બિહારમાં મુસાફરોના લાભાર્થે નવી રેલ લાઇનો અને વિદ્યુતિકરણ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઐતિહાસિક કોસી રેલ મહાસેતુ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો અને બિહારમાં મુસાફરોના લાભાર્થે નવી રેલવે લાઇનો તેમજ વિદ્યુતિકરણ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, બિહારમાં રેલવે કનેક્ટિવિટીના ક્ષેત્રમાં નવો ઇતિહાસ રચાયો છે. તેમણે કહ્યું હતું કે, કોસી મહાસેતુ અને કીઉલ પુલ, વિદ્યુતિકરણ પરિયોજનાઓ જેવી લગભગ 3000 કરોડ રૂપિયાની કિંમતની પરિયોજનાઓનું ઉદ્ઘાટન, રેલવેમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન અને નવી નોકરીઓનું સર્જન કરી શકે તેવી લગભગ ડઝનબંધ પરિયોજનાઓ આજે શરૂ કરવામાં આવી છે. આ પરિયોજનાઓ માત્ર બિહારના રેલવે નેટવર્કને જ મજબૂત નહીં કરે પરંતુ તેનાથી પશ્ચિમ બંગાળ અને પૂર્વીય ભારત સાથેની રેલવે કનેક્ટિવિટી પણ વધુ મજબૂત થશે.

