માધવ આજે ખૂબ ખુશ હતો, આજે તૃષ્ણાના જન્મદિવસ પર તે શુભેચ્છા સાથે બંનેની મૈત્રીને એક નવુ રૂપ આપવાની અદમ્ય ઈચ્છાથી મેરેજ માટે પ્રપોઝ કરવાનો હતો, પ્રપોઝલ નામંજુર થવાનો કોઈ ચાન્સ ન હતો.
માધવ પોતાના ભવિષ્યના સોનેરી સ્વપ્ન ગૂંથતો હતો ત્યાં જ એક ખૂબસુરત અપ્સરાને પણ શરમાવે તેવા શ્રૃંગાર સાથે તૃષ્ણા આવી, આજે તૃષ્ણા ખૂબ ખુશ લાગતી હતી એટલે માધવને થયું કે જાણે આજે એને અપ્સરા સાથે સ્વર્ગ પણ મળી જશે.
માધવે બર્થ ડે વિશ કર્યુ એટલે તરત તૃષ્ણા બોલી “મારી પાસે તારા માટે સરપ્રાઈઝ છે,” માધવ આ સાંભળીને પોતાની ખુશી છુપાવવા પાણીનો ગ્લાસમાં લીધો ત્યાં જ તૃષ્ણા એ કહ્યું કે ,”આજે જ મારા પ્રિન્સ ચાર્મિંગ રાઘવ સાથે મારી સગાઈ નકકી કરી છે.”
ત્યાં જ કંઈક તૂટવાનો અવાજ આવ્યો, તૃષ્ણા એ માધવ સામે નજર કરી તો કાચનાં જખમથી માધવનો હાથ લોહીલુહાણ હતો. માધવનો હાથ પોતાના હાથમાં લેતાં તૃષ્ણા બોલી ,” ખૂબ ઊંડો જખમ છે. માધવથી બોલાઈ ગયું, “હા, ખૂબ ઊંડો છે. ” અને આંખમાં બાજેલી ઝાકળને છુપાવી દીધી. ©જાગૃતિ કૈલા