પ્રધાનમંત્રીએ બિહારમાં ‘નમામિ ગંગે’ યોજના અને ‘અમૃત (AMRUT) યોજના’ અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં નમામિ ગંગે યોજના અને અમૃત યોજના અંતર્ગત વિવિધ પ્રો પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે ચાર યોજનાઓ અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં પટણા શહેરમાં બેઉર અને કરમ-લીચકમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ અમૃત યોજના હેઠળ સિવાન અને છપરામાં પાણી સાથે સંબંધિત વિવિધ પરિયોજનાઓ સામેલ હતી. આ ઉપરાંત મુંગેર અને જમાલપુરમાં પાણી પુરવઠા સાથે સંબંધિત પરિયોજનાનું આજે શિલાન્યાસ કરવામાં આવ્યું હતું તથા મુઝફ્ફરપુરમાં નમામિ ગંગે પરિયોજના અંતર્ગત રિવર ફ્રન્ટ વિકાસ યોજનાનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાવાયરસના રોગચાળા દરમિયાન પણ બિહારમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ પર કામગીરી સતત ચાલી રહી છે.

તેમણે કરોડો રૂપિયાના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનો સંદર્ભ આપ્યો હતો, જેનું તાજેતરમાં રાજ્યમાં ઉદ્ઘાટન થયું હતું, જેનાથી બિહારના ખેડૂતોને લાભ થશે તેમજ રાજ્યમાં માળખાગત સુવિધાઓનો વિકાસ થશે.

પ્રધાનમંત્રીએ ઇજનેર દિવસના પ્રસંગે દેશના વિકાસમાં ઇજનેરોના પ્રદાનને બિરદાવ્યું હતું. દર વર્ષે ભારતના આધુનિક સિવિલ ઇજનેરીના પથપ્રદર્શક ગણાતા સર એમ. વિશ્વેસ્વરૈયાની યાદગીરી રૂપે ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, બિહારે લાખો ઇજનેરો તૈયાર કરીને દેશના વિકાસમાં પણ મહત્ત્વપૂર્ણ પ્રદાન કરે છે.

શ્રી મોદીએ કહ્યું હતું કે, બિહાર ઐતિહાસિક નગરોની ભૂમિ છે અને રાજ્ય હજારો વર્ષોનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. દેશને આઝાદી મળ્યાં પછી બિહારનું નેતૃત્વ દીર્ઘદ્રષ્ટા આગેવાનોએ કર્યું હતું, જેમણે ગુલામીના યુગ દરમિયાન વિકસેલી વિવિધ પ્રકારની સામાજિક કુરીતિઓને દૂર કરવા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ત્યારબાદ બદલાયેલી પ્રાથમિકતાઓ સાથે વિકાસનું અધઃપતન થયું હતું, જેના પરિણામે શહેરી માળખાગત સુવિધાઓમાં ઘટાડો થયો હતો અને રાજ્યમાં ગ્રામીણ માળખાગત સુવિધાઓનું પણ પતન થયું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સુશાસનનું સ્થાન સ્વાર્થે લીધું અને મતબેંકના રાજકારણની રમત શરૂ થઈ પછી વંચિતો અને સમાજના નબળાં વર્ગોને સૌથી વધુ ભોગવવું પડ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બિહારની જનતાએ દાયકાઓ સુધી આ પીડા વેઠી છે. આ ગાળામાં તેમને પાણી અને સીવરેજ જેવી મૂળભૂત સુવિધાઓ પણ મળતી નહોતી. તેમણે કહ્યું હતું કે, લોકો અસ્તિત્ત્વ ટકાવવા પીવાનું ગંદુ પાણી પીને ચેપી રોગોનો ભોગ બનતાં હતાં અને તેમની આવકનો મોટો હિસ્સો સારવાર પાછળ ખર્ચાઈ જતો હતો. આ સ્થિતિ સંજોગોમાં બિહારના એક બહુ મોટા વર્ગે ઋણ, રોગ, નિઃસહાયતા, નિરક્ષરતાને પોતાની નિયતિ ગણીને એનો સ્વીકાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન વ્યવસ્થામાં