પ્રધાનમંત્રીએ નવી અને અદ્યતન સુવિધાઓ પ્રાપ્ત થવા બદલ બિહારના લોકોને અભિનંદન પાઠવ્યા હતા જેની મદદથી બિહાર સહિત પૂર્વીય ભારતના રેલવે મુસાફરોને ખૂબ લાભ થશે. તેમણે જણાવ્યું હતું કે, બિહારના સંખ્યાબંધ હિસ્સા, રાજ્યમાંથી પસાર થતી નદીઓના કારણે એકબીજાથી વિખુટા પડેલા છે અને આના કારણે લોકોએ ઘણી લાંબી સફર ખેડવી પડે છે. તેમણે કહ્યું કે, ચાર વર્ષ પહેલાં, પટણા અને મુંગેરમાં બે મહાસેતુના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેથી આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. હવે, આ બંને રેલવે પુલ કાર્યાન્વિત થઇ ગયા હોવાથી, ઉત્તર અને દક્ષિણ બિહાર વચ્ચે મુસાફરી સરળ બની છે અને તેનાથી ખાસ કરીને ઉત્તર બિહારમાં વિકાસને નવો વેગ પ્રાપ્ત થયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સાડા આઠ દાયકા પહેલા આવેલા તીવ્ર ભૂકંપે મિથિલા અને કોસી પ્રદેશને વિખુટા પાડી દીધા હતા અને કોરોના જેવી મહામારીના સમયમાં આ બંને પ્રદેશો ફરી એકબીજા સાથે સંકળાઇ રહ્યાં છે તે એક સંજોગની વાત છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, આજે સુપૌલ- આસનપુર- કુફા રેલવે રૂટ સ્થળાંતરિત શ્રમિકોના સખત પરિશ્રમના કારણે દેશને સમર્પિત થઇ શક્યો છે અને તે શ્રમિકો પુલના બાંધકામમાં પણ સંકળાયેલા હતા. તેમણે કહ્યું હતું કે, જ્યારે 2003માં શ્રી અટલ બિહારી વાજપેયી ભારતના પ્રધાનમંત્રી હતા અને શ્રી નીતિશ કુમાર રેલવે મંત્રી હતા ત્યારે મિથિલા અને કોસી પ્રદેશના લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે નવી કોસી રેલવે લાઇનની પરિકલ્પના કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પરિયોજનાને વર્તમાન સરકારના સમયગાળા દરમિયાન ખૂબ જ ગતિ પ્રાપ્ત થઇ અને અદ્યતન ટેકનલોજીનો ઉપયોગ કરીને સુપૌલ- આસનપુર- કુફા રૂટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે સુપૌલ- આસનપુર વચ્ચે વાયા કોસી મહાસેતુ થઇને નવી રેલવે સેવાનો પ્રારંભ કરવાથી સુપૌલ, અરરિયા અને સહરસા જિલ્લાના લોકોને ખૂબ જ મોટો ફાયદો થશે. આનાથી પૂર્વોત્તરના પ્રદેશના લોકો માટે પણ એક વૈકલ્પિક રેલવે રૂટ તૈયાર થશે. તેમણે કહ્યું હતું કે, આ મહાસેતુની મદદથી 300 કિમીની સફર ઘટીને માત્ર 22 કિમીની થઇ જશે અને તેનાથી આ સમગ્ર પ્રદેશમાં વ્યવસાય તેમજ રોજગારીને ઘણું સારું પ્રોત્સાહન મળશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આનાથી બિહારના લોકોના સમય અને પૈસા બંનેની બચત થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કીઉલ નદી પર કોસી મહાસેતુ જેવા નવા રેલવે રૂટ પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સુવિધા સાથે ટ્રેનો તેના આખા રૂટ પર 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોડી શકશે. તેમણે ઉમેર્યું હતું કે, ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગથી હાવડા- દિલ્હીથી આવતી મુખ્ય લાઇનો પર ટ્રેનોનું આવનજાવન વધુ સરળ બનશે અને તેનાથી બિનજરૂરી વિલંબમાંથી રાહત મળશે તેમજ મુસાફરી વધુ સલામત બનશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં, ભારતીય રેલવેને નવા ભારતની મહત્વાકાંક્ષા અનુસાર તબદિલ કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે અને ‘આત્મનિર્ભર ભારત’ની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતીય રેલવેમાં બ્રોડ ગેજ લાઇનો પરથી માનવરહિત ક્રોસિંગ નાબૂદ કરીને અગાઉ ક્યારેય નહોતી એટલી સલામત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ભારતીય રેલવેની ઝડપ વધારવામાં આવી છે. વંદે ભારત જેવી મેડ ઇન ઇન્ડિયા ટ્રેનો આત્મનિર્ભરતા અને આધુનિકતાનું પ્રતિક છે અને તે રેલવે નેટવર્કનો હિસ્સો બની રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રેલવેમાં આધુનિકીકરણના પ્રયાસોના કારણે બિહારને ખૂબ જ મોટા લાભો મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે, મધેપુરામાં ઇલેક્ટ્રિક લોકો ફેક્ટરી અને મરહૌરામાં ડીઝલ લોકો ફેક્ટરી ઉભી કરવામાં આવી છે. આ બંને પરિયોજનાઓમાં લગભગ રૂપિયા 44000 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, બિહારના લોકો માટે ગૌરવની વાત છે કે, ભારતના સૌથી શક્તિશાળી ઇલેક્ટ્રિક લોકોમોટિવ – 12000 હોર્સ પાવરના લોકોમોટિવનું નિર્માણ બિહારમાં થઇ રહ્યું છે. બિહારનો પ્રથમ લોકો શેડ પણ કાર્યાન્વિત થઇ ગયો છે જ્યાં ઇલેક્ટ્રિક લોકોમોટિવના મેન્ટેનન્સનું કામ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે બિહારમાં લગભગ 90% રેલવે નેટવર્ક વીજળીથી સંચાલિત છે. તેમણે ઉમેર્યું હતું કે, બિહારમાં છેલ્લા 6 વર્ષના સમયગાળા દરમિયાન, 3000થી વધારે કિલોમીટરની રેલવેના વિદ્યુતિકરણનું કામ પૂરું કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, બિહારમાં 2014 પહેલાંના 5 વર્ષમાં અંદાજે 325 કિમી નવી રેલવે લાઇનો નાંખવામાં આવી હતી જ્યારે 2014 પછીના પાંચ વર્ષમાં બિહારમાં લગભગ 700 કિમી નવી રેલવે લાઇનો નાંખવામાં આવી છે જે અગાઉ આવરી લેવામાં આવેલા અંતર કરતા લગભગ બમણું અંતર છે. તેમણે ઉમેર્યું હતું કે, વધુ 1000 કિમી નવી રેલવે લાઇનો નાખવા માટે નિર્માણ કાર્ય હાલમાં ચાલી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હાજીપુર – ઘોશ્વર – વૈશાલી રેલવે લાઇનનો પ્રારંભ કરવાથી દિલ્હી અને પટણા હવે સીધી જ રેલવે લાઇનથી જોડાઇ જશે. આ સેવાથી વૈશાલીમાં પર્યટનને ખૂબ જ મોટો વેગ મળશે અને નવી નોકરીઓનું સર્જન પણ થશે. તેમણે કહ્યું હતું કે, સમર્પિત કોરિડોર્સ પર હાલમાં કામ ઘણી ઝડપથી ચાલી રહ્યું છે અને બિહારમાં લગભગ 250 કિમી લંબાઇનો કોરિડોર આવે છે. આ પરિયોજના પૂર્ણ થયા પછી, મુસાફર ટ્રેનોમાં થતો વિલંબ ઘટી જશે અને માલવાહન ટ્રેનોના આવનજાવનમાં પણ ઘણો મોટો ઘટાડો આવશે.

પ્રધાનમંત્રીએ કોરોના મહામારીના સંકટ સમયમાં પણ રેલવેના કર્મચારીઓએ અથાક કામગીરી કરી તે બદલ તેમની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રેલવેએ સ્થળાંતરિત શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં મોખરાની ભૂમિકા નિભાવી છે અને શ્રમિક વિશેષ ટ્રેનો દ્વારા તેમને પરત લાવવામાં પણ પ્રશંસનીય કામગીરી કરી છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાના સમય દરમિયાન દેશની પ્રથમ કિસાન રેલનો પ્રારંભ બિહાર અને મહારાષ્ટ્ર વચ્ચે કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ બિહારમાં જૂજ મેડિકલ કોલેજો હતી. આના કારણે બિહારમાં દર્દીઓને અત્યંત અસુવિધાઓનો સામનો કરવો પડતો હતો. બિહારમાં હોંશિયાર યુવાવર્ગ હોવા છતાં, મેડિકલના અભ્યાસ માટે તેમને અન્ય રાજ્યોમાં જવું પડતું હતું. આજે બિહારમાં, 15થી વધારે મેડિકલ કોલેજો છે જેમાંથી ઘણી કોલેજનું નિર્માણ તો છેલ્લા પાંચ વર્ષમાં જ થયું છે. થોડા દિવસ પહેલાં જ બિહારના દરભંગામાં નવી એઇમ્સનો પ્રારંભ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે અને તેનાથી પણ હજારો નવી નોકરીઓનું સર્જન થશે.

