કોરોના જાગૃતિનો સંદેશ, સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવા રાજ્યમાં વર્તમાનમાં 5 કોવિડ વિજય રથ ભ્રમણ કરી રહ્યા છે અને લોકોને કોરોના જાગૃતિ સંદેશની સાથે પોષણ વિશે અને સરકારની વિવિધ પહેલ વિશે જાણકારી આપી રહ્યા છે.
આજે પાટણ જિલ્લાની પંચાયત ઓફીસ ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી IAS શ્રી ડી.કે.પારેખે કોવિડ વિજય રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય આરોગ્ય અધિકારી ડો.અલ્પેશ સાલ્વી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.જી.આર.પરમાર તેમજ જાણીતા પત્રકાર શ્રી જીગ્નેશ નાયક તથા અગ્રણી અધિકારીઓ તેમજ કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન રથ પાટણ શહેરના બગવાડા દરવાજા, અનાવાડા દરવાજા, રાણી ની વાવ, છીન્ડિયા દરવાજા, લીલીવાડી વિસ્તાર વગેરે જગ્યાએ ભ્રમણ કરી આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું તથા માસ્કનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.
કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકામાં ટીડીઓ શ્રી રમેશ ભાઈ વ્યાસ, ટીએચઓ શ્રી દિનેશભાઈ સુતરીયા અને રૂપાલીબેન વાગડીયાએ કોવિડ વિજય રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રથ પર સવાર કલાકારોએ પોતાની કળા દ્વારા યોગ્ય પોષણ વિશે અને કોરોનાના લક્ષણો અંગે શું સાવચેતી રાખવી તે વિશે સ્થાનિકોને જાણકારી આપી હતી. તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું તથા માસ્કનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. આજે વિજય રથે ગાંધીધામ, અજાપુર, ભીમાસર, ચીરાઈ, ભચાવ વગેરે ગામે ભ્રમણ કર્યું હતું.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં સમગ્ર દિવસ દરમિયાન રથે 60 કિલોમીટર ભ્રમણ કર્યું હતું. સવારે 10 વાગે રબારીકા ગામના આંગણવાડી કાર્યકર શ્રીમતી બીજલબેન પટેલે રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આજે વિરપુર ગામ, પીઠડીયા ગામ વગેરે સ્થળોએ ભ્રમણ કરી રથ પર સવાર કલાકારોએ સ્થાનિક લોકોમાં પોષણ એટલે શું? પોષણનું મહત્વ તેમજ કોરોના જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. આજે રથ સાંજે 4 વાગે ગોંડલ મુકામે પહોંચ્યો હતો અને આવતીકાલે સવારે 10 વાગે ત્યાંથી પ્રસ્થાન કરશે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં લીમડીયા ગામના ગામના સંરપચ શ્રી કાંતિભાઈ સોમાભાઇ પટેલે લીલી ઝંડી બતાવી વિજય રથનું પ્રસ્થન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન 40 કિલોમીટર ફરી રથ પર સવાર કલાકારોએ વાંકા ગામ, છાપરી ગામ, વેડવલલી ગામ, વગેરે ગામના લોકોમાં કોરોના જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો. આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.
આજે સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં રથે શહેરી વિસ્તાર ઉપરાંત ઉમરપાડા તાલુકાના કેવડી, ઉમરખાડી, ઉમરઝર ગામ, સાદડાપાણી ગામે ભ્રમણ કરી માસ્ક તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત કોરોના વિનરનું સન્માન પણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ પોતાની કળા દ્વારા લોકો સુધી કોરોના જાગૃતિ સંદેશ તેમજ પોષણની યોગ્ય જાણકારી પહોંચાડી હતી.
આ 5 રથે સાંજે 4 વાગે જે સ્થાને રોકાણ કર્યું હતું, ત્યાંથી આવતીકાલ સવારે પ્રસ્થાન કરશે અને દૈનિક 60 કિલોમીટરની યાત્રા કરી અવિરત કોરોના જાગૃતિ સંદેશ જેમ કે માસ્ક કેમ પહેરવું જરૂરી છે, વારંવાર હાથ ધોવા, સામાજિક અંતર જાળવવું વગેરે સાથે જ સરકારની વિવિધ પહેલ તેમજ મહિલાઓ અને બાળકોમાં યોગ્ય પોષણના મહત્વ વિશે નાગરિકોને માહિતગાર કરશે. કોવિડ વિજય રથ અદમ્ય ઉત્સાહ સાથે અગ્રેસર છે. આવતીકાલે પણ તમામ નિયમોના પાલન સાથે આગળ કૂચ ચાલુ રાખશે.