બાળકો માટે આદ્યત્મિકતા એક ઘણો અવ્યક્ત વિષય છે અને એ ઉંમરના દાયરામાં આટલી મોટી વાત સમજવી ખૂબ જટિલ પડે. પણ જો માં બાપ તરીકે આપણે નાનપણથી છોકરાઓને એક સીધી અને સાચ્ચી જીવનશૈલી બતાવીએ, તો આગળ ચાલીને આપણા ભુલકાઓનો માર્ગ સત્ય અને સુખમય રહેશે. અને એમનું આ માર્ગદર્શન કરવું આપણી જવાબદારી છે.
વિશ્વાસ કરો ડરવાની વાત નથી અને એટલું અઘરું પણ નથી. ફક્ત આપણા બાળકનો ઉછેર કરતી વખતે જીણી જીણી વસ્તુ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. ચાલો જોઈએ કેવી રીતે.
સૌ પ્રથમ તો આપણા પોતાના વિચારો, માન્યતાઓ અને આસ્થા ચોખ્ખી હોવી જોઈએ. જો તમે પોતે જ શંકામાં હશો તો છોકરાઓની દોરવણી કઈ રીતે કરશો?જીવનની દૈનિક પ્રવૃત્તિઓમાં અને રોજિંદા કાર્ય કે વાતચીતમાં આદ્યત્મિકતા લાવી શકાય. સાચું બોલવું, ભૂલ થઈ જાય તો સ્વીકારવાની હિંમત રાખવી, મનની વાત નિડર થઈને કહેવી, ભલે વધુ ન થાય તો ફૂલ નહીં તો ફૂરની પાંખડી રુપે પણ કોઈને મદદ રૂપ થવું અને આવી ઘણી બાબતો છે જે આપણે આપણા લાડકાઓમાં પહેલેથી આ લાગણી સિંચી શકીએ અને એના માટે આપણે પોતે એક શ્રેષ્ટ રોલ મોડેલ બનવું પડશે.
એનો અર્થ એ નથી કે આપણાથી ભૂલ ન થવી જોઈએ કે પછી આપણી પાસે બધા પ્રશ્નના જવાબ હોવા જોઈએ. પણ જો આપણે સીધે માર્ગે ચાલતા હશું, તો વગર કીધે બાળકો આપણને ફોલો કરશે.
નાનપણ થી પ્રકૃતિ માટે પ્રેમ અને માવજત શીખવાડો. જયારે બાળકો આસપાસની સુંદરતાને નિહાળતા શીખે તો પ્રભુના હોવાનો એહસાસ થાય.
વાર્તા સાંભળવી એક અલગ અનુભવ છે. અને વાર્તા ના માધ્યમથી ઘણી બધી શિખામણ સમજાવ્યા વગર બાળકો સમજી જાય છે.
કુટુંબની પરંપરાઓ અને રિવાજો જાળવી રાખવા જરૂરી છે. બની શકે તો છોકરાઓનો એમાં સમાવેશ કરો. આરતીની થાળી તૈયાર કરે, પ્રસાદ બનાવમાં મદદ કરે, રંગોળી બનાવે, ફુલહાર બનાવે, દાન દક્ષિણા આપે, કંઈ પણ.. જે કામ એમના લાયક હોય.
જ્યારે અમે નાના હતા, તો મારા ફોઈ એ ખાસ અમારા માટે ગુજરાતીમાં એક સરળ પ્રાર્થના લખી હતી અને રોજ રાતે સુતા પહેલા એ બોલાવતા. જેનાથી સુખ અને આંનદ નો અનુભવ થતો, એ હું શબ્દોમાં વર્ણન કરી શકું એમ નથી. આજે પણ એ ટેવ જીવિત છે.
ટૂંકમાં એટલુંજ કહેવાનું કે, વિષય કેટલો પણ અઘરો હોય, પણ જો એનો પરિચય જેટલો બની શકે એટલો નાની ઉંમરમાં આપીએ તો વધુ સારું. નાના નાના ડોઝમાં અને ઉંમરને જોતા સરળતાની સાથે.
-શમીમ મર્ચન્ટ (શમાં)