રિના મંદિરથી દર્શન કરીને બહાર આવી. ત્યાં જ તેની પાસે એક નાનો છોકરો આવ્યો. ફાટેલા કપડાં પહેરીને, ખૂબ થાકેલો દેખાતો હતો. કહ્યું, “થોડાક પૈસા આપો ને, ભગવાન તમારું સારું કરશે!” આજે રિના બહુ ખુશ હતી તેથી તેને પહેલા છોકરાને 100 રૂપિયા આપી દીધા.
છોકરાએ તે 100 રૂપિયાની નોટ લઈ લીધી. થોડી વાર થઈ ગઈ.રિના મંદિર પાસે જ એક ઝાડ પાસે બેઠી હતી. કોઈકની રાહ જોતી હતી. ત્યાં જ તે છોકરો ફરી આવ્યો. રિનાએ કહ્યું, “હવે ફરી નહિ! પહેલા તને 100 રૂપિયા આપ્યા ને? હવે જતો રહે !” પણ તે નાના છોકરાએ કહ્યું, “હું ફરી રૂપિયા માંગવા નથી આવ્યો. હું તો 50 રૂપિયા દેવા આવ્યો છું.” રિનાને થયું આ “કેમ આવું” કહે છે? કોઈ ભિખારી પાછા રૂપિયા દેવા આવે એવું તો ક્યાંય નથી સાંભળ્યું. તેને તે છોકરાને તેનું કારણ પૂછ્યું.
છોકરાએ કહ્યું, “મારી ભૂખને મારવા માટે 50 રૂપિયા ઘણા હતા. મને પૂરા 100 રૂપિયાની જરૂર નથી. તેથી હું પાછો આ 50 રૂપિયા દેવા આવ્યો છું.” રિનાએ તેની પાસેથી તે 50 રૂપિયા લઈ લીધા અને કહ્યું, “જો તું આટલો જ ઈમાનદાર છો તો તું મહેનત કેમ નથી કરતો? હવેથી મહેનત કરીને જ પૈસા કમાવજે.” તેમ તેને સમજાવ્યું. છોકરો ત્યાંથી જતો રહ્યો. બીજે દિવસે રિના એ જ મંદિર પાસેથી ગઈ અને તેને તે જ નાના છોકરાને જોયું પણ આ વખતે તે ભીખ માંગતા નહિ પણ રમકડાં વહેંચતાં દેખાયો.
– નિતી સેજપાલ, “તીતલી”