કૃષિ સુધારા વિધેયક

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગઇકાલનો દિવસ દેશમાં કૃષિ સુધારાના ક્ષેત્રમાં ઐતિહાસિક દિવસ રહ્યો. કૃષિ સુધારા વિધેયકને સંસદમાં પસાર કરવામાં આવ્યું છે જેથી આપણા ખેડૂતોને સંખ્યાબંધ પ્રતિબંધોમાંથી મુક્તિ મળશે. તેમણે સમગ્ર દેશના ખેડૂતોને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે, આ સુધારાથી ખેડૂતોને તેમની ઉપજો વેચવા માટે વધુ વિકલ્પો પ્રાપ્ત થઇ શકશે. તેમણે ઉમેર્યું હતું કે, આ સુધારાથી ખેડૂતોને વચેટિયાઓ સામે સુરક્ષા મળશે કારણ કે આ વચેટિયાઓ જ ખેડૂતોની કમાણીનો મોટો હિસ્સો લઇ લેતા હતા.

કૃષિ સુધારા વિધેયક અંગે ખેડૂતોમાં ખોટી ભ્રમણાઓ ફેલાવી રહેલા વિપક્ષોની આકરી ટીકા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ દેશ પર દાયકાઓ સુધી શાસન ભોગવનારા કેટલાક લોકો આ મુદ્દે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, APMC અધિનિયમમાં કૃષિ બજારની જોગવાઇઓમાં ફેરફારો કરવાનું વચન વિપક્ષોએ તેમના ચૂંટણી ઢંઢેરામાં જ આપ્યું હતું અને હવે તેઓ જ આ સુધારાઓનો વિરોધ કરી રહ્યાં છે. સરકાર દ્વારા ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવનો લાભ આપવામાં આવશે નહીં તેવા ખોટા અપપ્રચારને તેમણે સંપૂર્ણ નકારી કાઢતા જણાવ્યું હતું કે, સરકાર લઘુતમ ટેકાના ભાવ દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવો આપવા માટે કટિબદ્ધ છે અને સરકારની ખરીદીની પ્રક્રિયા અગાઉની જેમ જ એકધારી ચાલતી રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, નવી જોગવાઇઓ અમલમાં આવવાથી, ખેડૂતો તેમનો પાક લણ્યા પછી સમગ્ર દેશમાં કોઇપણ બજારમાં પોતાની ઇચ્છા હોય તેવી કિંમતે વેચી શકશે. તેમણે જણાવ્યું હતું કે, APMC અધિનિયમના કારણે થતા નુકસાન અંગે જાણ થયા પછી બિહારના મુખ્યમંત્રીએ બિહારમાંથી આ કાયદાને નાબૂદ કરી દીધો છે. ખેડૂતોના જીવનમાં સુધારો લાવવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કેટલીક પહેલ જેમ કે, પ્રધાનમંત્રી કિસાન કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, નીમ કોટેડ યુરિયા, દેશમાં ખૂબ જ મોટાપાયે નિર્માણ પામી રહેલા કોલ્ડ સ્ટોરેજનું નેટવર્ક, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે થઇ રહેલું રોકાણ અને કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળની રચના વગેરેનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર સતત કામ કરી રહી છે. પશુધનને બીમારીઓ સામે સુરક્ષા પૂરી પાડવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. દેશના ખેડૂતોને સ્પષ્ટ સંદેશો આપતા પ્રધાનમંત્રીએ તેમને અનુરોધ કર્યો હતો કે, તેમને ગેરમાર્ગે દોરી રહેલા તત્વો સામે તેઓ સતત સતર્ક રહે. તેમણે ઉમેર્યું હતું કે, આવા લોકો ખેડૂતોને બચાવવા માટે પ્રયાસ કરતા હોવાનો દંભ કરી રહ્યાં છે પરંતુ વાસ્તવમાં તેઓ ખેડૂતોને સંખ્યાબંધ બંધનોમાં જકડાયેલા રાખવા માંગે છે. તેઓ વચેટિયાઓને સમર્થન આપી રહ્યાં છે અને ખેડૂતોની કમાણી લૂંટી રહેલા લૂંટારાઓને સમર્થન આપી રહ્યાં છે. આ સુધારા એ દેશની જરૂરિયાત છે અને સમયની માંગ છે.