બહુ અઘરું છે ઘર બદલવું.. જૂનું છોડીને બીજે નવે સ્થળે જવું. તમે રહેતાં હો તે ઘર છે.
તમે છેડીને જાવ ત્યારે તે મકાન છે. તમે જાહેરાત આપો છો ત્યારે એમ નથી લખતા કે ઘર વેચવાનું છે, તમે જાહેરાત આપો છો ; મકાન વેચવાનું છે. કોઇ મકાન ખરીદવા આવે છે. એ ઓરડે ઓરડે ફરે છે તે તમને ગમતું નથી. કોઇ તમારા ઘરને આમ ચકાસે, તપાસે, સવાલ કરે તે તમને પસંદ તો નથી આવતું. જેમ કોઇ જોવા આવનાર કન્યાને જોવા આવે છે પણ એ તમારે માટે દીકરી છે.તમે યાદ રાખો કે એ તમારું ઘર નહીં મકાન જોવા આવ્યા છે. એ ખરીદશે તો તમારું મકાન , તમારું ઘર તો જ્યાં તમે જશો ત્યાં સાથે જશે. મકાન પાછળ રહે છે ઘર સાથે રહે છે.
પરદેશમાં મકાન વેચવાની વિધિ છે. મકાન જોવા આવનારને રાજી કરવાના આયોજન થાય છે. એજન્ટ મકાનને સજાવે છે. ફૂલો ગોઠવે છે, પુસ્તકો ગોઠવે છે, એક વાઇન બોટલ પણ …સુગંધિત કરે છે સઘળું. મકાન ઘર હતું એટલે એમાં ભોજનની, પાળેલા પ્રાણીની , તમારા શરીરની ગંધ હોય છે. એ બધી દૂર કરાય છે. કબાટમાં રહેલા કપડાની ગંધ પણ કોઇને ન ગમે એમ બને. ગુજરાતી અથાણાની સુગંધ નાક ચડાવે એમ પણ બને ! એજન્ટ ઓરડે ઓરડે ફરીને આપણી ગંધ દૂર કરે છે- બાથરુમથી માંડીને રસોડાની , કબાટથી માંડીને પૂજાઘરની..
આપણા આંસુ, આપણા સ્મિત , આપણાં ડૂમા , ડૂસકાં ને ગીત.. એજન્ટ એની કરામતથી હળવે હાથે ભૂંસે છે આપણી ઓળખ સમી આપણી ગંધ.. આપણા હોવાની ગંધ. એ પછી જ વેચાય છે આપણું મકાન ને આપણી સાથે બીજે વસવા તૈયારથાય છે આપણું ઘર.
( અહીં એક દીકરીના મકાનને વેચવાની પ્રક્રિયાના સાક્ષી બન્યા પછી …)
– તુષાર શુક્લ