પ્રધાનમંત્રીએ શ્રી હરિવંશ નારાયણ સિંહને રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ગૃહ અને તમામ દેશવાસીઓ વતી શ્રી હરિવંશ નારાયણ સિંહને બીજી વાર રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સામાજિક કાર્ય અને પત્રકારત્વની દુનિયામાં તેમણે પોતાના માટે એક પ્રામાણિક ઓળખ ઉભી કરી તેના કારણે શ્રી હરિવંશ પ્રત્યે તેમને ખૂબ માન છે. તેમણે કહ્યું કે, આજ ગૃહના દરેક સભ્યના મનમાં પણ આ જ ભાવના અને આદર છે. તેમણે શ્રી હરિવંશની કાર્યકારી શૈલી અને તેમણે ગૃહની કાર્યવાહી હાથ ધરવાની રીતની પ્રશંસા કરી અને કહ્યું કે ગૃહમાં તેમની ભૂમિકા લોકશાહીને મજબૂત બનાવે છે.

અધ્યક્ષ શ્રીને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજ્યસભાના સભ્યો હવે ગૃહની કાર્યવાહી સરળતાથી ચલાવવામાં ઉપાધ્યક્ષને સહયોગ કરશે. તેમણે કહ્યું કે, હરીવંશજી વિપક્ષ સહિતના સૌના  છે અને કોઈ પણ પક્ષ પ્રત્યે ભેદભાવ કર્યો નથી. તેમણે કહ્યું કે, સાંસદોને ગૃહમાં નિયમો પ્રમાણે નિયંત્રિત કરવા એ ખૂબ જ પડકારજનક કાર્ય છે અને હરિવંશ જીએ આ બાબતમાં બધાનો વિશ્વાસ જીત્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખરડા પસાર કરવા માટે હરિવંશ જી ઘણા કલાકો સુધી સતત બેઠા હતા અને આ બે વર્ષ તેમની સફળતાના સાક્ષી છે. આ ગૃહમાં દેશના ભવિષ્યને, દેશની દિશા બદલનારા સંખ્યાબંધ ઐતિહાસિક બિલ આ ગૃહમાં પસાર થયા. તેમણે દસ વર્ષમાં સૌથી વધુ ઉત્પાદકતાનો વિક્રમ સ્થાપિત કરવા બદલ ગૃહની પ્રશંસા કરી, તે પણ લોકસભાની ચૂંટણીના એક વર્ષમાં. તેમણે કહ્યું કે ગૃહમાં ઉત્પાદકતાની સાથે-સાથે સકારાત્મકતા પણ વધી છે. બધા સભ્યો ખુલ્લા મનથી તેમની વાત રજૂ કરી શક્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હરીવંશ જી જમીનથી જોડાયેલા છે કારણ કે તેમણે તેમના જીવનની નમ્રતાથી શરૂઆત કરી છે. જ્યારે હરિવંશ જીને પ્રથમ સરકારી શિષ્યવૃત્તિ મળી ત્યારે તેમણે શિષ્યવૃત્તિના પૈસા ઘરે લઈ જવાને બદલે પુસ્તકો ખરીદ્યા. તેમણે કહ્યું કે, હરિવંશ જીને પુસ્તકો પ્રત્યે ઘણો લગાવ હતો. તેમણે કહ્યું કે શ્રી હરિવંશ શ્રી જયપ્રકાશ નારાયણથી ખૂબ પ્રભાવિત છે. લગભગ ચાર દાયકા સુધી સામાજિક કાર્યો કર્યા બાદ, તેમણે 2014માં સંસદમાં પ્રવેશ કર્યો.  

તેમણે કહ્યું કે હરીવંશ જી તેમના નમ્ર વર્તન અને નમ્રતા માટે જાણીતા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હરિવંશ જીએ આંતરરાષ્ટ્રીય સંસદીય સંઘ જેવા તમામ આંતરરાષ્ટ્રીય મંચ પર અને અન્ય દેશોમાં ભારતીય સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ભારતનું કદ સુધારવા માટે પણ કામ કર્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હરિવંશ જી રાજ્યસભામાં અનેક સમિતિના અધ્યક્ષ હોવાથી તેમણે સમિતિઓની કામગીરી સુધારી હતી. તેમણે કહ્યું કે હરિવંશ જી સંસદસભ્ય બન્યા પછી, તેમણે તેમના આચરણ દ્વારા તમામ સાંસદો વધુ નૈતિક બને તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે હરીવંશ જી સંસદીય કાર્ય અને જવાબદારીઓની વચ્ચે બૌદ્ધિક અને વિચારક તરીકે પણ એટલા જ સક્રિય છે. હરિવંશ જી હજી દેશભરમાં ફરતા હોય છે, લોકોને ભારતના આર્થિક, સામાજિક, વ્યૂહાત્મક અને રાજકીય પડકારો વિશે જાગૃત કરે છે. તેમણે કહ્યું, “તેમનું પુસ્તક આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચંદ્રશેખરજીના જીવન તેમજ હરિવંશજીની લેખન ક્ષમતાને નજીકથી પ્રતિબિંબિત કરે છે. હું અને આ ગૃહના બધા સભ્યો ઉપાધ્યક્ષ હરીવંશજીનું માર્ગદર્શન મેળવવા બદલ ભાગ્યશાળી છીએ.”

પ્રધાનમંત્રીએ હરિવંશ જીને શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે ગૃહમાં 250થી વધુ સત્રો યોજાયા તે હકીકત ભારતીય લોકશાહીની પરિપક્વતાનો પુરાવો છે.