એની “ના” હતી

દરેક સાંજ જેમ પંખીઓને માળો યાદ અપાવે, એમ રાહી પણ રોજ સાંજે એ બાકડે જઈને બેસી જાય. રોજ બગીચે હિચકતા બાળકોને જોઈને સમીરની રાહ જોતી હોય. દર વખતની જેમ રોજ સમીર મોડો જે પડે અને માફી ના બે શબ્દો કહે, “સોરી, મોડું થઈ ગયું, મારે નીકળતા જ કામ આવ્યું.”
આજે તો રાહી એ બોલી જ દીધું,”મને ગુસ્સો નથી આવતો તું કેટલો પણ મોડો આવે, ક્યારેક વિચારું કે જો તું આવે જ નહિ તો??”
સમીર એને મનાવતો બોલ્યો ,” એવું ક્યાં વિચારે છે? તું જ્યાં હોય ત્યાં હું ના પહોંચું એ શક્ય નથી.”

વિરહને જો વાચા હોત,
તો પ્રેમની આંખો રડી હોત.”

આવી જ નાનકડી રકઝકને યાદ કરતો સમીર એના પેન્ટ હાઉસની અગાસીમાં હીંચકે ઝૂલતો હતો. અને મીરા પણ દરેક સાંજની જેમ કોફી લઈને ત્યાં પહોંચી ગઈ હતી. બધાને લાગતું સમીર અને મીરા થોડા સમયમાં લગ્ન કરી જ લેશે, અને આ વાત ને ૨  વર્ષ થઈ ગયા હતા. કદાચ એવો થોડો સમય નહિ મળ્યો હોય, કે લગ્ન સુધી વાત પહોંચે.
સમીર કિસ્સાઓ વાગોળતો બોલ્યો, “તને ખબર છે, કોઈના શબ્દો એવા છપાય જાય કે યાદો પાછળ રહી જાય ને અવાજ ગુંજયા કરે.”
મીરા મલકાતી બોલી, “તને કોની યાદોની ગુંજ સંભળાય છે? હું તો સામે જ છું.”
સમીર વાત ફેરવતા બોલ્યો,”કોઈ ઊંડા ઘાને ખોતરવા ન જોઈએ.”
મીરા સમજી ગઈ કે સમીરના મન માં કઈક ચાલે છે પણ એને ખુલ્લું પાડવું નથી.
મીરા જતા જતા બોલી,”સારું, હું હવે ઘરે જવા નીકળું છું. કાલે ઑફિસ વહેલો આવજે, પેલા ક્લાઈન્ટ ફરી બગડશે નાહકના.”

આ સાંજ  સમીર માટે બેચેની લાવી છે. રાહીને જોયા તો શું, વાત કર્યા ને ૬ વર્ષ થઈ ગયા હતા છતાં એના ભણકારા વાગે છે. સમીરે ઘણીવાર રાહીને શોધવાનું વિચાર્યું હતું, પણ દરેક વખતે બસ મનમાં “ના” નો જવાબ મળતો હતો. આવી બેચેની ને દૂર કરવા એને એ જ બગીચામાં જવાની આદત હતી. સમીરને લાગતું કે રાહી વગર હવે એ રહી નહિ શકે. અચાનક આવા વાદળોનું આવવું અને સમીરને જૂના વંટોળ માં નાખી દેવો એ કઈ સામાન્ય વાત તો નહોતી જણાતી. સમીર ભાગતો ભાગતો જાણે રાહીને મળવામાં મોડો પડ્યો હોય એમ જૂના બાંકડે પહોંચે છે.

પ્રયાસો તું નબળા કેમ કરે,
જો તે પ્રેમને ઘોળીને પીધો છે!”