સુધારો કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે, જેના પરિણામે સમાજના સૌથી વધુ અસરગ્રસ્ત વર્ગને આત્મવિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત થયો છે. અત્યારે કન્યા કેળવણીને પ્રાથમિકતા અને પ્રોત્સાહન આપવામાં આવે છે, પંચાયતી રાજ સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વંચિતોની ભાગીદાર વધારવામાં આવી છે અને તેમનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. વર્ષ 2014 પછી અત્યાર સુધી માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત યોજનાઓનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ ગ્રામ પંચાયતો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવામાં આવ્યું છે. અત્યારે આયોજનથી લઈને અમલીકરણ સુધી તથા યોજનાનો અમલ ચાલુ રાખવા સુધીની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સુપરત કરવામાં આવી છે, જે સ્થાનિક જરૂરિયાતો પૂર્ણ કરવા સક્ષમ છે. આ તમામ કારણોસર બિહારના શહેરોમાં પીવાના પાણી અને સીવર જેવી મૂળભૂત માળખાગત સુવિધાઓમાં સતત સુધારો થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં 4થી 5 વર્ષ દરમિયાન લાખો પરિવારોને અમૃત અભિયાન અને રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત બિહારના શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની સુલભતા પ્રદાન કરવામાં આવી છે. આગામી વર્ષોમાં બિહાર દેશના એવા રાજ્યોમાં સામેલ હશે, જ્યાં દરેક ઘરમાં પાઇપ દ્વારા પીવાનું પાણી મળશે. બિહારની જનતાએ આ મોટો લક્ષ્યાંક પાર પાડવા કોરોનાના રોગચાળાની કટોકટીના ગાળા દરમિયાન પણ કામ જાળવી રાખ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં થોડાં મહિનાઓ દરમિયાન બિહારના ગ્રામીણ વિસ્તારોમાં પરપ્રાંતીય કામદારો અન્ય રાજ્યોમાંથી રાજ્યમાં પરત ફર્યા હોવાથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર યોજના અંતર્ગત 57 લાખથી વધારે પરિવારોને પીવાનું પાણી માટેના જોડાણો મળ્યાં છે. આ રીતે આ યોજના અને પરપ્રાંતીય કામદારોએ પીવાનું પાણીના જોડાણ પ્રદાન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જળ જીવન અભિયાન બિહારના સાથીદારોની આકરી મહેનત અને ખંતને સમર્પિત છે. છેલ્લાં એક વર્ષમાં જળ જીવન અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં બે કરોડથી વધારે પાણીના જોડાણો આપવામાં આવ્યાં છે. અત્યારે પાઇપ દ્વારા દરરોજ પાણીના નવા જોડાણ દ્વારા એક લાખથી વધારે ઘરોને જોડવામાં આવે છે. સ્વચ્છ પાણી ગરીબોના જીવનની ગુણવત્તા સુધારવાની સાથે તેમના જીવનનું ઘણા ગંભીર અને જીવલેણ રોગોથી રક્ષણ પણ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારોમાં પણ અમૃત (AMRUT) યોજના અંતર્ગત બિહારમાં 12 લાખ પરિવારોને શુદ્ધ પાણી પ્રદાન કરવા કામગીરી ચાલી રહી છે. આ યોજના ઝડપથી આગળ વધી રહી છે અને 12 લાખ પરિવારોમાંથી 6 લાખ પરિવારોને જોડાણો પ્રદાન થઈ ગયા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શહેરી વસાહતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને શહેરીકરણ વર્તમાન વાસ્તવિકતા છે, પણ ઘણા દાયકાઓથી શહેરીકરણને અવરોધરૂપ ગણવામાં આવે છે. શહેરીકરણના સૌથી મોટા હિમાયતી બાબાસાહેબ આંબેડકરને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આંબેડકર શહેરીકરણને સમસ્યારૂપ ગણતા નહોતા, પણ તેમણે શહેરોની કલ્પના એવા સ્થાન તરીકે કરી હતી, જ્યાં દરિદ્રનારાયણને તકો મળે, જીવનની ગુણવત્તા સુધારવા માટેનો માર્ગ મોકળો થાય. તેમણે ઉમેર્યું હતું કે, શહેરો એવા હોવા જોઈએ, જ્યાં દરેકને, ખાસ કરીને આપણી યુવા પેઢીને, પ્રગતિ કરવા, વિકાસ કરવા નવી અને અમર્યાદિત સંભવિતતાઓ મળે. આપણે એવા શહેરોનું સર્જન કરવું પડશે, જ્યાં દરેક પરિવાર સમૃદ્ધિ અને ખુશી સાથે જીવન જીવી શકે. આપણે એવા શહેરો ઊભા કરવા પડશે, જ્યાં દરેક, ગરીબ, દલિત, પછાત, મહિલાઓને સન્માનજનક જીવન મળે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે આજે દેશમાં નવા શહેરીકરણના સાક્ષી બની રહ્યાં છીએ અને શહેરો આજે પણ તેમની ઉપસ્થિતિનો અનુભવ કરાવી રહ્યાં છે. હજુ થોડાં વર્ષો અગાઉ શહેરીકરણનો અર્થ હતો – થોડા પસંદગીના શહેરોમાં ગણ્યાંગાંઠ્યાં વિસ્તારોનો વિકાસ. પણ હવે આ વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે. બિહારની જનતા ભારતના આ નવા શહેરીકરણમાં તેમનું સંપૂર્ણ પ્રદાન કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, વર્તમાનની નહીં, પણ ભવિષ્યની જરૂરિયાતો મુજબ શહેરોને તૈયાર કરવા અતિ મહત્ત્વપૂર્ણ છે, જે આત્મનિર્ભર બિહાર, આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપશે. આ વિચારસરણી સાથે અમૃત અભિયાન અંતર્ગત બિહારના ઘણા શહેરોમાં મૂળભૂત સુવિધાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, 100થી વધારે મ્યુનિસિપલ સંસ્થાઓમાં 4.5 લાખથી વધારે એલઇડી સ્ટ્રીટ લાઇટ સ્થાપિત કરવામાં આવી છે. આ કારણસર આપણા નાનાં શહેરોમાં શેરીઓમાં પ્રકાશ પથરાયો છે. વળી કરોડો રૂપિયાના વીજખર્ચની બચત કરવામાં આવી છે અને લોકોનું જીવન વધારે સરળ થયું છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યના આશરે 20 મોટા અને મહત્ત્વપૂર્ણ શહેરો ગંગા નદીના કિનારે સ્થિત છે. ગંગા નદીને સ્વચ્છ કરવાના અભિયાનથી આ શહેરોમાં વસતા કરોડો લોકોના જીવન પર સીધી અસર થઈ છે. ગંગા મૈયાના શુદ્ધિકરણની વાતને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બિહારમાં ગંગા મૈયાના શુદ્ધિકરણ માટે રૂ. 6000 કરોડથી વધારે મૂલ્યના 50થી વધારે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, સરકાર ગંગા નદીના કિનારે સ્થિત તમામ શહેરોમાં પાણીના શુદ્ધિકરણ માટેના ઘણા પ્લાન્ટ સ્થાપિત કરવા પ્રયાસરત છે, જેથી ગંદી નહેરોમાંથી ગંદકી સીધી ગંગામાં જતી અટકાવી શકાય.

તેમણે જણાવ્યું હતું કે, પટણામાં બેઉર અને કરમ-લીચકમાં એક યોજનાનું ઉદ્ઘાટન થયું છે, જે આ વિસ્તારનાં લાખો લોકોને લાભ આપશે. આ સાથે ગંગા નદીના કિનારે વસેલા ગામડાઓને ‘ગંગા ગ્રામ’ તરીકે પણ વિકસાવવામાં આવ્યાં છે.