મારી બૈરી સ્નેહા અત્યંત ચીવટવાળી. ચીવટ અને સાફસફાઈ પસંદ. એમ જોતા એની આ ટેવ અમને બધાને ગમે. અને ઘણીવાર જો અમે વસ્તુઓ ઠેકાણે ન મૂકીએ તો અમારુ આવી બને. સોફાની ગાદી પણ જો એની જગ્યાએ ન હોય તો સ્નેહાનો જીવ કચવાઈ જાય. અને જો ક્યારે રાત્રે સૂતાં પહેલાં કોઈ કામ બાકી રહીં જાય તો એને આખી રાત ઊંઘ ન આવે. આરામ જાણે એના માટે હરામ હતો.
હમ્મ…બૈરી મારી તોબા રે તોબા!!
એક વાર સ્નેહાના દૂર ના ફઈ મણીબેન સહકુટુંબ ઘરે દાવત પર આવવાના હતા. વિચાર કરો, સ્નેહાએ કોઈ કસર બાકી રાખી હશે? સ્વાદિષ્ટ ભોજનની સાથે ઘર પણ ચકાચક ચમકી રહ્યું હતું. પલંગની ચાદર પણ નવી બિછાવી હતી.
બધા આવ્યા, બેઠા, વાતો ચિતો થઈ. જમ્યા. હસી મજાક અને ઠઠ્ઠા મશ્કરી પણ થયા. ખૂબ આનંદ આવ્યો.
“રામાકાત ભાઈ તમારા ઘરનાં ફોટા લઈ જવાં છે. કેટલી સુંદર સજાવટ અને કેટલું ચોખ્ખું!”
“બધો યશ સ્નેહાને જાય છે. આ બધી એની મહેનત છે.”
જ્યારે મેં સ્નેહા સામે જોયું, તો મને એમ કે એ ખુશ હશે, પણ એના ચહેરા ના હાવ ભાવ ટેન્શનવાળા હતાં. એની નજર પલંગ પરથી હટી નહોતી રહી.
મણીબેનના મિસ્ટર હસમુખભાઈ સુતાં હતાં. પણ એમાં નાક સિકુડવાની શુ જરૂર હતી?
સાંજે જ્યારે બધા પરવાર્યા, સ્નેહા તરત રૂમ માં ગઈ અને નવી પાથરેલી ચાદર કાઢીને મેલા કપડાંની ટોકરી માં નાખી.
“સ્નેહા, આ ચાદર તો આજે જ પાથરી હતીને?”
“હાં. પણ હવે એ બેસવા લાયક નથી.”
“કેમ?”
“હસમુખભાઈ એના પર સુતાં હતા.”
“હાં, તો એમાં શું?”
“એમના મોજા મેલા હતા, બધું ગંધવી નાંખ્યું.”
મેં કપાળે હાથ માર્યો.
હે પ્રભુ…બૈરી મારી તોબા રે તોબા!!
-શમીમ મર્ચન્ટ