ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધીના સોળ દિવસ પિતૃ ઋણ અદા કરવા માટે ફાળવવામાં આવ્યા છે. પિતૃતર્પણ ના આ સોળ દિવસ ને ‘મહાલય’ કે ‘શ્રાધ્ધ પક્ષ ‘તરીકે ઓળખવામાં આવે છે. શ્રાદ્ધ એટલે શું? “શ્રદ્ધાયાદેયમ”- શ્રદ્ધાપૂર્વક આપવું.(સૂક્તય:) આમ, જે શ્રદ્ધાપૂર્વક આપવામાં આવે છે તેનું નામ શ્રાદ્ધ.
શાસ્ત્ર અનુસાર મનુષ્ય જન્મ દુર્લભ છે. અને આ મનુષ્ય ઉપર આપણા પૂર્વજો, આપણા ઋષિ-મુનિઓ અને દેવતાઓ નું ઋણ છે. તેથી આપણે ઋષિ પરંપરાનું અનુસરણ કરવું જોઈએ. પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એ પણ આ વિચારધારા આપી છે.
“અમે ઋષિઓના બાળ
કરી સંધ્યા ત્રિકાળ,
એના પગલે પગલે પગપાળા ફર્યા
એ નીરખી યોગેશ્વર ના નયનો ઠર્યા.” (ભાવગીત)
આપણા ઋષિઓ અને પૂર્વજોની પરંપરાને અનુસરીએ તો તેમને સાચું શ્રાદ્ધ અર્પણ કર્યું કહેવાય.
આપણા વડીલો જેમ કે માતા-પિતા,સાસુ-સસરા, દાદા-દાદી, નાના-નાની તેમજ અન્ય વડીલો એ પણ આપણા સુખ માટે પોતાની ઘણી જ ઈચ્છાઓનો ત્યાગ કર્યો હોય છે. આ વાત આપણે જાણતા હોતા નથી. આપણા સુખ-સગવડ અને આપણી ઈચ્છાઓ ને પૂરી કરવા માટે તેમણે જીવનમાં પોતાની ઘણી ઈચ્છાઓનો ત્યાગ કર્યો હોય છે. તેથી તેમનું પણ આપણે શ્રદ્ધા પૂર્વક કરવું એ આપણી ફરજ બની જાય છે.
આપણા વડીલોના આવા ત્યાગ અને બલિદાનને કારણે આપણે તેમના ઋણી છીએ. અને આ કારણથી જ વર્ષમાં ઓછામાં ઓછું એકવાર તેમની પાછળ તર્પણ વિધિ કરીને શ્રદ્ધાપૂર્વક તેમનું શ્રાદ્ધ કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. વ્યક્તિના મૃત્યુ પછીના ત્રણ વર્ષ બાદ તેમને શ્રાદ્ધ માં ભેરવવામાં આવે છે. અને શ્રાદ્ધ પક્ષમાં તેમનું જે તિથિએ એ મૃત્યુ થયું હોય તે તિથિએ શાસ્ત્રાનુસાર શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે.
આ શ્રાદ્ધકર્મ નું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે વર્ષ માં એક દિવસ શ્રાદ્ધ કરવાથી, પિતૃઓ સંતુષ્ટ થઈને આશીર્વાદ આપે છે, અને સુખ-શાંતિ તથા આરોગ્ય આપે છે. શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણને તેમજ બહેન દીકરીઓ ને પોતાના ઘરે આમંત્રણ આપીને તેમને જમાડીને યથાશક્તિ દાન-દક્ષિણા આપવાનો રિવાજ છે. તેમજ કાગવાસ, ગાયને ગૌગરાસ અને પીપળે પાણી રેડવાનો પણ એવાજ છે.
જોકે, અહીં એ પણ માનવું પડશે કે માત્ર દૂધપાક પુરી કે ખીર-પૂરી ના જમણ થી નહીં, પણ તેમણે આપેલા સંસ્કારો અને તેમની પરંપરાઓનું પાલન કરવાથી જ તેમનું સાચું શ્રાદ્ધ કર્યું ગણાશે. આજે પૂર્ણ થતા આ શ્રદ્ધા પક્ષમાં આપણે આપણા વડીલો નું શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરીએ. પિતૃઓ પાસે ભૂલ ચૂકની માફી માંગીને એમના આશીર્વાદ મેળવીએ. અને આવતીકાલથી શરૂ થતા પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુની આરાધના માટે સજ્જ બનીએ.
અસ્તુ
– હર્ષા ઠક્કર