સમીરને બગીચો ઘણો શાંત લાગે છે, કારણકે નથી કોઈના હોવાનો અહેસાસ થતો, નથી ભીડમાં કોઈ જાણીતો ચહેરો દેખાતો. એ આંખ બંધ કરીને મન શાંત કરવાની કોશિશ કરે છે. આમ તો બગીચામાં આજુબાજુ આજે વૃદ્ધો વધારે દેખાય છે. આ દૃશ્ય પાછું સમીરને રાહીની યાદ માં લઇ જાય છે. રાહીને હંમેશા ઘરડા લોકો પ્રત્યે લગાવ હતો.
એ હંમેશા કહેતી,”જો મારું ચાલે ને, તો બધા ઘરડા લોકો નું સંગઠન બનાવીને એમની સાથે જ રહું. નહિ કોઈને કોઈ ઘરડા મા-બાપ નડે, નહિ કોઈ મા બાપને દીકરા ની આશા રહે.”
“તારે કોઈ સળગતું ભૂતકાળ લાગે છે.”
“હા, કોઈ ઊંડા ઘા ને ખોતરવા ન જોઈએ.”

આશા એવી જ રહે કે  એ જલ્દી મળે,
પણ સામે આવશે તો હિસાબ કેમ મેળવીશ”

સમીરએ પળભરમાં આંખ ઉઘાડીને આજુબાજુ નજર કરી, ક્યાંક રાહી ન દેખાય જાય. પણ એવા તો કોઈ ચમત્કાર થયા નથી સમીર સાથે ક્યારેય! છતાં બેચેની ને ગુમ કરવા બગીચાની ફરતે એક આંટો મારવો યોગ્ય લાગ્યો.
“લાગે છે કોઈ વૃદ્ધાશ્રમએ પ્રવાસ કર્યો હશે, બાકી આટલી ભીડ અહીંયા નથી હોતી.” સમીર ગણગણ્યો. રાહીની તલાશ એટલી વધી ગઈ હતી કે બધે એ જ દેખાય. ચારેકોર ફરી વળ્યો, એના જેવી ઘણી દેખાઈ, પણ એ નહિ!

પાછળ થી હસવાનો અવાજ આવતો હતો જે નક્કી એનો જ હતો.
એ જ દિશામાં સમીર આગળ વધ્યો, તો એને જડી ગઈ રાહી. બિલકુલ એવી જ, વાંકડિયા વાળ, સફેદ કુર્તી, શાંત નીલા સાગર જેવા રંગ નો દુપ્પટ્ટો અને નાનકડી બિંદી! સમીર તો ધસમસતા પૂરને રોકીને બેઠો હોય એમ ત્યાં જ ઊભો રહી ગયો. નસીબજોગે રાહી સામેથી જ આવીને બોલી, ” સમીર, મને ખબર નહોતી તું અહીંયા આવતો હોઈશ, નહિ તો હું ના આવત.”
સમીર થી માંડ એક વાક્ય બોલાયું,”તો તું ગઈ જ શા માટે?”
રાહી પોતાનું નક્કી કરેલું વાક્ય બોલી ગઈ,”એવા માવતર માટે જેને લોકો સાચવી નથી શકતા.”
સમીરે ધ્યાન થી સવાલ કર્યો,”મને કહ્યું હતું, હું પણ આમ જ તારી સાથે રહેત.”
“કેમ સમીર, મારી તો પેહલે થી જ ના હતી. તારા રસ્તા અલગ હતા ને? તું પૈસા પાછળ ભાગ્યો અને મળી ગઈ જાહોજલાલી, હું માવતર પાછળ ભાગી ને મળી ગઈ મને આઝાદી!”
રાહીનું ગળું સુકાઈ ગયું,”પ્રેમમાં ભેગુ રહેવું અને પ્રેમથી ભેગુ રહેવું એમાં ઘણો ફેર છે સમીર, દરેક વસ્તુ જે હું કરું એ તારે કરવી એ પ્રેમ નથી, મારો  અને તારો ધ્યેય ભલે અલગ રહ્યો, અલગ રસ્તે પણ સાથે ચાલી શકત, બસ એટલે જ મારી “ના” હતી.”

“લાગે છે કોઈ ઊંડા ઘા ખોતરી ગયું,
નક્કી હૃદય ની નજીક નું હશે.”

– વેદિકા શાહ