો.
આવ્યો, તો ન હાથ મિલાવી શકી,
ન એને ગળે લગાડી શકી.
“હમણાં કાંઈ નહીં મમ્મી,
બસ ઘરે પોહોંચવાની ખુશી.”
ચૌદ દિવસનું ક્વોરૅન્ટાઈન પાળ્યું,
અમે સાંભળી બધી એની વાતું.
દરેક કામ જાતે કરતા શીખી ગયો
અને રસોઈમાં મસ્ત હાથ બેસી ગયો.
“એકલા રહેતાં ઘણું શીખ્યો મા,
તારી ખૂબ કદર થવા લાગી ત્યાં .
સફાઈ રાખવા માટેનાં તારા શબ્દો,
કાનમાં ભણકારા વગાડતી તારી વાતો.”
એક દીકરીની જેમ મારુ બધું કામ માથે લઈ લીધું,
“મા તું ઓનલાઈન સ્કૂલ સંભાળ, રસોઈ હું કરું છું.”
નિતનવીન વાનગી બનાવી અમને ખવડાવતો,
દાઢે સ્વાદ મૂકી ગયાં મારા દીકરાનો નાસ્તો.
હસતો રમતો ખિલખિલાટ રહેતો,
ચારે બાજુ ખુશીની લહેર દોડાવતો.
પણ ઝડપથી પૂરા થયા એના દિવસો,
અને અલવિદા કહેવાનો વખત આવી ગયો.
મારા આસું જોઈ, જતી વખતે ગળે લાગ્યો,
“ચિંતા ના કર માડી, કામ પૂરું થતાં પાછો ફરીશ.
પછી ક્યાંય નહીં જાઉં, તારી પાસે જ રહીશ,
તારી ઈચ્છા પૂરી કરી… પરણી પણ જઈશ.”
ભારે મને દીકરાને જાતા જોયો,
ખૂબ દુઆઓ સાથે એને વિદાય કર્યો.
બસ કેમ પણ કરીને આ સમય નીકળી જાય,
અને મારો દીકરો કાયમ માટે ઘરે આવી જાય.
–શમીમ મર્ચન્ટ