જીવલી અને મનુડો એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા, ગામને ગોંદરે, ખેતરે, નદીએ કે મેળામાં અવારનવાર મુલાકાત થતી, બાકી ચિઠ્ઠીથી એકબીજાના સંપર્કમાં રહેતા, એવામાં જીવલીનું બાજુના ગામના કુંવરશેઠના દીકરા રામલાનું માંગુ આવે છે, ઘરપરિવાર પાંચ ગામમાં પુછાતો તેથી જીવલીના બાપુએ માંગુ સ્વીકારીને ગોળ ધાણા ખાઈ લીધા અને રૂપિયો નારિયેળ પણ સ્વીકારી લીધું.
જીવલી એકની એક જ બેન હતી, ના કોઈ બીજો ભાઈ કે ના કોઈ બેન, તેથી બાપુના આગ્રહથી જીવલીએ પણ માંગુ સ્વીકારી લીધું, જીવલીને પણ એમ કે રામલા સાથે માત્ર જિંદગી કાઢશે પણ પ્રેમ તો મનુડાને જ કરશે એવો દિલાસો જીવલી મનુડાને આપે છે. જાડેરી જાન લઈને કુંવરશેઠ દીકરા રામલાને જીવલી સાથે પરણાવવા ગામને ગોંદરે આવે છે, જીવલી પણ રૂપરૂપનો અંબાર લાગતી હતી આખરે બંનેના વિધિવિધાનથી લગ્ન સંપૂર્ણ થાય છે. જીવલી પરણીને બાજુને ગામ જાય છે, ઘરેથી કોઈને કોઈ બહાને બહર નીકળી મનુડાને મળતી રહે છે, રામલાએ જીવલીને સુખ સગવડતા આપવામાં કોઈ ખામી નહોતી રાખી, તમામ છૂટ આપેલી.
લગ્નના બે વર્ષ બાદ જીવલીના ગર્ભમાં નાનકડા જીવનું આગમન થાય છે, એ નાનકડા જીવ પ્રત્યે ઘરપરિવાર સૌને ખૂબ જ સહાનુભૂતિ હતી, જીવલી વિચારે છે કે રામલાએ પોતાના પર કેટલો વિશ્વાસ મુક્યો છે પણ પોતે શુ કરી રહી છે?, પોતે રામલાને પોતાના પરિવારને અને ખુદ પોતાને પણ દગો આપી રહી છે, પોતે એકની એક બેન હોવાથી બાપુએ પણ ઘણી લાડકી રાખી હતી, બા કોઈ વાતે ટોકતા તો બાપુ કહેતા મારે તો દિકરોયે મારી જીવલી’ને મારી દિકરીયે મારી જીવલી.
જીવલી ઘણું મનોમંથન કરે છે, અને આખરે નક્કી કરે છે કે હું સૌએ મારા પર મુકેલા વિશ્વાસ પર ખરી ઉતરીશ, રામલાને એક પત્ની તરીકે તમામ સુખ આપીશ, આ ઘરની ઉત્તમ વહુ બનીશ, પોતાના આવનાર નવા જીવને જ જીવન ગણીશ, અને મનુડાને એક ચીઠ્ઠી લખે છે, જેમાં લખે છે કે, “મનુડા હવે હું માં બનવા જઈ રહી છું, હવે પછીથી કદી આપણી મુલાકાત નહીં થાય”.
જીવલી કદાચ આજ સુધી અણસમજ હતી, પોતાની ફરજ, પોતાની જવાબદારી કદાચ આ ઉંમરે સમજી શકી, પરંતુ જીવલીએ સૌને અંધારામાં રાખેલા એનાથી ભારોભાર પસ્તાણી, અને મનોમન ભગવાનની માફી માંગી, અને રામલા અને આવનારા બાળક સાથે તેનું સંપૂર્ણ સુરક્ષિત જીવનની કામના કરી, એમ કહીએ તો પણ ખોટું નથી કે એક અણસમજ બાળકે જીવલીને સમજુ બનાવી…..A+
– અંકિતા મુલાણી “રિચ થિંકર”