દૂધપાક ને ખીર

દૂધપાક ને ખીર સગોત્રી છે પણ બંને ભિન્ન છે. દૂધ, ચોખા , ખાંડ, બદામ, ચારોળી વત્તે ઓછે એમનાં ingredients ખરાં. પણ ખરી કલા એને ઉકાળવામાં. દૂધપાકનાં દૂધને ઉકાળવામાં અપાર ધીરજ જોઇએ.

ચૂલા પર ચડાવેલા તપેલાને હળવી આંચે ગરમ થવા દેવાનું ને સમયાંતરે તાવેથો ય ફેરવતા રહેવાનું . દૂધ ઉકળે પણ ઉભરાય નહીં એ એની વિશેષતા. આ તવેથો ફેરવવો પણ જરુરી. એનું timing પણ સાચવવું પડે. જેથી ઉભરાવાનો મિજાજ ધારણ કરી ચૂકેલું દૂધ ઉભરાય નહીં ને ઉકળતું રહે. વળી ચોંટે પણ નહીં. આ રીતે ઉકાળીને અડધું કરેલું દૂધ એનો શ્વેત વર્ણ ગૂમાવી નયનરમ્ય પીળાશ પકડે . સ્વર્ણિમ જ કહોને ! પછી એમાં ખાંડ નખાય. ભાત સ્વરુપે ચોખા ઉમેરાય . આ ચોખાનું પ્રમાણ જાળવવું જરુરી. તો જ એ “દૂધપાક” નામ સાર્થક કરે. અન્યથા , સાધારણ ઉકળેલા દૂધમાં ભાત એ ખીર ! ખીર જમાડવી સહેલી, દૂધપાક સમય માંગે. ને એ પછી ચારોળી -બદામ પરિવારની આર્થિક સ્થિતિ અનુસાર . અગાઉ દૂધપાકનાં દૂધનો ” ઓડર ” દૂધવાળાને અગાઉથી આપી દેવાતો. રોજ કરતાં વધારે જોઇએ એટલે તપેલીનું સ્થાન તપેલું લે.

આજે હવે fatનાં પ્રમાણની વધઘટવાળાં દૂધનાં વિકલ્પ ઉપલબ્ધ છે ત્યારે ઘરનાં માટેનો દૂધપાક વધારે fat વાળા દૂધમાં બને. સ્વર્ગસ્થ વડિલોને શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ નિમિત્તે કાગવાસમાં ખીર પીરસાય. ઇચ્છા હોય તો દૂધપાક પણ પીરસાય. વડિલો રાજી થાય. દરેક પરિવાર પાસે પોતાનાં વડિલોની સ્મૃ તિ હોય છે. અલબત્ત એનો સ્વાદ ખાટો-મીઠો-તીખો-તૂરોને ક્યારેક કડવો ય રહેવાનો જ. પણ વ્યક્તિની વિદાય પછી તમને તક હોય છે પસંદગીનાં સ્મરણો સાચવવાની. આવા સમયે મીઠી યાદોની જ મજા લેવી. આ વિદાય લેનારાં વડિલોને ભાવતી ને ન ભાવતી વાનગીઓ સાથે જોડાયેલી એમની યાદ એ પર્વારમાં એક બે પેઢી સુધી સચવાય છે અને પ્રસંગે અચૂક યાદ આવે છે.

દૂધપાક બનાવવાનું કૌશલ્ય વારસામાં મળ્યાનું ગૌરવ દીકરી ને હોય છે. તો મા જેવી વેઢમી- પૂરણપોળી- ન આવડ્યાનો વસવસો ય રહે છે. સાસુ જેવો મોહનથાળ ન આવડ્યાનાં દુ:ખનું સાટું પૂત્રીના બનાવેલા મોહનથાળમાં વળી જાય છે, ને પરિવારમાં સ્વાદનું અનુસંધાન સચવાતું આવે છે ને નવા સ્વાદ ઉમેરાતાં આવે છે. અમે નાનપણમાં મમ્મી ને મામાના હાથનો દૂધપાક મન ભરીને પીતાં . સાસુમાના હાથમાં ય એવી જ માઠાશ ને પત્નીમાં પણ એનું અનુસંધાન માણવાનું સુખ . પણ એ બધાં વચ્ચે યાદ આવે બાળપણ, જ્યારે અમારું ધ્યાન દૂધપાકના તપેલામાં ચોંટેલા દૂધમાં રહેતું . એ અમારો મનભાવન માવો. એને માટે ભાઇબ્હેન લડતાં ય ખરાં !

આજે હવે દૂધપાક છે, મમ્મી , મામા કે સાસુમા નથી.યાદ છે, સ્વાદ છેપણ sugar પણ છે! Sugar Freeની સગવડ તો છે પણ એ મજા ક્યાં ? ને તપેલું ય છે , ચોંટેલા દૂધનો માવો ય છે પણ હવે એમ તપેલું લઇ ઉખાડવા બેસીએ તો દીકરાવહુને કેવું લાગે ?

– તુષાર શુક્લ