વાત બે ભાઇઓની

આજે વાત કરીએ બે ભાઇઓની – એક ભાઇ મમ્મીનો ને એક ભાઇ પપ્પાનો. એક મામા ને એક કાકા. મામાનો મહિમા મમ્મીએ ખૂબ ગાયો છે. બહેન મોટી હોય તો નાનો વીરો એને પુત્ર સમ લાડકો હોય ને મોટો ભાઇ હોય તો પિતાતુલ્ય હોય. ભાઇમાં પિતાનો અણસાર જોતી બહેન ગાય છે : બાપુની બોલાશે વીરને ઓળખ્યો. ખેતરની વાડે ઉગેલા હાથિયા થોર બહેનને હેરાન કરનારા ભાઇના હાથનું પ્રતીક છે ! ભાઇને બાળપણથી જ શીખવાય છે કે બહેનને અપાય , બહેનનું લેવાય નહીં. પરિણામે નાના હોય ત્યારે લડતા ઝગડતા ભાઇ બહેન મોટા થાય ને બહેનના પાલવમાં વીર જવતલ આપે ત્યારથી એના એ સંસ્કારનો અમલ થાય તે બહેનના ઘેર પાણીય ન પીવાય સુધીના આગ્રહ સેવાય. એટલે જ મામાનો મહિમા મોટો છે. પપ્પાના ભાઇ છે કાકા કે મોટાબાપા કે દાદા. નાના હોય તો મમ્મીના દિયર ને મોટા હોય તો જેઠ. ને એ પ્રમાણે મમ્મીનો એમની સાથે વ્હાલ અને વંદનનો વહેવાર. પિયરની યાદ આવતી હોય ત્યારે આ નાનો દિયરિયો લાડકો જ ભાઇ બનીને ભાભીને પડખે ઉભો રહે. અજાણ્યા વાતાવરણમાં એ ભાભીનો defence lawyer છે. ભાભીના આગમન સાથે એ પક્ષપલટો કરે છે ને જરુર પડ્યે પોતાનાં પરિવારજનોની સામે થાય છે. ને મોટા જેઠ હોય તો એ સંઘર્ષને defuse કરે છે, ભાઇને બે શબ્દ કહે છે. મોટાભાઇ ભાભીની વાત ન ટાળી શકાય એટલે કેટલીકવાર વાત વધતાં પહેલાં જ અટકી જાય ને ક્યારેક દામ્પત્યના આરંભે નવશીખીઆ ચાલકોની ગાડી અકસ્માત ને ઇજાથી બચી જાય , ને વડિલને ખબર પણ ન પડે. નાના દિયરનાં મનની વાત ભાભી જાણે , મોટાં જેઠાણીને હૈયું હળવું કરવાય એ જ કાન આપે. આમન્યા સાથે મ્હોરે છે આ સંબંધ. બાળકને માટે તો મામા ને કાકા બંને ગોળનું ગાડું. ખોળે રમાય ને ખંભેય બેસાય. એવા સંબંધને તે કેમ વિસરાય ?