|ઘોર અંધાર છે આખી અવની ઉપર, તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.|
-બેફામ
નીરવ મને વાત વાતમાં ક્યાં એની કંપની વિઝિટ પતાવી ગયો એ ખબર જ ના પડી. હવે સમય આવ્યો સીઈઓ ને મળવાનો! ધબકારા તો એમ જ વાગતા હતા અને પહોંચી ગઈ હું પ્રેમની કેબિન પાસે.
“કમ ઇન મિસ શિવાની. ” આ તો એ જ અવાજ ! આ તો મારો જ પ્રેમ! મને બે ઘડી મોડું થયું એની કેબિનમાં ઘુસતા.
“શિવાની શું તમે અહીંયાથી પણ ભાગી જવાનું વિચારતા હતા?” પ્રેમએ અટ્ટહાસ્ય કરીને વાત ચાલુ કરી.
“પ્રેમ! તું મને ક્યાંય મળ્યો કેમ નહિ! મેં તને ઇન્ટરનેટ પર શોધવાની ઘણી કોશિશ કરી.” મારાથી પૂછાઈ ગયું.
“શિવાની, જેને આપણે દિલથી શોધીએ એ મળી જ જાય! જો હું તારી સામે જ ઊભો જ છું.”
“પ્રેમ ચાલ આપણે પરણી જઈએ, તારી જગ્યા તો મે ખાલી જ રાખી છે.”
“શિવાની તે મને પૂછ્યું, કે તારી જગ્યા ખાલી રહી છે કે નહિ ?”
પ્રેમના તો અંદાજ જ બદલાયેલા હતા. “શિવાની કોઈ તું રણભૂમિ મૂકીને ભાગી ગઈ હતી. તને યાદ તો છે ને તું મંડપ છોડીને ભાગી હતી! “
કાપો તો લોહી ના નીકળે એવી પશ્ચાતાપ ની લાગણી થઈ રહી હતી. “પણ તને હું ભાગતા પહેલા મળી હતી, તને જાણ હતી કે હું ક્યારેય મા નથી બની શકવાની, અને તારા ઘરમાં બધા વારસદારના ભૂખ્યા હતા.” મેં અંતે એને ચૂપ કર્યો.
“શિવાની, તારા ગયા પછી હું ખાલીખમ જ રહ્યો છું. સાવ ફકીર જેવી હાલત થઈ ગઈ છે મારી. મને કોઈ પસંદ નથી આવતું, કોઈને હું પસંદ નથી. મારા પરિવારના લીધે મે તને ગુમાવી છે. હવે મે મારા પરિવારને તરછોડી દીધો. ચાલ શિવાની આપણે એક થઈ જઈએ.” આ સાંભળતાં જ મનમાં ઉમંગ નો દરિયો છલકાઈ ગયો. “તું જ્યાં કહે ત્યાં આવવા તૈયાર હું પ્રેમ.”
“તો તને કોઈ વાંધો નથી, કે હું મા નહિ બની શકું?”
“ના શિવાની જરાય નહિ!” પ્રેમે શિવાની ને ઘૂંટણ પર બેસીને એકરાર કર્યો.
– વેદિકા શાહ